Post

જૂથવાદ અને ગોડફાધરીયા કલ્ચરમાં રાચતી કોંગ્રેસની મુસ્લિમ નેતાગીરીએ મુસ્લિમ કાર્યકરોને રઝળતા છોડી દીધા

કોંગ્રેસમાં જૂથવાદનો અજગરી ભરડો પરંપરાગત રીતે ચાલતો આવ્યો છે. રાહુલ ગાંધીની જાહેરાતોને નિષ્ફળ બનાવતી રહેલી સિનિયર નેતાગીરી માટે ગુજરાતમાં આપ અને મીમની એન્ટ્રી રઘવાટ જન્મવી જાય તેવી બની છે.

ગુજરાતના મુસ્લિમો કોંગ્રેસની કમિટેડ વોટબેંક ગણાય છે. પરંતુ ઔવૈસી મીમ અને કેજરીવાલની આપની ગુજરાત એન્ટ્રી બાદ ગુજરાતના મુસ્લિમોને ઝોક તેમની તરફ વળી રહ્યો છે. આને કોંગ્રેસની મુસ્લિમ નેતાગીરી હજ પણ અંધારામાં ફાંફા મારતી જોવા મળી રહી છે. ખાસ કરીને જૂથવાદ અને ગોડફાધરીયા કલ્ચરમાં રાચતી કોંગ્રેસની મુસ્લિમ નેતાગીરીએ મુસ્લિમ કાર્યકરોને રઝળતા કરીને તરછોડી દીધા છે. આના પરિણામે કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરો મનમાં આવે તેવી રીતે મીમ અને આપ તરફ દોડી રહ્યા છે.

ગુજરાતની મુસ્લિમ નેતાગીરી દિશાવિહિન જોવા મળી રહી છે. ઔવેસીની પાર્ટીની એન્ટ્રી થતાં ગુજરાતના રાજકારણમાં ધર્મ આધારિત રાજનીતિની શક્યતા વધી ગઈ છે. આવી સ્થિતિમાં રાજ્યની 30 કરતાં વધુ બેઠકો પર સાઈઝેબલ સ્ટેન્ડ ધરાવતા મુસ્લિમ મતદારો અવઢવમાં મૂકાઈ ગયા છે. ખાસ કરીને કોંગ્રેસની મુસ્લિમ નેતાગીરી પોતાના ઘરને સાચવી રહી ન હોવાની લાગણી કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરોમાં જોવા મળી રહી છે અને આ જ કારણ છે કે મીમ અને આપ તરફ મુસ્લિમોનો ગાડરીયો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

પોરબંદરથી લઈને વાપી સુધીના કાર્યકરોમાં અરાજક્તા સાથે નિરાશા અને હતાશા છે અને કોંગ્રેસની નેતાગીરી કાર્યકોરમાં પ્રાણ સંચાર કરવા આયોજન કરી રહી નથી અને ચૂંટણીની આગવી તૈયારી કરી રહી ન હોવાની બૂમરાણ પણ સંભળાઈ રહી છે. આવી લાગણી પાછળનું કારણ એ પણ છે કે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કક્ષાએ નેતૃત્વના શૂન્યવકાશનો સામનો કરી રહી છે. જોઈએ હવે કોંગ્રેસ પોતાના કાર્યકરોને સાચવવા જૂથવાદ અને ગોડફાદરીયા કલ્ચરને કેવી રીતે માત આપે છે.

 

ગુજરાત સરકારે નવરાત્રી અને લગ્ન પ્રસંગોને લઈ આપી મોટી છૂટછાટ, જાણો વઘુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ લીધેલા આ નિર્ણયો અનુસાર રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તા.રપ/૯/ર૦ર૧ના રાત્રિના ૧ર કલાકથી તા.૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.

રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.

આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

લગ્ન પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે.

આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે.

આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.

રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ.

અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.

રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે.

રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.

અંબાલાલ પટેલની મોટી આગાહી: 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદ

ગુજરાતમાં વરસાદી સિઝનનો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્રીજો અને અંતિમ રાઉન્ડ શરુ થવા અંગે હવામના નિષ્ણાત અંબાલાલ પટેલે કેટલીક આગાહી કરી છે. આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબરમાં પણ વાદળવાયું રહેવાની શક્યતા છે. અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે.

રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ત્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં જબરદસ્ત વરસાદ શરૂ થયો હતો. ચોમાસાની વર્તમાન સીઝન દરમિયાન અમદાવાદમાં 25 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હજુ વરસાદની 40 ટકા જેટલી ઘટ છે. જોકે, રાહતની વાત એ છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. વાસણા બેરેજનું હાલનું લેવલ 129.75 ફૂટ પર છે. વાસણા બેરેજના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં 1 જૂનથી અત્યારસુ ધીમાં કુલ 655.7 મીમી વરસાદની સામે 375.4 મીમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મીમીની સામે 534.6 મીમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા વરસાદ થયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે.

દિલ્હીની રોહિણી કોર્ટમાં ધોળે દિવસે ફાયરીંગ, કુખ્યાત ગેંગસ્ટર ગોગીને ઠાર કરાયો, જૂઓ વીડિયો

રાજધાની દિલ્હીની હાઈ સિક્યોરીટીવાળી રોહિણી કોર્ટમાં ધોળે દિવસે ગોળીબારની ઘટના બની છે. આ ગોળીબારમાં કુખ્યાત બદમાશ ગોગી માર્યો ગયો છે. પોલીસે બદમાશોના ફાયરિંગનો પણ વળતો જવાબ આપ્યો અને બંનેને ઠાર કર્યા હતા.

રોહિણી કોર્ટમાં બે સશસ્ત્ર ગેંગસ્ટર વકીલોના વેશમાં આવ્યા હતા અને તેના કારણે તેમની ઓળખ થઈ શકી નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો કુખ્યાત બદમાશ ગોગીને મારવા આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોગી પર વકીલનો પોશાક પહેરેલા ટીલ્લુ તાજપુરીયા ગેંગે હુમલો કર્યો હતો. આ ઘટનાએ કોર્ટની સુરક્ષા તપાસની પ્રક્રિયા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. કોર્ટ પરિસરની અંદર આવી ઘટનાએ એક ભયાનક દ્રશ્ય રજૂ કર્યું હતું.

દિલ્હી પોલીસ ગેંગસ્ટર જીતેન્દ્ર માન ‘ગોગી’ સંબંધિત કેસની સુનાવણી માટે રોહિણી કોર્ટમાં આવ્યો હતો. આ દરમિયાન વકીલના ડ્રેસમાં આવેલા બે શૂટરોએ ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસે બંને ગેંસ્ટરને ઠાર કર્યા હતા. ગોગીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

ગુજરાત વિધાનસભાના સ્પીકર માટે નિમાબેન આચાર્યની ઉમેદવારીઃ બિનહરિફ ચૂંટાશે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યએ ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ સહમત હોવાથી તેઓ બિનહરીફ જાહેર થઈ શકે છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે સહમતિ નહીં સધાતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે નવા સીએમ અને મંત્રીમંડળે શપથ લીધા પછી હવે ગુંજરાત વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાનાર છે. ત્યારે નીમાબેન આચાર્ય આજે ૧૦-૩૦ કલાકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પ્રસંગે દંડક પંકજ દેસાઈ અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતાં. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીમાં આજે નીમાબેન આચાર્યએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે ફોર્મ ભર્યું છે. ઉપાધ્યક્ષના નામ પર વિપક્ષની સહમતિ નથી. જેથી સોમવારે નીમાબેનને વિજેતા જાહેર કરાશે. એટલું જ નહીં, જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસની સહમતી સાથે નિમાબેન આચાર્યએ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે, પરંતુ કોંગ્રેસની ઉપાધ્યક્ષના નામ પર સહમત નથી. ઉપાધ્યક્ષ પદે કોંગ્રેસના ઉમેદવારે અનિલ જોષિયારાએ પણ ફોર્મ ભર્યું હોવાથી ચૂંટણી થશે, તેમ જણાય છે.

ગુજરાત વિધાનસભામાં હાલ પ્રોટેમ સ્પીકર એટલે કે કાર્યકારી અધ્યક્ષ તરીકે કાર્યરત અને કચ્છ-ભૂજથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા નીમાબેન આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે વિધાનસભા અધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું. ત્યારપછી તેમના નામની ચર્ચા ચાલી હતી.

અગાઉ રાજેન્દ્ર ત્રિવેદીને મંત્રી મંડળમાં સ્થાન મળતા નિમાબેન આચાર્યને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતાં. જો નિમાબેન આચાર્ય પ્રોટેમ સ્પીકર હોય, તો વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ઊભા ના રહી શકે. જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાનું મનાઈ રહ્યું હતું.

