“નૌતાપ”માં આગ ઓકશે સૂરજ, ગુજરાતમાં જોવા મળી શકે છે લૂનો પ્રકોપ

ભારતમાં ભીષણ ગરમીનો પ્રારંભ થયો છે. ઘણા શહેરોમાં, તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગરમીથી રાહત નહીં મળે. બપોરે બહાર નીકળવાનું પણ કહેવામાં આવ્યું છે. આગામી કેટલાક દિવસો માટે સૂર્યના તેવર ખૂબ તીવ્ર હશે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં, આ સમયને ‘નૌતાપ’ કહેવામાં આવે છે.

માન્યતા અનુસાર, સૂર્ય તેના વર્તુળ સાથે ચક્કર મારે છે અને તે જ સમયે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે. તેની અવધિ 15 દિવસની છે. પ્રથમ નવ દિવસ  ભયંકર ગરમી પડે છે. હવામાન શાસ્ત્રીઓ એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે, આગામી બે-ત્રણમાં કેટલાક વિસ્તારોનો પારો 48 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૂર્યની ગતિને આધારે ‘નૌતાપ’ નો સમય આવે છે, તેનું વિજ્ઞાન સાથેનું જોડાણ ખૂબ સીધું છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષમાં એકવાર, રોહિણી નક્ષત્રની દ્રષ્ટિ સૂર્ય પર પડે છે. એવું કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ઘટે છે. તડકો અતિશય થાય છે અને ગરમ હવા વાય છે. આંધી-તૂફાનની પણ શક્યતા રહેલી હોય છે.

ભારતની વચ્ચોવચથી કર્ક રેખા પસાર થાય છે. આ લાઇન, આઠ રાજ્યો માટે હવામાનના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વપૂર્ણ છે. મે-જૂન એ સમય છે જ્યારે સૂરજની કિરણો સીધી આ લાઇન પર પડે છે. જ્યારે તડકો આવે છે ત્યારે ગરમી વધાવી સ્વાભાવિક છે. આ ઉપરાંત, ભારતમાં ગરમી માટે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો ખૂણો પણ જવાબદાર છે. આ કોણના આધારે નક્કી કરવામાં આવ્યું છે કે સૂર્યપ્રકાશની તીવ્રતા પૃથ્વી પર કેટલી રહેશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નૌતાપ દરમિયાન સૂર્ય આગે ઓકે છે. આ વખતે ક્લાઉડબર્સ્ટની આગાહી પણ કરવામાં આવી છે. હકીકતમાં મેદાનોમાં ગરમીને કારણે, નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થાય છે. સમુદ્રના મોજા આ તરફ આકર્ષિત થાય છે. ઠંડા પવનો મેદાનો તરફ આગળ વધે છે, જે પછીથી વરસાદનું કારણ બને છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર-પાંચ દિવસ ભયંકર તાપમાં રહેશે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાન માટે ‘રેડ’ ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વિદર્ભ, તેલંગાણા, છત્તીસગ, ગુજરાત, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાઇ આંધ્ર પ્રદેશ, ઉત્તર કર્ણાટકમાં પણ ગરમીનું મોજું જોવા મળશે અને લૂ પણ દઝાડશે. લૂનો પ્રકોપ જોવા મળી શકે છે.

IMD અનુસાર મેદાની વિસ્તારોમાં લૂની સ્થિતિ ત્યારે બને છે કે જ્યારે વાસ્તવિક તાપમાન 45 ડિગ્રી અથવા તેથી વધુ હોય છે. તીવ્ર અથવા ભયંકર લૂની સ્થિતિ 47 ડિગ્રી અથવા તેથી વધુના તાપમાને થાય છે. હીટવેવમાં હવાના ખૂબ જ ગરમ લપકરા માણસને દઝાડી નાંખે તેવા હોય છે.

