રશિયાએ યુક્રેનમાં અનેક સ્થળોએ હુમલો કરતા 26 લોકોના મોત નિપજયા હોવાનુ જાણવા મળે છે. દક્ષિણ યુક્રેનમાં એક સહાય વિતરણ કેન્દ્ર અને એક આશ્રયસ્થાન પર હુમલો કરવામાં આવ્યો હોવાથી ઘણાં લોકો કાટમાળ નીચે ફસાયા છે અને મૃત્યુઆંક વધી શકે છે. મર્યાદિત યુદ્ધવિરામ હટાવ્યા પછી આ હુમલાઓ થતા ઝેલેન્સ્કીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું.
રશિયાએ દક્ષિણ યુક્રેનમાં એક સહાય વિતરણ કેન્દ્ર અને નજીકના આશ્રયસ્થાન પર બોમ્બમારો કર્યો, જેમાં ૨૬ લોકો માર્યા ગયા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એકસ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી છે. ઝેલેન્સકીએ કહ્યું કે હુમલાઓમાં પહેલા માનવતાવાદી સહાય વિતરણ માટે ઉપયોગમાં લેવાતી શાળાની ઇમારત અને પછી નજીકના આશ્રયસ્થાનને નિશાન બનાવવામાં આવ્યું હતું.
ઝેલેન્સકીએ કહ્યું કે આ વધુ પુરાવો છે કે રશિયા તણાવ ઓછો કરવા માંગતું નથી. દક્ષિણ ઝાપોરિઝિયા પ્રદેશના કોમિશુવાખા ગામમાં હુમલાઓ દેશના દક્ષિણમાં આવેલા ખેરસન ક્ષેત્રમાં મર્યાદિત યુદ્ધવિરામ સમાપ્ત થયાના થોડા દિવસો પછી જ થયા. આ મર્યાદિત યુદ્ધવિરામ કરારથી માનવતાવાદી સહાય પહોંચાડવાની અને રશિયન નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાની મંજૂરી મળી.
ઝેલેન્સકીએ કહ્યું કે એક સમય હતો જ્યારે વધુ પગલાં લેવાથી શાંતિ તરફ પ્રગતિ શક્ય બની શકી હોત. પરંતુ આ હત્યાઓ સાથે, રશિયા બરાબર વિપરીત સંકેત મોકલી રહ્યું છેઃ રશિયા વધુ હત્યાઓ કરવાનો ઇરાદો ધરાવે છે.
તે પછી રાષ્ટ્રને સંબોધનમાં, ઝેલેન્સકીએ વધુમાં જણાવ્યું કે યુક્રેનને ડર હતો કે રશિયા તેના હુમલાઓ વધુ તીવ્ર બનાવશે, ખાસ કરીને એવા સમયે જ્યારે યુક્રેન પાસે પોતાનો બચાવ કરવા માટે જરૂરી મિસાઇલોનો અભાવ છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા ઓનલાઈન પોસ્ટ કરાયેલા ફોટા અને વિડિયો અનુસાર, કોમિશુવાખામાં રાત પડતાં બચાવ કાર્યકરો તૂટી પડેલી ઇમારતોના કાટમાળમાં ફલશલાઇટ સાથે લોકોને શોધી રહ્યા હતા.
અધિકારીઓ કહે છે કે લગભગ 20 લોકો ગુમ છે અને મૃત્યુઆંક વધી શકે છે. ઝાપોરિઝ્યિામાં લશ્કરી અધિકારી મિખાઇલો સેમકિનના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે બચાવ પ્રયાસો અવરોધાયા હતા જ્યારે રશિયન ડ્રોન દ્વારા ફરીથી તે જ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો જ્યાં અગાઉ બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા.
યુક્રેનના અન્ય ભાગોમાં અધિકારીઓએ પણ રશિયા દ્વારા અનેક ડ્રોન હુમલાઓની જાણ કરી હતી, જેમાં ઓછામાં ઓછા 17 લોકો ઘાયલ થયા હતા.
