સરકારી ઇમારતો પરથી પાર્ટીના રંગો હટાવે આંધ્રપ્રદેશ સરકાર, સુપ્રીમ કોર્ટનો આદેશ

હૈદરાબાદ: આંધ્રપ્રદેશ સરકારના શાસક પક્ષ વાયએસઆર કોંગ્રેસે પોતાની પાર્ટીના રંગે રાજ્યની સરકારી ઇમારતો રંગી હતી. પરંતુ હવે આ બાબતે સુપ્રીમ કોર્ટે બીજી વખત રાજ્ય સરકારની નિંદા કરી છે. સરકારી ઇમારતો પરથી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના રંગોને હટાવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે, જો આદેશનું પાલન કરવામાં આવશે નહીં તો તે કોર્ટની અવમાનના ગણાશે. કોર્ટે ઇમારતો પરથી રંગો દૂર કરવા આંધ્રપ્રદેશ સરકારને 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. તમને જણાવી દઈએ કે, જગનમોહન રેડ્ડીની સરકારે સરકારી ઇમારતો અને પંચાયતની ઇમારતોને પાર્ટીના રંગથી રંગવા માટે જાહેર જનતાના રૂ. 2,600 કરોડ ખર્ચ કર્યા હતા.

આંધ્રપ્રદેશ હાઈકોર્ટે રાજ્ય સરકારના આદેશને રદ કરતાં સરકારી ઇમારતો પરથી પાર્ટીનો રંગ હટાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને રેડ્ડી સરકારે માર્ચમાં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ હાઇકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જો કે, રાજ્ય સરકારે પક્ષના રંગોને અખંડ રાખીને ઇમારતોના ફ્લોર પર બીજો રંગ ઉમેર્યો હતો, પરંતુ સરકારની આ રણનીતિ કામ કરી શકી નહીં. હાઈકોર્ટે ગયા અઠવાડિયે મુખ્ય સચિવ નીલમ સાહનીને સમન્સ પાઠવીને જવાબ માંગ્યો હતો. છેલ્લા 10 મહિનામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વારંવારના આદેશો છતાં રાજ્ય સરકારે ફરી એકવાર ટોચની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

જાહેર નાણાંનું ઉડાઉપણું

ભાજપના નેતા લંકા દિનકરે 3 જૂને બુધવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર સરકાર દ્વારા સરકારી ઇમારતો પર પાર્ટીના ધ્વજનો રંગ રંગવાના નિર્ણયની નિંદા કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, વાયએસઆર કોંગ્રેસ પાર્ટી પાસેથી પંચાયત અને સરકારી ઇમારતોના પેઇન્ટિંગનો ખર્ચ વસૂલ કરવો જોઈએ. તેમણે કહ્યું કે તે જાહેર નાણાંનું ઉડાઉપણું છે.