કોરોનાના દર્દી આટલા દિવસ પછી વાયરસનો ચેપ ફેલાવી શકતાં નથી : નવા રિસર્ચમાં દાવો

હાલમાં વિશ્વભરમાં કોરોનાવાયરસને કારણે સંશોધકો કોઇને કોઇ રિસર્ચમાં જોડાયેલા છે. કેટલાક તેની દવા અને વેક્સીન શોધી રહ્યા છે, તો કેટલાક આ રોગની અલગ અલગ બાબતો પર રિસર્ચ કરી રહ્યા છે. આ રીતે જ રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ જીવલેણ વાયરસના દર્દીઓ 11 દિવસ બાદ ચેપ ફેલાવી શકતાં નથી. સાથે જ સંશોધકોએ એમ પણ કહ્યું કે, કોરોનાનો ચેપ ધરાવતા વ્યક્તિ લક્ષણ દેખાવાના શરૂ થાય તેના બે દિવસ પહેલાથી જ ચેપ ફેલાવી શકે છે.

લક્ષણ પહેલા જ દર્દીઓ 7થી 10 દિવસમાં ચેપ ફેલાવી શકે

સિંગાપોરના રિસર્ચર્સનું કહેવું છે કે, કોરોના વાયરસના દર્દીઓ લક્ષણ દેખાયાના સાતથી દસ દિવસ સુધી જ સંક્રમણ ફેલાવી શકે છે. આ જ કારણે તેમને 11મા દિવસથી આઈસોલેશનમાં રાખવાની ખાસ જરૂર નથી. સંશોધકોએ કહ્યું કે, કોરોના વાયરસ મહામારી શરૂ થયા બાદ એકત્ર કરાયેલા આંકડા અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ દ્વારા સંક્રમણ ફેલાવવાની સમય મર્યાદા લક્ષણ દેખાવાના બે દિવસ પહેલાથી શરૂ કરીને 7-10 દિવસ સુધી હોય છે. લક્ષણ દેખાય તેના પહેલા અઠવાડિયે દર્દીઓ લોકોને વધુ સંક્રમિત કરી શકે છે.

સિંગાપોરના વૈજ્ઞાનિકોએ 73 દર્દીઓ પર સંશોધન કર્યું

સિંગાપોરના નેશનલ સેન્ટર ફોર ઈન્ફેક્શિયસ ડિસીઝ એન્ડ એકેડેમી ઓફ મેડિસનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના 73 દર્દીઓની તપાસ કરી. જેમાં મોટાભાગના દર્દીઓ 2 અઠવાડિયા પછી પણ કોરોનાથી સંક્રમિત હતા પરંતુ તેઓ બીજાને ચેપ લગાડવા માટે સક્ષમ નહોતા. કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 55 લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 3.46 લાખ લોકોના મોત થયા છે. સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા હાલ ટોચ પર છે. આ લિસ્ટમાં બ્રાઝીલ બીજા ક્રમે છે જ્યારે રશિયા ત્રીજા સ્થાને છે. ભારતમાં 1.38 લાખ કેસ સાથે ઇરાનને ઓવરટેક કરીને વિશ્વના ટોપ ટેન દેશોમાં સામેલ થઇ ગયું છે.

આફ્રિકા અને લેટિન અમેરિકા વચ્ચે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બન્યું નબળું, અંતરિક્ષમાં સંકટ

આફ્રિકા અને લેટિનઅમેરિકા ખંડની વચ્ચેના વિસ્તારમાં પૃથ્વી પરનું મેગ્નેટિક ફિલ્ડ નબળું પડ્યું હોવાનું વૈજ્ઞાનિકોએ હાલ એક ચોંકાવનારું નિરીક્ષણ કર્યું છે, તેને કારણે કૃત્રિમ ઉપગ્રહો અને અવકાશયાનોની કામગીરી ખોરવાઇ શકે છે અને કેટલાક પ્રકારના પક્ષીઓ અને જળચરોને માટે પણ મુશ્કેલી સર્જાઇ શકે છે.

આફ્રિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચેના વિશાળ વિસ્તાર પરનું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નબળું પડી રહ્યું હોવાનું યુરોપિયન સ્પેસ એજન્સીના ખગોળશાસ્ત્રીઓએ નિરીક્ષણ કર્યું છે. આ ઘટનાને દક્ષિણ એટલેન્ટિક એનોમલી કહેવામાં આવે છે. આ વિસંગતતાને કારણે આ વિસ્તારમાં અવકાશમાં ભ્રમણ કરતા ઉપગ્રહો અને અવકાશયાનોની કામગીરીમાં ગરબડો સર્જાઇ શકે છે.

