દુબઈ-તેલ અવીવ ફ્લાઈટમાં પાઈલટો વચ્ચે હિંસક અથડામણ, ભારતીય કેપ્ટનની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં પાઈલટો વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. રિપોર્ટ અનુસાર, ફ્લાઈટ દરમિયાન એક પાઈલટે બીજા પાઈલટ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ઘટનાને કારણે વિમાન અચાનક હજારો ફૂટ નીચે આવી ગયું હતું. જોકે, ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

રિપોર્ટ મુજબ, હુમલામાં ભારતીય કેપ્ટનને ઈજા થઈ હોવા છતાં તેમણે કોકપિટમાં પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિમાન ઝડપથી નીચે જઈ રહ્યું હતું અને ગણતરીની સેકન્ડોમાં તેની ઊંચાઈમાં આશરે 14,300 ફૂટનો ઘટાડો થયો હોવાનો દાવો છે.

કોકપિટમાં જ પાઈલટ પર હુમલો
મળતી માહિતી અનુસાર, વિમાન હવામાં હતું ત્યારે કોકપિટમાં બંને પાઈલટો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન ઓમાનના પાઈલટે ભારતીય કેપ્ટન પર ચાકુથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. કેપ્ટન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવા છતાં તેમણે હુમલાખોરનો સામનો કર્યો અને વિમાનનું નિયંત્રણ જાળવી રાખવા માટે પ્રયાસ કર્યો હતો.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોર પાઈલટ વિમાનને ક્રેશ કરાવવાના ઈરાદામાં હતો. જોકે, આ અંગે તપાસ ચાલી રહી છે અને હુમલા પાછળનો ચોક્કસ હેતુ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયો નથી.

મુસાફરોની મદદથી હુમલાખોર દબોચાયો
ઘટના દરમિયાન એક મુસાફર કોકપિટ સુધી પહોંચ્યો હતો. ત્યાં તેણે ભારતીય પાઈલટને લોહીલુહાણ હાલતમાં જોયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ અન્ય કેટલાક મુસાફરો પણ કોકપિટમાં પહોંચ્યા અને હુમલો કરનાર પાઈલટને કાબૂમાં લેવામાં મદદ કરી હતી.

આ ઘટનાને કારણે વિમાનમાં સવાર 180થી વધુ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. તેમાં બાળકો પણ સામેલ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

ભારતીય કેપ્ટનનો અનુભવ આવ્યો કામ
રિપોર્ટ અનુસાર, સ્મિત મચ્છાર જૂન 2022થી ફ્લાઈદુબઈના બોઈંગ 737 કાફલામાં કેપ્ટન તરીકે ફરજ બજાવે છે. તે પહેલાં તેમણે સ્પાઈસજેટમાં આશરે 11 વર્ષ સુધી કામ કર્યું હતું.

મચ્છાર પાસે બોઈંગ 737-800 અને 737 MAX 8 વિમાનો ઉડાવવાનો લાંબો અનુભવ હોવાનું જણાવાયું છે. તેઓ લાઈન ટ્રેનિંગ કેપ્ટન તરીકે અન્ય પાઈલટોને તાલીમ આપવાની જવાબદારી પણ સંભાળતા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ
આ ઘટનાએ એરલાઈનની કોકપિટ સુરક્ષા અને વિદેશી પાઈલટોના સ્ક્રીનિંગ અંગે પણ સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને, જો પાઈલટ પાસે ચાકુ હતું તો તે સુરક્ષા તપાસમાંથી કેવી રીતે પસાર થયું તે મુદ્દે તપાસ થવાની શક્યતા છે.

ઇઝરાયલ જતી ફ્લાઈટના ક્રૂ સભ્યોની સુરક્ષા તપાસને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. જોકે, આ સુરક્ષા પ્રક્રિયામાં શું થયું અને ચાકુ કોકપિટ સુધી કેવી રીતે પહોંચ્યું તેની સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી.

મોટી દુર્ઘટના ટળી હોવાનો દાવો
ઇઝરાયલના એક અધિકારીએ ઘટનાને ગંભીર ગણાવી મોટી દુર્ઘટના ટળી હોવાનો દાવો કર્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. ઘટનાને લઈને હાઈજેકિંગ અથવા વિમાનને ક્રેશ કરાવવાના પ્રયાસ સહિતની વિવિધ શક્યતાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

હાલમાં ઘટનાની સંપૂર્ણ હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. ખાસ કરીને હુમલાખોર પાઈલટનો ચોક્કસ ઈરાદો, ચાકુ તેની પાસે કેવી રીતે પહોંચ્યું અને ફ્લાઈટમાં સુરક્ષા પ્રોટોકોલ કેવી રીતે કામ કરી રહ્યા હતા તે મહત્વના સવાલો બની રહ્યા છે.