સર્વે: MDR લાગુ થશે તો 83 ટકા વેપારીઓ અને 76 ટકા લોકો UPIનો ઉપયોગ છોડશે?

એક સર્વે મુજબ યુપીઆઈ ચાર્જ બાદ 76% યુઝર્સ પેમેન્ટની પધ્ધતિ બદલાવશે. 83 ટકા વેપારીઓ રૂ।. 2000થી ઉપરના યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર દેવા તૈયાર નથી યુપીઆઈ વ્યવહારોમાં 10%નો ઘટાડો થવાની સંભાવના દર્શાવાઈ છે. અને મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડ કે કેશથી વ્યવહારો કરે છે, તેવા તારણો નીકળ્યા છે.

દેશમાં સરકાર દ્વારા રૂ।.2,000 થી વધુની યુપીઆઈ દ્વારા ચુકવણી પર 0.4 ટકા એમડીઆર (વેપારી ડિસ્કાઉન્ટ રેટ) લાદવાની તૈયારી છે. આ નિયમ 1૫ ઓક્ટોબરથી અમલમાં આવી શકે છે. આમાં યુપીઆઈ પીટુપી ચુકવણીઓ, એટલે કે ગ્રાહક-થી-વેપારી ચુકવણીઓ શામેલ હશે. આ ચાર્જ વેપારી દ્વારા ઉઠાવવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, જો વેપારીઓ અથવા દુકાનદારો આ ખર્ચ ગ્રાહકોને આપે તો શું થશે? લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા એક નવા સર્વેમાં નોંધપાત્ર અસર જોવા મળી છે.

2૯1 જિલ્લાઓના 67,000 થી વધુ યુપીઆઈ વપરાશકર્તાઓએ સર્વેમાં પ્રતિભાવ આપ્યો. તે મુજબ, જો વેપારીઓ યુપીઆઈ ચુકવણીમાં અલગ ફી ઉમેરે છે, તો, 14 ટકા લોકો કહે છે કે તેઓ યુપીઆઈ દ્વારા ચૂકવણી કરશે અને ફી ચૂકવશે. 27 ટકા રોકડથી ચૂકવણી કરશે. 26 ટકા લોકો ક્રેડિટ કાર્ડ પર સ્વિચ કરશે. 14 ટકા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશે. 4 ટકા લોકો બેંક ટ્રાન્સફર, એનઈએફટી અથવા આઈએમપીએસ પસંદ કરશે.9ટકા લોકો વેપારીને બીજો ચુકવણી વિકલ્પ પૂછશે જેમાં અલગ ફી લાગતી નથી. 2 ટકા ખરીદી મુલતવી રાખશે અથવા બિલકુલ નહીં કરે. 4 ટકા લોકો અનિશ્ચિત જણાયા.

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે જો યુપીઆઈ પર અલગ ચાર્જ લાદવામાં આવે તો તેઓ રૂ।.2,000 થી વધુની ખરીદી માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશે, ત્યારે તેમના જવાબો મુજબ 26 ટકા લોકો ક્રેડિટ કાર્ડ પસંદ કરશે. 26 ટકા લોકો રોકડ પસંદ કરશે. 13 ટકા લોકો ડેબિટ કાર્ડ પસંદ કરશે. 11 ટકા લોકો બેંક ટ્રાન્સફર, એનઈએફટી અથવા આઈએમપીએસ પસંદ કરશે. ફક્ત 20 ટકા લોકો યુપીઆઈનો ઉપયોગ ચાલુ રાખશે. 4 ટકા લોકો અનિશ્ચિત છે.

આનો અર્થ એ છે કે લોકલ સર્કલ માને છે કે જો વધારાની ફી વસૂલવામાં આવે તો 76 ટકા યુપીઆઈ વપરાશકર્તાઓ યુપીઆઈ છોડી શકે છે.

સર્વેમાં વેપારીઓના મંતવ્યો પણ જાહેર કરવામાં આવ્યા હતા. 242 જિલ્લાના 32,000 થી વધુ વેપારીઓએ આ જવાબો આપ્યા તે મુજબ માત્ર 17 ટકા વેપારીઓ રૂ।.2,000 થી વધુ યુપીઆઈ ચુકવણી પર 0.4 ટકા એમડીઆર ચૂકવવા તૈયાર છે. 41 ટકા વેપારીઓ કોઈપણ એમડીઆર ચૂકવવા તૈયાર નથી.9ટકા વેપારીઓ યુપીઆઈ બિલકુલ સ્વીકારતા નથી. 1૫ ટકા વેપારીઓએ 0.04 ટકા મહત્તમ મર્યાદા તરીકે દર્શાવી.