ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 549 કેસ, 26ના મોત, જાણો વધુ વિગત

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 549 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 28429 કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ 26 દર્દીના મૃત્યુ સાથે મૃત્યુઆંક 1711 પર પહોંચ્યો છે. આ સાથે જ 604 દર્દીઓ સાજા થતા અત્યારસુધીમાં 20521 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ – 235, સુરત – 178, વડોદરા – 42, જામનગર – 12, ભરૂચ – 11, ગાંધીનગર – 10, ભાવનગર – 8, નર્મદા – 6, મહેસાણા – 5, વલસાડ – 4, નવસારી – 4, મહિસાગર – 4, કચ્છ – 4, પંચમહાલ – 4, સુરેન્દ્રનગર – 3, ગીર-સોમનાથ – 3, રાજકોટ – 2, સાબરકાંઠા – 2, બોટાદ – 2, છોટાઉદેપુર – 2, પાટણ – 2, આણંદ – 2, અમરેલી – 1, અરવલ્લી 1, દાહોદ – 1 અને ખેડા – 1 સાથે અન્ય રાજ્યના 3 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 235 કેસ નોંધાયા છે, જેની સામે 381 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં માત્ર 5 કેસ નોંધાયા જેની સામે 40 લોકો ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ કોર્પોરેશનના વિસ્તારમાં આજે વધુ 13 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ગ્રામ્યમાં બે મૃત્યુ થયા આમ છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 15 લોકોના મૃત્યુ થયા છે.

સુરતમાં આજના પોઝિટિવ 178 કેસ સામે આવ્યા છે. જેમાં 152 નવા કેસ સિટી વિસ્તારના અને 26 કેસ ગ્રામ્ય વિસ્તારના છે. આમ, સુરત સિટીના અત્યારસુધીમાં કુલ 3529 કેસ અને ગ્રામ્ય વિસ્તારના કુલ 367 કેસ નોંધાવાની સાથે સુરત જિલ્લાના કુલ 3896 કેસ નોંધાઈ ચુક્યા છે. સુરતમાં આજે 4 મોટ સાથે મૃત્યુઆંક 147 પર પહોંચ્યો છે. જયારે કુલ 2507 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ કોરોના પોઝિટિવ

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે મંગળવારે જાહેર કર્યું હતું કે તે કોવિડ-19 પોઝિટિવ થયો છે. જોકોવિચનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવતાની સાથે બલ્ગેરિયાના ગ્રિગોર દિમિત્રોવ, ક્રોએશિયાના બોર્ના કોરિક એ વિક્ટર ટ્રોઇકીની યાદીમાં સમાવેશ થયો છે. આ તમામ ટેનિસ ખેલાડી કોરોના પોઝિટિવ છે. વિકટર ટ્રાઇકીની પત્નીનો પણ કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આ તમામ જોકોવિચ દ્વારા આયોજિત એડ્રિયા ટૂર પ્રદર્શન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા હતા. જોકોવિચના સ્ટાફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર નોવાક જોકોવિચનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેનામાં કોઇ લક્ષણ જણાતા નહોતા. આ પહેલા ટ્રોઇકીએ કહ્યું હતું કે મારી પત્નીનો શુક્રવારે અને મારો રવિવારે ટેસ્ટ કરાયો હતો. અમારા બંનેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે મારી પુત્રીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં જોકોવિચ, એલેક્ઝાન્ડર ઝ્વેરેવ અને ડોમિનિક થિએમે પણ ભાગ લીધો હતો.

આ પહેલા બોર્ના કોરિકે સોશિયલ મીડિયા પર પોતાને કોરોના થયો હોવાની માહિતી આપી હતી, તેણે કહ્યું હતું કે હું તમને બધાને જણાવવા માગુ છું કે મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું એ સુનિશ્ચિત કરવા માગુ છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં જેઓ આવ્યા છે તેઓ પોતાની તપાસ કરાવી લે. તેણે કહ્યું હતું કે મારા કારણે કોઇને નુકસાન થયું હોય તો હું તેના માટે ખેદ અનુભવું છુ.

‘કોરોનિલ’ બનાવવાના મામલે બાબા રામદેવ વિરુદ્ધ FIR નોંધવાની માંગ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ

ચંદીગઢ (ધરાણી): પતંજલિ આયુર્વેદ લિમિટેડના સ્થાપક યોગગુરુ બાબા રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ફરિયાદ હરિયાણા પોલીસ સુધી પહોંચી છે. ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે ભારતીય આપત્તિ સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. આપને જણાવી દઈએ કે પતંજલિ આયુર્વેદ વતી દાવો કરવામાં આવ્યો હતો કે, કંપનીના જ ઉત્પાદન દવા કોરોનિલ કોરોના વાયરસને નષ્ટ કરશે.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એડવોકેટ સુખવિન્દર સિંહ નારાએ હરિયાણા પોલીસના ડીજી સમક્ષ બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને તેમની કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં ભારતીય આપત્તિ સંહિતા, 1860 ની કલમ 51/52/58 હેઠળ એફઆઈઆર નોંધાવવા વિનંતી કરવામાં આવી હતી અને ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 188/269/270 હેઠળ લાગુ કાયદા હેઠળ કાર્યવાહીની માંગ કરી હતી.