વૈજ્ઞાનિકો કહે છે કે આ મેગ્નેટિક ફિલ્ડ નબળું પડવાને કારણે કેટલાક પક્ષીઓ અને જળચરો માટે પણ તકલીફો સર્જાઇ શકે છે જેઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આધારે પોતાનો માર્ગ શોધતા હોય છે. આ ઉપરાંત હોકાયંત્રની સોયના દિશાનિર્દેશમાં કેટલાક ફેરફાર થઇ શકે છે જેમ કે આ સોય કેનેડાને બદલે એન્ટાર્કટિકા બતાવે તેમ બની શકે છે. આ ચુંબકીય ક્ષેત્ર આપણા માટે ખૂબ મહત્વનું છે જે પૃથ્વીને કોસ્મિક રેડિયેશન અને સૂર્યમાંથી છૂટતા કેટલાક હાનિકારક પદાર્થો સામે પણ રક્ષણ આપે છે.

જો કે વૈજ્ઞાનિકો કહે છે કે આ ફિલ્ડ સંપૂર્ણપણે નષ્ટ થાય તેવી શકયતા નથી. આ મેગ્નેટિક ફિલ્ડ નબળું પડવા માટેનું કારણ એ દર્શાવવામાં આવે છે કે પૃથ્વી પોતાના ધ્રુવો બદલી રહી હોઇ શકે છે, એટલે કે ઉત્તર ધ્રુુવ એ દક્ષિણ ધ્રુવ અને દક્ષિણ એ ઉત્તર ધ્રુવ બનવાની પ્રક્રિયા ચાલી રહી હોઇ શકે છે. છેલ્લે આવું ૭૮૦૦૦૦ વર્ષ પહેલા થયું હતું. આ ધ્રુવો બદલાવાની પ્રક્રિયા જો કે ખૂબ ધીમી ચાલે છે અને તેનાથી કોઇ મોટી ઉથલ પાથલો સર્જાવાની શક્યતા નથી એમ પણ વૈજ્ઞાનિકો કહે છે.

કોરોના મહામારી: ભાડાનાં બદલામાં મકાન માલિકો મહિલા ભાડુતો સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી રહ્યા છે

કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં ભાડાના મકાનોમાં રહેતા લોકો પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. નોકરી ચાલી ગયા બાદ લોકો પાસે ઘરનું ભાડું ચૂકવવા પણ પૈસા બાકી નથી. દરમિયાન, એવા પણ અહેવાલો પ્રાપ્ત થયા છે કે ભાડા પર રહેતી મહિલાઓને ભાડાના બદલામાં શારીરિક સંબંધ બાંધવાની મકાન માલિકો માંગ કરી રહ્યા છે.

નેશનલ ફેર હાઉસિંગ એલાયન્સ (એનએફએચએ) ના એક રિપોર્ટ મુજબ, યુએસમાં 100થી વધુ ફેર હાઉસિંગ જૂથોએ લોકોને આ સમસ્યાનો સામનો કરતા જોયા છે. કોરોના રોગચાળા વચ્ચે દેશમાં જાતીય સતામણીના બનાવોમાં 13 ટકાનો વધારો થયો છે.

એક મહિલાએ એનએફએચએ વેબસાઇટ દ્વારા કહ્યું, ‘જો હું મારા પ્રોપર્ટી મેનેજર સાથે સેક્સ માણવાની ના પાડીશ તો તેણે મને ઘરની બહાર ફેંકી દીધી હોત. એક માતા હોવાને કારણે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. મારે મારું ઘર ગુમાવવું ન હતું.

ભાડાના બદલામાં સેક્સની માંગ કરી રહેલા કેસો હવે બ્રિટન તેમજ યુએસમાં પણ તપાસ હેઠળ છે. સેક્સના બદલે ભાડા મુક્ત રહેવાની સુવિધાના નામે વધતી ઓનલાઇન જાહેરાતોમાંથી પણ પડદો ઉઠાવવામાં આવી રહ્યો છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ઝડપથી ફેલાવાને કારણે લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. લોકડાઉન અને મુસાફરી પ્રતિબંધ બાદ લોકોના નોકરી ધંધાને જબરદસ્ત અસર પડી છે. આવકનાં તમામ સાધનો સમાપ્ત થયા પછી આજે તેઓ આર્થિક સંકટ સામે લડી રહ્યા છે.