આગામી ર૭ અને ર૮ સપ્ટેમ્બરના ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે. આ સત્રમાં વિધાસનભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. જેમાં વિધાનસભા અધ્યક્ષ પદની ચૂંટણીમાં નિમાબેન આચાર્યને ૬ભા રાખવામાં આવ્યા છે. જો નીમાબેન આચાર્યને વિધાનસભા અધ્યક્ષ તરીકે પસંદ કરાતા ગુજરાતને પ્રથમ મહિલા સ્પીકર મળશે. અગાઉ કચ્છ-ભૂજની બેઠક પરથી ચૂંટાયેલા ધીરૃભાઈ શાહ સ્પીકર પદે રહી ચૂક્યા છે.

શેરબજારમાં સોનેરી શુક્રવારઃ સેન્સેક્સે વટાવી 60,000ની ઐતિહાસિક સપાટી

શેરબજારે ઈતિહાસ રચી દીધો છે. આજનો દિવસ બજાર માટે ગુડ ફ્રાઈડે અથવા સોનેરી શુક્રવાર સાબિત થયો છે. કારણ કે, સવારે બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સેન્સેક્સ ૩૨૫ અંકના ઉછાળા સાથે ૬૦,૨૧૧ પર ખુલ્યો. એટલે કે ૬૦,૦૦૦નો આંકડો પાર કરી દીધો છે. પહેલી વખતે સેન્સેક્સે ૬૦,૦૦૦ની ઐતિહાસિક સપાટી ક્રોસ કરી છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસઈમાં નિફ્ટી પણ ૯૩ અંકની તેજી સાથે ૧૭,૯૧૬ પોઈન્ટ પર ટ્રેન્ડ થઈ રહી હતી. જે ૧૮ હજાર ભણી દોટ મૂકી રહેલી જણાઈ હતી.

સવારે ૯ઃ૪૩ વાગ્યે સેન્સેકસ ૩૧૪ અંકની તેજી સાથે ૬૦,૧૯૯ પર ટ્રેંડ થઈ રહ્યો હતો. જ્યારે નિફટી ૯૬ અંકની તેજી સાથે ૧૭,૯૧૯ પર ટ્રેડ થઈ રહ્યો હતો. શરૃઆતના ટ્રેડિંગ સેશનમાં ૧૩૯૩ શેરોમાં તેજી આવી જ્યારે ૩૫૫ શેરોમાં ઘટાડો નોંધાયો છે. તો ૮૯ શેરોમાં કોઈ ફેરફાર થયો નથી.

અમેરિકાની સેન્ટ બેન્ક ફેડરલ રિઝર્વનો નિર્ણય આવી ગયો છે. ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્ર્યાં નથી. પરંંતુ તેની સાથે જ આવનારા દિવસોમાં ઘટાડાના સંકેત આપી દીધા છે. આઈપીઓ બજાર પણ સારૃ ચાલી રહ્યું છે. તેના લીધે રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો છે.

બીજા ત્રિમાસિકના કંપનીઓના સારા પરિણામ આવવાની આશા છે. કોરોના વાયરસ મહામારીની બે લહેરોનો સામનો કરી ચુકેલ દેશનું અર્થતંત્ર મજબૂતિ સાથ જ પાટા પર પાછું ફરી રહ્યું છે. સરકાર સતત ઉદ્યોગોને સમર્થન કરતી રહી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧-‘૨૨ના પહેલાં ત્રિમાસિક જીડીપીનો વિકાસદર ૨૦.૧ ટકા રહ્યો. રસીકરણથી રોકાણકારોમાં કોરોનાનો ડર ખત્મ થતો દેખાઈ રહ્યો છે. આ બધા કારણોસર બજાર પર પોઝિટિવ અસર જોવા મળી રહી છે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ ૧૨૬ પોઈન્ટ અને નિફ્ટીમાં ૧૫ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો હતો.