નારાએ પોલીસ ફરિયાદમાં લખ્યું છે કે, આયુષ મંત્રાલય અને આઇસીએમઆર મંત્રાલયની મંજૂરી લીધા વિના રામદેવ આવી દવાઓ લોન્ચ કરી શકે નહીં. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોવિડને લગતા ભારત સરકારની સૂચના અનુસાર કોઈ પણ કંપની સરકારની પરવાનગી વિના કોઈ દવાની જાહેરાત કરી શકતી નથી, પરંતુ રામદેવે આ દવાની જાહેરાત કોઈ મંજૂરી વગર સોશિયલ મીડિયા પર કરી હતી. નારાએ કહ્યું કે, એવું લાગે છે કે રામદેવ અને બાલકૃષ્ણના દાવા ખોટા છે અને તેમનું કૃત્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે. બીજી તરફ, ભારત સરકારે પતંજલિની કોરોના સંબંધિત દવાઓ પર ચકાસણી ન થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂક્યો છે.

કોરોનાનો દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ, એક જ દિવસમાં નોંધાયા 15413 કેસ

ભારતમાં કોરોના વાયરસના એક જ દિવસમાં સૌથી વધુ 15,413 કેસ નોંધાયા છે. આ સાથે જ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 4,10,461 પર પહોંચી ગઈ છે અને 306 લોકોના મોત પછી મૃત્યુઆંક 13,254 પર પહોંચી ગયો છે, ભારતમાં છેલ્લા ચાર દિવસથી દરરોજ નવા કેસોની સંખ્યા વધી રહી છે. 21 જૂન, રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 2,27,755 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1,69,451 લોકો સારવાર લઈ રહ્યા છે.

એક દર્દી વિદેશ ગયો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 55.48 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. ચેપના કુલ કેસોમાં વિદેશી નાગરિકો પણ શામેલ છે ભારતમાં, 10 દિવસથી દરરોજ 10,000 થી વધુ ચેપના કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં 1 જૂનથી 21 જૂન સુધીમાં 2,19,926 કેસ છે. ચેપના કેસમાં સૌથી ઝડપથી વધારો જોવા મળતા પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

હવે ગામડા અને નગરોમાં પણ થશે કોરોના ટેસ્ટ, સરકારે લોન્ચ કરી મોબાઈલ લેબ

દેશમાં કોરોના વાયરસના સતત વધતા જતા કેસો વચ્ચે, પરીક્ષણ (ટેસ્ટ)ને ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 18 જૂન, ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન દ્વારા મોબાઇલ લેબનું લોકાર્પણ કરાયું. જેનો ઉપયોગ કોરોના પરીક્ષણમાં થશે, આ લેબ કોઈપણ ક્ષેત્રમાં પરીક્ષણ કરી શકશે. આ દેશમાં આ પ્રકારની પહેલી લેબ છે.

માહિતી અનુસાર, આ મોબાઈલ લેબમાં કોરોના વાયરસના 25 પરીક્ષણો આરટી-પીસીઆર તકનીકથી, ઇલિસા તકનીકથી 300 પરીક્ષણો કરી શકાય છે. આ સિવાય ટીબી અને એચ.આય.વી ને લગતા કેટલાક પરીક્ષણો પણ કરી શકાય છે. મોબાઈલ લેબ આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવી છે.

સરકારના જણાવ્યા મુજબ, આ લેબ્સનો ઉપયોગ એવા સ્થળો માટે કરવામાં આવશે, જ્યાં કોઈ લેબ સુવિધા નથી. તેનો અર્થ એ કે તેનો ઉપયોગ ગામડાઓ અને નગરોમાં પણ થઈ શકે છે.

વડાપ્રધાન મોદી આજે અને કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે, કોરોના સંકટ પર થશે ચર્ચા

દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16 જૂન) અને બુધવારે (17 જૂન) જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. મોદી આજે બપોરે મુખ્યમંત્રીઓ, ઉપ રાજ્યપાલો અને 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો સાથે વાત કરશે. તેમાં પંજાબ, કેરળ, ગોવા, ઉત્તરાખંડ, ઝારખંડ, ઉત્તર પૂર્વના રાજ્યો અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશો શામેલ છે. બુધવારે પીએમ મોદી 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર સાથે વાત કરશે. તેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કર્ણાટક, ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે બે દિવસીય ડિજિટલ મીટિંગ થવાની છે. વડાપ્રધાન દ્વારા મુખ્યમંત્રીઓ સાથેની આ છઠ્ઠા તબક્કાની વાતચીત થશે. આ પહેલા 11 મી મેએ આવી બેઠક યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે 15 જૂન, સોમવારે ભારતમાં કોરોના વાયરસના 11 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં કુલ 3.32 લાખ લોકો સંક્રમિત થયા છે, જ્યારે 325 લોકોના મોત સાથે મૃતકોની સંખ્યા વધીને 9520 થઈ ગઈ છે.