ઉત્તર અમેરિકા અને યુરોપિયન સત્તાવાળાઓએ કેશ બેનિફિટ્સ, ફ્રિજીસ અને કેટલાક પ્રતિબંધો લાદી દીધા છે. એનએફએચએ સલાહકાર મોર્ગન વિલિયમ્સ કહે છે કે ઘરની બહાર ન નીકળવા માટે અસહાય લોકોની સામે ઘણી મુશ્કેલ સ્થિતિ બની જવા પામી છે.

ભાડા માટેના સેક્સના વ્યાપ પરના ડેટાની અછત છે. હાઉસિંગ નિષ્ણાતો કહે છે કે કાયદાની સમજ ન હોવાને કારણે મકાનમાલિકોની વાસનાનો ભોગ બનેલી મહિલાઓ પર વેશ્યાવૃત્તિનો આરોપ લાગી શકે છે.

હાઉસિંગ ચેરિટી શેલ્ટર (ઇંગ્લેંડ)ના 2018ના રિપોર્ટ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં, મિલકત મેનેજરોએ ભાડુ ચૂકવવાને બદલે લગભગ 2.5 લાખ મહિલાઓને સેક્સની ઓફર કરી છે. બ્રિટીશ કાયદા નિર્માતા વેહા હોબહાઉસે, જેમણે સેક્સટોર્શન (જાતીય સતામણી) વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું, તેમણે કહ્યું, “ભાડાનાં બદલે સેક્સ માટેની માંગમાં વધારો થવાની સંભાવના પહેલાથી જ હતી, કારણ કે લોકડાઉન દરમિયાન લોકોને ઘરે રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

એનએફએચએએ પણ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે મોટાભાગની મહિલાઓ મકાનમાલિકો વિરુદ્ધ જાતીય સતામણીના કેસ દાખલ કરતી નથી, કારણ કે તેઓને ડર છે કે મિલકત મેનેજર તેમને ઘરમાંથી કાઢી મૂકશે છે. બીજું, તેમની નાણાકીય અવરોધથી સંબંધિત કેટલાક કારણો હોઈ શકે છે.

સિગરેટ બનાવતી કંપનીનો તમાકુમાંથી કોરોનાવાયરસની વેક્સિન તૈયાર કર્યાનો દાવો

કોરોનાવાયરસની રસી બાબતે દુનિયાભરમાંથી રોજ નવી વાતો આવે છે અને રોજ નવા દાવા થઇ રહ્યા છે. વિશ્વના લગભગ દરેક દેશના વૈજ્ઞાનિકો હાલમાં બધુ કામ બાજુ પર મુકીને કોરોનાવાયરસની રસી શોધવાના કામમાં જોતરાયેલા છે, તેવા સમયે એક સિગરેટ બનાવતી કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોનાવાયરસની રસી તૈયાર કરી લીધી છે. વળી નવાઇની વાત એ છે કે કંપનીએ આ રસી તમાકુમાંથી તૈયાર કરી છે.

સિગરેટ બનવતી બ્રિટીશ/અમેરિકન ટોબેકો કંપનીએ દાવો કર્યો છે કે તેમણે તમાકુ વડે કોરોનાના ખાત્મા માટેની રસી તૈયાર કરી લીધી છે. કંપનીના અધિકારીઓએ આ બાબતે માહિતી આપી છે કે એપ્રિલમાં તેની પ્રી-ટ્રાયલ પણ શરૂ કરવામાં આવી હતી, જે સફળ રહી હતી અને હવે આ રસી હ્યુમન ટ્રાયલ માટે સંપૂર્ણપણે તૈયાર છે. કંપનીએ માહિતી આપી હતી કે તેમણે તમાકુના છોડમાંથી લેવાયેલા તત્વ વડે વેકસીન બનાવી છે.

વેક્સીન બનાવવા માટે કોરોનાવાયરસનો એક હિસ્સો કુત્રિમ રૂપે તૈયાર કરવામાં આવ્યો, તે પછી તેને તમાકુના પાંદડા પર છોડવામાં આવ્યો, કે જેથી તેની સંખ્યા વધી શકે પણ જ્યારે તમાકુના પાન કાપવામાં આવ્યા તો તેમાં વાયરસ જોવા મળ્યો નહોતો.