ગુજરાતના મુસ્લિમ વોટર્સ ત્રિભેટે, કોંગ્રેસ, ઔવેસી અને AAPમાં વિભાજિત થઈ રહ્યા છે મુ્સ્લિમો, ફાયદો ભાજપને

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો તખ્તો અત્યારથી જ ગોઠવાઈ રહ્યો છે. ભાજપ કોંગ્રેસ સિવાય 2022માં નવી બે પાર્ટીઓ પર ગુજરાતના લોકોની નજર રહેશે. આ બે નવી પાર્ટીઓમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી( AAP) છે અને ઔવેસીની ઓલ ઈન્ડીયા ઈત્તેહાદુલ મુસ્લિમીન નામની પાર્ટી છે. ઔવેસીની પાર્ટીને શોર્ટમાં મીમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં મુસ્લિમ મતદારોની વાત કરવામાં આવે તો  25 સપ્ટેમ્બર, 2017 ના રોજ ગુજરાતમાં 43.3 લાખ નોંધાયેલા મતદારો હતા. ગુજરાતના 182 મતવિસ્તારોમાંના દરેક મતદાન મથકમાં VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવી હતી. તેના આધારે આ આંકડો જાણવા મળી રહ્યો છે.

હવે ગુજરાત વિધાનસભામાં મુ્સ્લિમ ધારાસભ્યોની સ્થિતિ જોઈએ તો 2008માં વિધાનસભાના નવા સીમાંકન બાદ ગુજરાતમાં ત્રણ જ મુસ્લિમ ધારાસભ્યો જીતી શક્યા હતા. 2017ની ચૂંટણીમાં અમદાવાદની દરિયાપુર વિધાનસભામાંથી ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર-ખાડીયામાંથી ઈમરાન ખેડાવાલા જ્યાર વાંકાનેરમાંથી મહંમદ જાવેદ પીરઝાદા જીત્યા હતા. ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસના છે. કોંગ્રેસ 2017માં 6 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી હતી.

ગ્યાસુદ્દીન શેખ 6 હજાર મતે જીત્યા હતા. ઈમરાન ખેડાવાલા 29 હજાર મતે જીત્યા હતા. જ્યારે જાવેદ પીરઝાદા 1300 મતે જીત્યા હતા. ઈમરાન ખેડાવાલા સામે છેક છેલ્લી ઘડીએ હાલના ઔવેસીની પાર્ટી મીમના પ્રમુખ કાબલીવાલાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું હતું. હવે કાબલીવાલા પોતે મીમના પ્રદેશ પ્રમુખ છે અને તેઓ ચૂંટણી લડશે એ મીનમેખ છે.

આ ઉપરાંત કોંગ્રેસે કચ્છમાંથી આદમ ચાકી, સુરત પશ્ચિમમાંથી ઈકબાલ દાઉદ પટેલ અને ભરુચની વાગરા સીટ પરથી સુલેમાન પટેલને ટીકીટ આપી હતી. આ ત્રણેય ઉમેદવારો હારી ગયા હતા.

2017થી 2021 અને હવે પછીના એક વર્ષ દરમિયાન કોંગ્રેસની મુસ્લિમ વોટ બેંક કોંગ્રેસથી દુર થઈ રહી હોવાનો અંદાજ આવી રહ્યો છે. મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની કમિટેડ વોટ બેંક ગણાતા મુસ્લિમોએ પડખું ફેરવી દીધું હોવાનાં સંકેત આપ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સફાયા બાદ કોંગ્રેસના અસંખ્ય મુસ્લિમ આગેવાનો અને કાર્યકરોએ આપ અને મીમ તરફ દોડ મૂકી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ અને મીમ તરફ મુસ્લિમોનો ઝોક જોવા મળ્યો હતો અને કોંગ્રેસને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. આપ અને મીમની જીત કોંગ્રેસ માટે ચિંતાનું મોટું કારણ બની રહી છે.

ગુજરાતના મુસ્લિમો અહેમદ પટેલના અવસાન બાદ સક્ષમ નેતાગીરીના અભાવથી પીડિત છે. અહેમદ પટેલ હતા ત્યાં સુધી મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહ્યું હતું. અહેમદ પટેલના અવસાનના પગલે ખાલીપાના દુર કરવા માટે ઔવેસીએ ગુજરાતની રાજનીતિમાં પોતાની હેટ ફેંકી દીધી છે. તેમને કેટલાક પોઝીટીવ પરિણામો પણ મળ્યા છે.

