ગુજરાતના કર્મચારીઓ-પેન્શરો આનંદોઃ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો

ગુજરાત સરકારે દિવાળી પૂર્વે રાજ્યના 8.82 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શરોને ખુશખબર આપ્યા છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી ડીએ 60 ટકાથી વધીને 63 ટકા થશે. આ નિર્ણયથી 4 લાખથી વધુ કાર્યરત કર્મચારીઓ અને 4.82 લાખ જેટલા પેન્શનરોને સીધો આર્થિક ફાયદો મળશે. ટૂંક સમયમાં સત્તાવાર પરિપત્ર બહાર પડશે.

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેનશનરો માટે ખુશીના સમાચાર આપ્યા છે. સરકારી કર્મચારી સંગઠનોની લાંબા સમયની માંગણીઓ અને રજૂઆતોને ધ્યાને રાખીને રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે 4 લાખથી વધુ કાર્યરત કર્મચારીઓ અને 4.82 લાખ જેટલા પેન્શનરો મળીને કુલ 8.82 લાખથી વધુ લોકોને સીધો આર્થિક ફાયદો થશે.

આ વધારામાં રાજ્ય સરકારી કર્મચારીઓ તેમજ પંચાયત સેવાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર અને અમલીકરણની તારીખ વિશે ટૂંક સમયમાં કેબિનેટ નિર્ણય પછી આખરી વિગતો જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ મે 2026 માં પગારપંચ હેઠળ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જેથી ભથ્થું 58 ટકાથી વધીને 60 ટકા થયું હતું. હવે આ નવા 3 ટકાના વધારા સાથે જ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60 ટકાથી વધીને 63 ટકાની સપાટીએ પહોંચી જશે.

દાખલા તરીકે જો કોઈ સરકારી કર્મચારીનો મૂળ પગાર 30,000 હોય, તો અત્યાર સુધી 60 ટકા લેખે 18,000 ડીએ મળતું હતું. હવે 63 ટકા લેખે 18,900 મળશે, જેનાથી કર્મચારીના હાથમાં દર મહિને 9000 નો સીધો રોકડ ફાયદો થશે.

મોંઘવારી ભથ્થાના વધારા ઉપરાંત તહેવારોને ધ્યાનમાં રાખીને રજાઓ અંગે પણ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ 9 નવેમ્બરના જાહેર રજા રહેશે, જ્યારે તેની ભરપાઈ રૂપે 12 ડિસેમ્બરના શનિવારે તમામ સરકારી કચેરીઓ ચાલુ રાખીને કામકાજ કરવામાં આવશે.