તમાકુના પાંદડામાંથી વેક્સિન તૈયાર કરનારી કંપનીની વાત માનવામાં આવે તો વેક્સીન બનાવવા માટેની આ પદ્ધતિ સૌથી ઝડપી જ નહીં પણ સૌથી સુરક્ષિત પણ છે. એટલું જ નહીં તેેને ઠંડા તાપમાનમાં સ્ટોર કરવાની પણ જરૂર રહેતી નથી. તેને સામાન્ય તાપમાનમાં જ રાખી શકાય છે. તેનો સિંગલ ડોઝ જ ઇમ્યુન સિસ્ટમ માટે અસરકારક સાબિત થાય છે.

કંપનીનો દાવો છે કે તમાકુના છોડમાંથી તૈયાર કરાયેલી રસી ઇમ્યુન સિસ્ટમ પર સીદી અસર કરે છે. તે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવીને કોરોનાવાયરસને રોકવા માટે કામ કરી શકે છે. જો કે હ્યુમન ટ્રાયલ માટે આ રસી કેટલી અસરકારક સાબિત થશે તે બાબતે કોઇ માહિતી મળી નથી.

 

સ્ટેડિયમ ખાલી ન લાગે તે માટે દક્ષિણ કોરિયા ફૂટબોલ ક્લબે મેચ દરમિયાન ખાલી સ્ટેન્ડમાં ગોઠવી સેક્સ ડોલ

હાલમાં  વિશ્વ આખામાં કોરોનાવાયરસને કારણે રમત જગત ઠપ છે ત્યારે કેટલાક દેશોમાં દર્શકોની હાજરી વગર ફૂટબોલ કે ટી-10 ક્રિકેટ અથવા તો અન્ય રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  જો કે દક્ષિણ કોરિયાની એક ફૂટબોલ ક્લબ એફસી સિઉલે ખાલી સ્ટેડિયમમાં રમાતી એક મેચમાં સ્ટેડિયમની ખાલી સીટો ભરેલી દેખાય તે માટે મેનિક્યુઇન અર્થાત પુતળાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો, જો કે તેણે ખાલી સીટ ભરવા માટે પુતળાનો ઉપયોગ કરતાં વિવાદ સર્જાયો હતો.

હકીકતમાં ફૂટબોલ ક્લબે  જે પૂતળાનો ઉપયોગ કર્યો તે હકીકતમાં પૂતળા નહીં પણ સેક્સ ડોલ હોવાનું જાહેર થયું હતુ અને તેના કારણે ત્યારે વિવાદ સર્જાયો હતો જ્યારે એ ખબર પડી કે સ્ટેડિયમમાં ખાલી સીટ ભરવા જેનો ઉપયોગ કરાયો છે તે પુતળા નથી પણ સેક્સ ડોલ્સ છે. આ મામલે સોશિયલ મીડિયા પર તેમની આકરી ટીકા કરવામાં આવી હતી. કે-લીગ ફૂટબોલ ક્લબે તે પછી જો કે આ મામલે માફી માગી લીધી હતી.

આ ફૂટબોલ મેચ દરમિયાન ખાલી સ્ટેડિયમમાં ટીમના ખેલાડીઓના આદમકદના કટઆઉટની સામે 10 ડોલ્સ મુકવામાં આવી હતી. જો કે આ ડોલ્સને જોઇને ફેન્સને એ સમજતાં વાર લાગી નહોતી કે આ પુતળા હકીકતમાં સેક્સ ડોલ્સ છે. સોશિયલ મીડિયા યૂઝર્સે એ વાત નોંધી હતી કે આ ડોલ્સના હાથમાં બીજે ચાએરો લખેલા પોસ્ટર્સ હતા, જે બાબતે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ ડોલ્સની ડિઝાઇન પાછળની પ્રેરણા છે.

એફસી સિઉલે તેના માટે સપ્લાયરને જવાબદાર ઠેરવ્યો હતો. ક્લબ દ્વારા કહેવાયું હતું કે અમે ચાહકોની માફી માગીએ છીએ. અમે તેના માટે શરમ અનુભવીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે માહોલ થોડો હળવો બને તેવું ઇચ્છતા હતા. અમારે એ બાબતે ગંભીરતાથી વિચારવું પડશે કે જે થયું તે ફરીથી ન થાય. સાઉથ કોરિયામાં ફૂટબોલની રમત શરૂ થઇ ગઇ છે, જો કે સ્ટેડિયમમાં દર્શકોના પ્રવેશને મંજૂરી નથી મળી.