જ્યારે મહાનગરપાલિકા-સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેજરીવાલની આપ પાર્ટીનાં ટેબલો પણ ન હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારો જેટલા વોટ લઈ ગયા છે. મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની મુસ્લિમ વોટ બેંકમાં આપ અને મીમ પાર્ટીએ ફાચર મારી દીધી છે અને ફાચર વધુને વધુ પહોળી થશે એવી ગણતરી મૂકવામાં આવી રહી છે. મીમ દ્વારા મુસ્લિમ વિસ્તારોમાં સંગઠન ઉભૂં કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતના મુસ્લિમો માટે રાજકીય રીતે સ્થિતિ ત્રિભેટે આવીને ઉભી થઈ ગઈ છે. કોંગ્રેસના મુસ્લિમ નેતાઓ કાર્યકરોને સાચવી લઈ આપ અને મીમના વેવને ખાળવાનો પ્રયાસ કરતાં દેખાતા નથી. કોંગ્રેસના મુસ્લિમ આગેવાનો એમ કહીને હાથ ખંખેરી નાંખે છે કે આપ અને મીમનો મુસ્લિમોમાં ક્રેઝ છે એમાં અમે શું કરી શકીએ.

વિધાનસભાની ચૂંટણી આવતાં સુધીમાં ગુજરાતમાં મુસ્લિમ મતદારોને લઈ કોંગ્રેસ, આપ, મીમ ઉપરાંત સપા, બસપા સહિતની પાર્ટીઓ પણ સક્રીય થશે. મુસ્લિમોનું રાજકારણ ડહોળાયેલું છે અને કોંગ્રેસને નુકશાન થવાની શક્યતા નકારી શકાતી નથી. આ સમગ્ર રાજકીય સમીકરણોમાં સૌથી વધુ ફાયદો ભાજપને થવાનો છે.

મુસ્લિમ મતોમાં વિભાજન થવાની પૂરેપૂરી સંભાવના હોવાથી ભાજપ આ સમીકરણોનો મહત્તમ લાભ લઈ જવાની રાજનીતિ કરશે અને એમાં તેને ચોખ્ખી રીતે ફાયદો થવાની ગણતરી મૂકવી અસ્થાને લેખી શકાય નહીં.

 

 

એક મિનિટમાં ઉડી જશે એકાઉન્ટનાં રુપિયા, ખતરનાક ડ્રીંક વાયરસ યૂઝર્સનો ડેટા કરે છે ચોરી

ફરી એકવાર એન્ડ્રોઇડ યુઝર્સ વાયરસના ખતરામાં છે. CERT-IN એડવાઇઝરી મુજબ Drinik(ડ્રીંક) માલવેર ભારતીય બેન્કિંગ યૂઝર્સને નિશાન બનાવી રહ્યો છે. આ વાયરસ આવકવેરા રિફંડના રૂપમાં ફેલાઈ રહ્યો છે. આ એક બેંકિંગ ટ્રોજન છે જે સ્ક્રીન પર ફિશિંગ કરવા અને યૂઝર્સને સંવેદનશીલ બેંકિંગ વિગતો દાખલ કરવા માટે ફસાવવા સક્ષમ છે.

એન્ડ્રોઇડ ફોન પર નવું માલવેર કેવી રીતે ઇન્સ્ટોલ થાય છે

Drinik કેવી રીતે કામ કરે છે તેના પર, CERT-In એ કહ્યું છે કે પીડિતાને ફિશિંગ વેબસાઇટ (ભારત સરકારના આવકવેરા વિભાગની વેબસાઇટની જેમ) ની લિંક સાથે SMS મળે છે. અહીં તેણે વ્યક્તિગત વિગતો દાખલ કરવાની છે અને એક APK ફાઇલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું કહ્યું છે. આ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. આ માલવેરથી પ્રભાવિત એન્ડ્રોઇડ એપ આવકવેરા વિભાગની એપ જેવી લાગે છે.

એન્ડ્રોઇડ ફોનમાં માલવેર ઇન્સ્ટોલ થાય ત્યારે શું કરવું?

જ્યારે માલવેર ઇન્સ્ટોલ થાય છે, ત્યારે એપ્લિકેશન યૂઝર્સને SMS, કોલ લોગ, સંપર્કો વગેરે જેવી જરૂરી પરવાનગીઓ આપવા માટે કહે છે. જો યૂઝર્સ વેબસાઇટ પર કોઈ માહિતી દાખલ કરતા નથી, તો ફોર્મ સાથેની સમાન સ્ક્રીન એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં દેખાય છે. યૂઝર્સને તેને ભરવા માટે કહેવામાં આવે છે.

Drinik દ્વારા કયો ડેટા ચોરાયા છે?