અમેરિકામાં FDAએ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને ક્લોરોક્વિનની ઇમરજન્સી પરવાનગીને કરી રદ

અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ એસોસિએશન (FDA)એ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને ક્લોરોક્વિનની ઇમરજન્સી પરવાનગીને રદ્દ કરી દીધી છે. ન્યુ યોર્ક ટાઇમ્સ અનુસાર, એફડીએએ જણાવ્યું છે કે, આ દવા “અસરકારક થવાની સંભાવના નથી.”

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોનાના કહેર વચ્ચે ભારતથી આ બંને દવાની નિકાસ કરવામાં આવી રહી છે. ભારત દ્વારા આ મુશ્કેલીનાં સમયમાં કોરોના દર્દીની સારવાર માટે આ દવા અમેરિકા મોકલવામાં આવી રહી છે.

કોરોના સામે વડાપ્રધાન મોદી એક્શન મોડમાં, મંત્રીઓ અને અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શનમાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ 13 જૂન, શનિવારે અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને કોરોના વાયરસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન 16-17 જૂનના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવા જઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં દેશમાં લોકડાઉન અંગે ફરીથી વિચારણા કરવામાં આવી શકે છે.

નોંધપાત્ર વાત એ છે કે, દેશમાં લોકડાઉન હળવા થયા બાદ કોરોનાના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં 1 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે કોરોનાના કહેરમાં દેશની હાલત કેટલી હદે કથળી છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ઘરે લાગી ક્વોરેન્ટીન નોટિસ, આ છે કારણ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના મોતીલાલ નહેરુ પ્લેસ સ્થિત ઘર પર ક્વોરેન્ટીન નોટિસ લગાવવામાં આવી છે. મનમોહન સિંહના ઘરે નોટિસ લાગતા સૌથી વધુ અચંબામાં કોંગ્રેસીઓ છે કેમ કે તેમને ખબર જ નથી કે આવું કેમ થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવાસસ્થાને ઘરેલુ મદદ કરનારની પુત્રીને કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. ઘરેલુ કામમાં મદદ કરનારનો પરિવાર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિવાસસ્થાનમાં બાંધવામાં આવેલા સેવકોના નિવાસસ્થાનમાં રહે છે, તેથી મનમોહનસિંહના નિવાસસ્થાને ક્વોરેન્ટીનની નોટિસ લગાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન છેલ્લા કેટલાક દિવસોથી તંદુરસ્ત નથી. છાતીમાં દુખાવો થયાની ફરિયાદ બાદ તેને થોડા દિવસો પહેલા એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તે થોડા દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા અને સારવાર દરમિયાન આઈસીયુમાં પણ રાખવામાં આવ્યા હતા. હાલતમાં તબિયત સુધર્યા બાદ તાજેતરના દિવસોમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો કે, તેઓ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર 12 જૂન, ગુરુવારે તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સલાહકાર સમિતિની બેઠકમાં પણ ભાગ લીધો હતો.

Covid-19 વોરિયર્સ માટે મહિન્દ્રાએ લોન્ચ કરી સ્પેશિયલ સ્કીમ

ડોક્ટર, આરોગ્ય કાર્યકરો, પોલીસ અને અન્ય જેવા કોવિડ -19 સામે લડતા ફ્રન્ટ લાઇન યોદ્ધાઓ માટે મહિન્દ્રાએ તેના વાહનો પર કેટલીક નવી ફાઇનાન્સ સ્કીમ્સ રજૂ કરી છે. આ તમામ ઓફર્સ તે લોકો માટે પણ છે જે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન આવશ્યક સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. આમાં પત્રકારો અને મીડિયા પ્રોફેશનલ્સ, રેલ્વે અને એરલાઇન સ્ટાફ અને પેરામેડિક અને સરકારી અધિકારીઓ શામેલ છે.

કંપનીની આ નવી સ્કીમ્સ હેઠળ આ તમામ કોરોના વોરિયર્સને કારની ખરીદી પર 66,500 રૂપિયાનો લાભ આપવામાં આવશે.

  • આ ફાઇનાન્સ સ્કીમ્સમાં ઓન નાઉ એન્ડ પે ઇન 2021 સ્કીમ,
  • આઠ વર્ષ સુધીની ફંડિંગ,
  • 100 ટકા સુધી ઓન-રોડ ફંડિંગ,
  • 90 દિવસનો સમયગાળો,
  • બીએસ 4 પીક-અપની એમ EMIની ચુકવણી,
  • ડોકટરો માટે 50 ટકા પ્રોસેસિંગ ફી માફી વગેરે સ્કીમ્સ સામેલ છે.


કંપનીનું નિવેદન

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટો ડિવિઝનના સીઇઓ વિજય નાકરાએ જણાવ્યું છે કે, ભારતના ફ્રન્ટલાઈન યોદ્ધાઓ અને સર્વિસ પ્રોવાઇડર્સ પોતપોતાના ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. આ બધા લોકો આ પડકારજનક સમયમાં આપણને સુરક્ષિત રાખવા પ્રયાસો કરી રહ્યા છે. તેથી જ અમે તેમના માટે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ્સ લાવ્યા છીએ, જેથી તેમનો આભાર માની શકાય.