કોવિડ-19ના ફેલાવા માટે જવાબદાર વુહાનમાં માસ્ક પહેરીને દોડતાં વ્યક્તિનાં ફેફસાં ફાટી ગયા

કોરોનાવાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે જે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. તેમાં માસ્ક પહેરવાનો પણ સમાવેશ થાય છે. કેટલાક દેશોમાં તો માસ્ક ન પહેરવા માટે કેદની સજા જાહેર કરવામાં આવી છે તો કેટલાક સ્થળે માસ્ક પહેરવા વગર બહાર નીકળનારાઓને 3 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે એક સમાચારે બધાનું ધ્યાન પોતાના ભણી ખેંચ્યું છે અને એ સમાચાર એ છે કે માસ્ક પહેરીને દોડી રહેલી એક વ્યક્તિના ફેફસાં ફાટી ગયા છે.

વિશ્વવ્યાપી કોરોનાવાયરસ ચેપ ફેલાયા પછી, લોકોને તેમના ઘર છોડતા પહેલા માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી રહી છે. જો કે, હવે તેના ગેરફાયદા પણ સામે આવી રહ્યા છે. કોરોના ચેપના કેન્દ્ર વુહાનમાં, ભૂતકાળમાં રનિંગ દરમિયાન માસ્ક પહેરેલા એક વ્યક્તિના ફેફસાં દબાણને કારણે ફાટી ગયા હતા અને હાલમાં તે હોસ્પિટલમાં જીવનની લડાઈ લડી રહ્યો છે. આ અગાઉ પણ, એક 14 વર્ષના છોકરાનું માસ્ક પહેરીને દોડવાના કારણે કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થયું હતું. માનવામાં આવે છે કે બૈજિંગના માસ્ક પહેરવાનું નાબૂદ કરવામાં આવ્યું તેની પાછળનું આ કારણ છે.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, 26 વર્ષીય વ્યક્તિ લગભગ ત્રણ માઇલ દોડ્યો હતો અને અચાનક તેના ફેફસાં પર દબાણ વધી ગયું હતું અને તેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ પછી, તે પાર્કમાં જ બેહોશ થઈ ગયો હતો અને તેને વુહાન સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં, આ વ્યક્તિના ફેફસાંની ત્રણ મહત્વપૂર્ણ સર્જરી કરવામાં આવી છે. ડોકટરોના જણાવ્યા મુજબ માસ્ક પહેરીને દોડવાના કારણે તેના ડાબા ફેફસામાં વેધન થયું હતું અને ત્યાંથી હવા બહાર આવવા લાગી હતી.

આ દબાણથી હૃદયને પણ અસર થઈ હતી અને ભારે દબાણને કારણે, તે ડાબેથી જમણે ખસેડવાનું શરૂ કર્યું હતું, જેના કારણે ફેફસાંને વધુ નુકસાન થાય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર ફેફસાના પંચરની સ્થિતિને ન્યુમોથ્રોક્સ કહેવામાં આવે છે. આમાં, ફેફસાં પંચર થઈ જાય છે અને ફેફસાં અને છાતીની દિવાલ વચ્ચે હવા ભરાય છે. આ પછી, માણસના ફેફસાં ટૂંકા થવાનું બંધ કરે છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ સ્થિતિમાં, વ્યક્તિનું મૃત્યુ થાય છે.

ડોકટરોના જણાવ્યા મુજબ માસ્ક પહેરવાથી ફેફસાં પર વધારાનું દબાણ વધે છે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી. દોડતી વખતે ફેફસાંએ ક્ષમતા કરતા વધારે કામ કરવું પડે છે અને તેઓ પ્રતિક્રિયા આપે છે .બેસીંગે કહ્યું હતું કે બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની જરૂર નથી.

બ્રિટનમાં ડેલ્મેન્ટિયન પ્રજાતિની માદા શ્વાને 8 કે 10 નહીં પણ અઢાર ગલુડિયાંને જન્મ આપ્યો !