Drinik યૂઝર્સનું પૂરું નામ, PAN, આધાર નંબર, સરનામું, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઇમેઇલ સરનામું અને એકાઉન્ટ નંબર, IFSC કોડ, CIF નંબર, ડેબિટ કાર્ડ નંબર, સમાપ્તિ તારીખ, CVV અને PIN જેવી નાણાકીય વિગતો ચોરે છે.

વ્યક્તિગત વિગતો માલવેર દ્વારા ચોરાઈ છે

જ્યારે યૂઝર્સ તેમની વ્યક્તિગત વિગતો દાખલ કરે છે, ત્યારે એપ્લિકેશન તેમને કહે છે કે તેમની આવકવેરાની રકમ પરત કરવામાં આવશે જે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે યૂઝર્સ રકમ દાખલ કરે છે અને ટ્રાન્સફર પર ક્લિક કરે છે, ત્યારે એપ્લિકેશન ભૂલ બતાવે છે. પછી તે નકલી અપડેટ સ્ક્રીન બતાવે છે. તે અપડેટ્સ ઇન્સ્ટોલ કરવા માટે સ્ક્રીન પ્રદર્શિત કરે છે, ત્યારબાદ બેકએન્ડમાં ટ્રોજન હેકર મશીનને એસએમએસ અને કોલ લોગ સહિત વપરાશકર્તાની વિગતો મોકલે છે.

સીઇઆરટી-ઇન અનુસાર, “આ વિગતોનો ઉપયોગ હેકરો દ્વારા બેંક ચોક્કસ મોબાઇલ બેન્કિંગ સ્ક્રીન બનાવવા અને યૂઝર્સના ડિવાઈશસ પર પ્રદર્શિત કરવા માટે કરવામાં આવે છે. યૂઝર્સને પછી મોબાઇલ બેન્કિંગ ઓળખપત્ર દાખલ કરવા માટે કહેવામાં આવે છે અને તે હેકરો દ્વારા ચોરાઇ જાય છે.”

સલામત કેવી રીતે રહેવું

તમારા એન્ડ્રોઇડ ફોન પર અજ્ઞાત સ્ત્રોતોમાંથી એપ ડાઉનલોડ કરવાનું બંધ કરો. CERT-In તમને તમારા ડાઉનલોડ સ્રોતોને સત્તાવાર એપ સ્ટોર સુધી મર્યાદિત કરવાનું કહે છે.

કોઇપણ એપ ઇન્સ્ટોલ કરતા પહેલા એપની વિગતો સારી રીતે તપાસો. એન્ડ્રોઇડ ડિવાઇસ પર એપ ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ કરતા પહેલા, તેની વિગતો તપાસો. ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ, હંમેશા એપની વિગતો પર ધ્યાન આપો, તેને કેટલી વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે, યૂઝર્સની સમીક્ષાઓ, ટિપ્પણીઓ વગેરે.

એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા, એપ્લિકેશનની બધી પરવાનગીઓ ચકાસો. એપ્લિકેશનને ફક્ત તે જ મશીનો આપો જે એપ્લિકેશનના હેતુ માટે સંબંધિત સંદર્ભ ધરાવે છે. સાઇડ લોડેડ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવા માટે અવિશ્વસનીય સ્રોતો ચેકબોક્સને ચેક કરશો નહીં.

અવિશ્વસનીય વેબસાઇટ્સ બ્રાઉઝ કરવાનું ભૂલશો નહીં. તેમજ કોઈ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. કોઈપણ ઇમેઇલ અને એસએમએસમાં આપેલી લિંક પર ક્લિક કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે.

મોબાઈલ ફોન નંબરો જેવા ન લાગે તેવા નંબરોની ઓળખ કરવી પણ અત્યંત મહત્વનું છે. સ્કેમર્સ ઘણીવાર તેમના વાસ્તવિક ફોન નંબર જાહેર કરતા નથી અને ઇમેઇલથી ટેક્સ્ટ સેવાઓનો ઉપયોગ કરે છે.

કોઈપણ ટૂંકા URL ને અત્યંત કાળજીની જરૂર છે. જો કોઈએ bit.ly અને tinyurl સાથે URL ટૂંકાવ્યું હોય, તો તેના પર ક્લિક કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ જે વેબસાઇટની મુલાકાત લઈ રહ્યા છે તેના સમગ્ર ડોમેનને ટૂંકા ન કરે. તમારા કર્સરને હોવર કરો અને URL ચેકરનો ઉપયોગ કરો. તે વપરાશકર્તાઓને ટૂંકું URL દાખલ કરવાની અને સંપૂર્ણ URL જોવાની મંજૂરી આપશે.

