અમદાવાદ સહીત આ 3 એરપોર્ટનો કબજો લેવા તૈયાર નથી અદાણી ગ્રુપ, જાણો સમગ્ર મામલો

અમદાવાદ : કોરોના રોગચાળા અને ત્યારબાદ સતત લોકડાઉન થવાને કારણે દેશના અર્થતંત્રની હાલત કથળી છે. આ કિસ્સામાં, નાના કે મોટા દરેક ઉદ્યોગપતિ પણ ચિંતિત છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને, અદાણી ગ્રુપે હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ) ના અમદાવાદ, લખનઉ અને મંગલુરુ એરપોર્ટ પર કબજો મેળવવામાં અસમર્થતા દર્શાવતા, તેની સમયમર્યાદા વધારવાની માંગ કરી છે. આ 3 એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.

અદાણીએ કરી આ માંગ  

જાણીતા અખબારના જણાવ્યા અનુસાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)ને લખેલા એક પત્રમાં અદાણી ગ્રુપે માંગ કરી છે કે, ત્રણ એરપોર્ટ માટે ચૂકવવામાં આવનારી રૂ. 1000 કરોડની એસેટ ટ્રાન્સફર ફી જમા કરાવવા માટેની અંતિમ તારીખ ઓગસ્ટ, 2020થી વધારીને ડિસેમ્બર, 2020 કરવામાં આવે.

શું છે સમગ્ર મામલો

અદાણી ગ્રુપને ગયા વર્ષે ખૂબ જ આક્રમક બોલીમાં આ ત્રણ વિમાનમથકોની જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) માં કરાર મળ્યો હતો. હવે અદાણી ગ્રુપે આ કરાર માટે ઇમરજન્સી સુવિધા ‘ફોર્સ મેજેર’ કલમનો ઉપયોગ કર્યો છે. આ સુવિધા હેઠળ સંબંધિત પક્ષો કુદરતી આપત્તિ અથવા તોફાનો, રોગચાળા, ગુના વગેરે જેવા અન્ય મોટી કટોકટીની સ્થિતિમાં કરારની શરતો સ્વીકારવા માટે બંધાયેલા નથી હોતા. કાયદાકીય બાબતે આવી આફતોને ‘એક્ટ ઓફ ગોડ’ કહેવામાં આવે છે. જેમાં કેટલાક મામલામાં લોકોને સમયમર્યાદા લંબાવવાની તક મળતી હોય છે.