સામાન્યપણે એક માદા શ્વાન એક સાથે ચારથી પાંચ બચ્ચાઓને જન્મ આપે છે, જો કે અમુક પ્રજાતિના શ્વાન 8થી 10 બચ્ચાને પણ જન્મ આપે છે. જો કે ડેલ્મેન્ટીયન પ્રજાતિની એક માદા શ્વાને પાંચ કે 7 નહીં કે 8થી 10 નહીં પણ એકસાથે 18 બચ્ચાઓને જન્મ આપ્યો છે. જે મોટાભાગે સામાન્યપણે આ પ્રજાતિની માદા શ્વાન જેટલા બચ્ચાને જન્મ આપે છે તેના કરતાં દ્વારા બે ગણા બચ્ચાને તેણે જન્મ આપ્યો છે.

પ્રિસ્ટનમાં બ્રીડર લુઇસ ક્લેમેન્ટને ત્યાં નેલી નામની ડેલ્મેન્ટિયન પ્રજાતિની ત્રણ વર્ષની માદા શ્વાને આ અઢાર ગલુડિયાઓને એક જ પ્રસૂતિમાં જન્મ આપ્યો છે અને આમાંથી દસ નર અને આઠ માદા બચ્ચાઓ છે. પહેલીવારની પ્રસુતિમાં જ એક સાથે આટલા બધા ગલુડિયાઓને આ માદા શ્વાને જન્મ આપતા તેના માલિકને પણ આશ્ચર્ય થયું હતુ.

તેમણે જણાવ્યું કે ૧૪ કલાકની પ્રસૂતિ પીડા પછી આ કૂતરીએ બચ્ચાઓને જન્મ આપવા માંડ્યો અને એક પછી એક ૧૫ બચ્ચાઓ જન્મ્યા પછી એવું લાગ્યું કે નેલી થાકી ગઇ છે અને હવે તે સૂઇ જવા જઇ રહી છે પરંતુ પછી પણ એક બચ્ચું આવ્યું અને પછી બે બચ્ચાઓ આવ્યા, આમ કુલ અઢાર ગલુડિયા થયાં.

પહેલા નર્સ તરીકે કામગીરી કરનારા શ્રીમતી ક્લેમેન્ટ કહે છે કે નેલી ખરેખર સારી માતા પુરવાર થઇ છે, તે બચ્ચાઓની સારી રીતે સંભાળ લઇ રહી છે. કૂતરા ઉછેર કરતા ક્લેમેન્ટના ઘરમાં હવે કુલ ૨૭ કૂતરા-કૂતરીઓ થઇ ગયા છે. તેમાં નેલીની માતા પેની અને તેની દાદી પેબલ્સનો પણ સમાવેશ થાય છે.

કપિરાજની દાઢી કરતાં વારાણસીના વાળંદનો વીડિયો વાયરલ

હાલમાં જ્યારે લોકડાઉન છે ત્યારે લોકો સોશિયલ મીડિયા પર ખાસ્સા વ્યસ્ત રહે છે અને તેમાં ઘણાં મજાના વીડિયો કે ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આવો જ એક વીડિયો હમણા વાયરલ બન્યો હતો, કે જેમાં એક વાળંદ કપિરાજ અર્થાત વાનરની દાઢી કરી રહ્યો છે. અહેવાલો અનુસાર ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક વાળંદની દુકાને આવી ચઢેલા વાનરની વાળંદે દાઢી કરી આપી હતી. રસપ્રદ વાત એ રહી હતી કે વાનરની જ્યારે વાળંદ દાઢી કરતો હતો ત્યારે હંમેશા ચંચળ રહેવાની ટેવ હોવા છતાં આ વાનર શાંતિથી સ્થિતપ્રજ્ઞ થઇને બેસી રહ્યો હતો.

જુઓ વીડિયો

લોકડાઉનના કારણે જ્યારે હાલમાં વાળંદની દુકાને લોકો આવતા નથી, ત્યારે તેની દુકાને આવી ચઢેલા વાનરની જ દાઢી બનાવી આપવાનો વાળંદે નિર્ણય કર્યો હતો. વાનરની દાઢી બનાવતી વખતે વાળંદ તેને જે સૂચનો કરતો હતો તે પ્રમાણે વાનર શાંતિથી તેનું પાલન કરતો રહ્યો હતો. ખાસ વાત એ રહી હતી કે તે આંખો બંધ કરીને બેસી રહ્યો હતો. વાળંદ વાનરની દાઢી કરતો હોય તેવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે.