મહંત નરેન્દ્ર ગિરિ મોત કેસ: શંકાસ્પદ મૃત્યુ બાદ પહેલો વીડિયો વાયરલ થયો, લાશ ફ્લોર પર પડી હતી અને પંખો ચાલી રહ્યો હતો

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને નિરંજની અખાડાના સચિવ મહંત નરેન્દ્ર ગિરીના શંકાસ્પદ મૃત્યુની તપાસ સીબીઆઈને સોંપાયા બાદ જ ઈન્ટરનેટ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે જે પંખા પર મહંત નરેન્દ્ર ગિરીએ અલ્લાપુરના શ્રી મઠ બાગમ્બરી ગદ્દીના રૂમમાં દોરડાની મદદથી ફાંસી લગાવી હતી તે ચાલી રહ્યો હતો અને મહંતનો મૃતદેહ ફ્લોર પર પડેલો હતો.

પ્રયાગરાજમાં સોમવારે મહંત નરેન્દ્ર ગિરીના શંકાસ્પદ મૃત્યુ બાદ ઇન્ટરનેટ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. હવે એક મિનિટ 45 સેકન્ડના આ વીડિયો અંગે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. વીડિયોમાં પ્રયાગરાજ રેન્જના આઈજી કેપી સિંહ અને કેટલાક પોલીસ અધિકારીઓ પણ મહંતના રૂમમાં દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં, જોવામાં આવે છે કે મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ ફ્લોર પર પડેલો છે અને પંખો પણ ચાલી રહ્યો છે. આ પંખા પર તેમણે કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ વીડિયો તે સમયનો છે જ્યારે પોલીસ રૂમમાં પહોંચી હતી. વીડિયોમાં જોવા મળે છે કે પોલીસ અધિકારીઓ આશ્રમમાં હાજર શિષ્યોની પૂછપરછ કરી રહ્યા છે.

પોલીસ રૂમમાં પહોંચી ત્યારે મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ ફ્લોર પર હતો. મૃતદેહ પાસે તેમના શિષ્ય બલબીર ગિરી ભા હતા. મહંતે સુસાઈડ નોટમાં બલબીર ગિરીને પોતાના અનુગામી જાહેર કર્યા છે. આઈજી પ્રયાગરાજ રેન્જ કેપી સિંહ પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. તેઓ આશ્રમમાં હાજર શિષ્યોની પૂછપરછ કરી રહ્યો હતો. તેણે ચાલતા પંખા અંગે પણ સવાલ કર્યા હતા. તેમણે ત્યાં ઉભેલા સુમિતને પૂછ્યું અને તેણે કહ્યું કે તેણે પંખો ચલાવ્યો છે. કે.પી.સિંહે કહ્યું કે પોલીસને જાણ કર્યા બાદ તમારે લાશ નીચે લાવવી જોઈતી હતી.

આ વીડિયોમાં પંખો  ચાલતો જોવા મળી રહ્યો છે. પંખાના સળિયામાં દોરડાનો ટુકડો અટવાયેલો છે. પીળા રંગના નાયલોન દોરડાનો એક ભાગ અટવાયેલો જોવા મળે છે. મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ આ દોરડામાંથી બનાવેલી ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. દોરડાનો ટુકડો મહંત નરેન્દ્ર ગિરીના ગળામાં ફસાયેલો જોવા મળે છે. વીડિયોમાં દોરડાના ત્રણ ભાગ દેખાય છે. દોરડાનો એક ભાગ પંખામાં અટવાઇ ગયો છે. બીજો ભાગ મહંત નરેન્દ્ર ગિરીના ગળામાં હતો અને ત્રીજો ભાગ રૂમમાં કાચના ટેબલ પર રાખવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, સોમવારે મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ તેમના મઠના રૂમમાંથી મળી આવ્યો હતો. આ સાથે એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેમનું મૃત્યુ શંકાસ્પદ હોવાને કારણે બુધવારે પોસ્ટમોર્ટમ બાદ તેમનો મૃતદેહ મઠના પરિસરમાં જ દફનાવવામાં આવ્યો હતો. સ્યુસાઇડ નોટમાં મહંત નરેન્દ્ર ગિરીએ તેમના શિષ્યો આનંદ ગિરી, આદ્યા તિવારી અને સંદીપને મોતના જવાબદાર જણાવ્યા હતા. જે બાદ પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. હવે આ કેસની તપાસ પણ CBI ને સોંપવામાં આવી છે. સરકારે અગાઉ આ કેસમાં SIT ની રચના કરી હતી, પરંતુ હવે રાજ્ય સરકારે CBI તપાસની ભલામણ કરી છે.

