અમરેલી જિલ્લાના અકાળા ગામની સીમમાં વીજળી પડતાં યુવતીનું મોત

એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ ભૂકંપનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ દરમિયાન આજે (15 જૂન) અમરેલી જિલ્લાના અકાળા ગામની સીમમાં વીજળી પડતા 21 વર્ષીય યુવતીનું મોત નિપજતા સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, લાઠી – લીલીયા રોડ પર આવેલા અકાળા ગામની સીમમાં આજે સાંજના સમયે રમેશભાઈ સોજીત્રા, તેમની પત્ની અને 2 પુત્રીઓ પોતાની વાડીમાં કપાસિયા રોપી રહ્યા હતા. આ દરમિયાન સાંજના 4:35 વાગ્યે વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા થઇ રહ્યા હતા. જોત જોતામાં વીજળી કાળ બનીને આવી અને રમેશભાઈની મોટી પુત્રી 21 વર્ષીય પારસને ભરખી ગઈ હતી. વીજળી પડતા પારસ વાડીમાં જ ઢળી પડી હતી અને તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે નાની પુત્રીએ તેના પિતા રમેશભાઈને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા, પરંતુ જાણે આંખના પલકારામાં તેમની વ્હાલસોયી દીકરી કાળનો કોળિયો બની ગઈ હતી.