આ બાબતે એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે વાળંદની સાથે તેના એક મિત્રએ હજાર રૂપિયાની શરત લગાવી હતી કે તે જો વાનરની દાઢી કરી શકે તો તે તેને હજાર રૂપિયા આપશે. લોકડાઇનના કારણે હાલમાં નવરા બનેલા વાળંદે તેની એ શરત સ્વીકારી લીધી અને તે પછી તેણે આ વાનરની દાઢી કરી આપી હતી. વીડિયોમાં જોવા મળે છે કે વાનર શાંતિથી બેસીને એક ડાહ્યા ગ્રાહકની જેમ શાંતિથી બેસી રહે છે અને વાળંદ જે કહે છે તે અનુસાર માથુ ઉંચુ કે નીચું કરે છે.

સૂર્ય પર પણ લોકડાઉન શરૂ થયું હોય તેમ સૌર પ્રવૃત્તિમાં મોટો ઘટાડો, વૈજ્ઞાનિકો ચિંતામાં

કોરોનાવાયરસને કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉન જાહેર કરાયા પછી માત્ર પર્યાવરણને જ ફાયદો નથી થયો પણ તેની સાથે જ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગેસોનું ઉત્સર્જન પણ ઘટી ગયું છે. આવા સમયે એક તરફ યુરોપ અને અમેરિકાના લોકો કોરોનાવાયરસથી ત્રસ્ત છે ત્યારે તેમને ચિંતામાં મૂકે એવા બીજા એક સમાચાર ખગોળશાસ્ત્રીઓ તરફથી આવ્યા છે અને તે એ છે કે સૂર્ય પર સૌર પ્રવૃતિઓ ઘણી ઘટી ગઇ છે, જાણે કે સૂર્ય પર પણ લૉકડાઉન શરૂ થયું હોય. આવું થવાથી પૃથ્વી પર ઓછી ગરમી આવી શકે છે.

અંતરિક્ષ વિજ્ઞાનીઓએ સૂ્ર્યની સપાટી પર થનારી ઘટનાઓમાં માની ન શકાય તેવો અચોક્કસ ઘટાડો નોંઘ્યો છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને સોલર મિનીમમ નામ આપ્યું છે. તે ઉપરાંત સૂર્યનું મેગ્નેટિક ફીલ્ડ પણ પહેલા કરતાં નબળું પડ્યું છે. તેના કારણે જ સૂર્યની સપાટી પર કોસ્મિક રેઝ સર્જાય છે અને ગરમ હવા ફુંકાય છે. સૂરજની સપાટી પર સોલર સ્પોટમાં વૃદ્ધિ જોવા મળી છે. એવું માનવામાં આવે છે કે સોલર મિનિમમની અસર ધરતી પર પણ જોવા મળી શકે છે. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે તેનાથી ધરતીના મોસમ પર ગંભીર અસર પડી શકે છે.

હાલ વૈજ્ઞાનિકોના નિરીક્ષણ પ્રમાણે સૂર્ય પર સોલાર એકટિવિટી ઘણી ઓછી થઇ ગઇ છે અને આ એવા વખતે થયું છે જ્યારે કોરોનાવાયરસથી રાહત મળે તે માટે યુરોપ અને અમેરિકાના લોકો ઉનાળાની ગરમીની રાહ જોઇ રહ્યા છે. હવે જો આ સૌર પ્રવૃતિઓ ઘટી ગઇ હોય તો ગરમી પણ ઓછી આવી શકે છે. જો કે હવામાન કચેરી અને રોયલ એસ્ટ્રોનોમી સોસાયટીના વૈજ્ઞાનિકો આશ્વાસન આપે છે કે આ ફકત કુદરતી છે અને ઘણીવાર બનતુ રહે છે અને ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ કેટલાક નિરાશાવાદીઓ આને મોટી હોનારત જેવું ગણાવે છે અને કહે છે કે આનાથી ૧૭મી અને ૧૭મી સદીમાં યુરોપમાં હતો તેવો લઘુ શીત યુગ ફરી આવી શકે છે!