સરકારનું નથી PM કેર્સ ફંડ, RTIનાં દાયરામાં પણ આવતું નથી

કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું છે કે પીએમ કેયર્સ ફંડ સરકારી ફંડ નથી અને તેમાં જમા થતો નાણાં સરકારી તિજોરીમાં જતો નથી. આવી સ્થિતિમાં, આ ફંડની કાયદેસરતા અને તેની જનતા પ્રત્યેની જવાબદારી અંગે નવા પ્રશ્નો ઉભા થયા છે.

પીએમ કેયર્સ ફંડની સ્થાપના માર્ચ 2020 માં પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી. ત્યારથી તેને સેટ કરવાના હેતુ અને તેના સંચાલનમાં પારદર્શિતાના અભાવને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઘણા લોકોએ માહિતી અધિકાર હેઠળ RTI અરજીઓ આપીને તેના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપૂર્ણ ચિત્ર હજુ બહાર આવ્યું નથી. પીએમઓમાં ઓફિસ, પરંતુ સરકાર નહીં, આ પછી લોકોએ કોર્ટનો સંપર્ક કર્યો.

આ ફંડ અંગે સરકારનું તાજેતરનું નિવેદન દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન આવ્યું છે. એડવોકેટ સમ્યક ગંગવાલે આ કોર્ટમાં બે અલગ અલગ અરજી કરી છે. એકમાં, RTI કાયદા હેઠળ ફંડને “જાહેર સત્તા” તરીકે જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે અને બીજી અરજીમાં “રાજ્ય” જાહેર કરવાની અરજી કરવામાં આવી છે.

22 સપ્ટેમ્બરના રોજ બીજી અરજીની સુનાવણી દરમિયાન, વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) ના એક અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે શું ટ્રસ્ટ બંધારણની કલમ 12 હેઠળ “રાજ્ય” છે કે નહીં અને આરટીઆઈ કાયદા હેઠળ “જાહેર સત્તા” છે હા, અમને આ સરકારી ફંડમાં કોઈપણ “તૃતીય પક્ષ માહિતી” આપવાની મંજૂરી નથી કારણ કે “થર્ડ પાર્ટી” એ બાબતોને વધુ જટિલ બનાવી દીધી છે.

ગંગવાલે કોર્ટને પહેલેથી જ કહ્યું છે કે ફંડની વેબસાઇટ પર ઉપલબ્ધ દસ્તાવેજો દર્શાવે છે કે ટ્રસ્ટની સ્થાપના ન તો બંધારણ હેઠળ કરવામાં આવી છે અને ન તો સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા હેઠળ. પારદર્શિતાનો પ્રશ્ન હોવા છતાં, સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારીઓના નામ તેની સાથે જોડાયેલા છે.

વડાપ્રધાન તેના ચેરમેન પદાધિકારી છે અને સંરક્ષણ, ગૃહ અને નાણાં મંત્રીઓ પદાધિકારી ટ્રસ્ટી છે. તેનું મુખ્ય કાર્યાલય PMO ની અંદર જ છે અને તેનું સંચાલન PMO માં જ જોઈન્ટ સેક્રેટરી સ્તરના અધિકારી કરે છે. આમાં પ્રાપ્ત યોગદાન વિશેની માહિતી વેબસાઇટ પર માત્ર નાણાકીય વર્ષ 2019-20 માં ઉપલબ્ધ છે, તે પણ માત્ર 27 થી 31 માર્ચ, એટલે કે કુલ પાંચ દિવસ માટેનાં જ છે.

આ પાંચ દિવસમાં ફંડને 3076 કરોડ રૂપિયા મળ્યા. પરંતુ વેબસાઈટ મુજબ, અત્યાર સુધી કોવિડ -19 મેનેજમેન્ટ સંબંધિત વિવિધ કામો માટે ફંડમાંથી 3100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, ફંડ વિશે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ નથી. હવે જોવાનું રહેશે કે કોર્ટ આ અરજીઓ પર શું વલણ અપનાવે છે.