ઈરાની બોટમાં 3 હજાર કરોડના ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાની ઝડપાયા, ગુજરાત ATS- કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાં બોટને ઘેરી ઝડપી પાડી

ગુજરાત એટીએસ અને આઈસીજીએ અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લક્ષદ્વીપ નજીક ઈરાની બોટમાંથી ૫૨૬ કિલો હેરોઈન-મેથમફેટામાઈન સાથે ૫ પાકિસ્તાનીઓની ધરપકડ કરાઈ. ગુપ્ત બાતમી આધારે ‘હોટ પર્સ્યુટ’ કરી બોટને આંતરી, ડ્રગ્સ મુંબઈ લવાયું છે. હવે એટીએસ સહિતની એજન્સીઓ પાકિસ્તાનીઓની પૂછપરછ કરશે.

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) અને ભારતીય તટરક્ષક દળ (આઈસીજી)એ અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સિન્ડિકેટ સામે અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. લક્ષદ્વીપના પશ્ચિમે મધ્ય સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની બોટને આંતરીને ૫૨૬ કિલો હાઈ ગ્રેડ નશીલા પદાર્થો નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત રૂપિયા ૩૦૦૦ કરોડથી વધુ આંકવામાં આવી છે. આ સપાટા દરમિયાન બોટ પર સવાર ૫ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

ગુજરાત એટીએસને ગુપ્ત બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ભારત કે આસપાસના વિસ્તારોમાં ઘૂસાડવાનો પ્રયાસ થઈ રહૃાો છે. આ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડે દરિયામાં જહાજો અને હવામાં સર્વેલન્સ વિમાનો દ્વારા સઘન મોનિટરિંગ શરૂ કર્યું હતું. ૨૫ સપ્ટેમ્બરે અરેબિયન સીમાં શંકાસ્પદ ઈરાની બોટ નજરે પડતાં જ કોસ્ટ ગાર્ડના જહાજે તેનો પીછો (‘હોટ પર્સ્યુટ’) કર્યો હતો.

દરિયાની વચ્ચે જ બોટને ઘેરી લેવામાં આવી હતી અને કમાન્ડોએ બોટ પર ચડીને તલાશી લેતાં કોથળાઓમાં છુપાવેલું પ્યોર હેરોઇન અને મેથમફેટામાઇન મળી આવ્યું હતું.

પકડાયેલા પાકિસ્તાની તસ્કરો, ઈરાની બોટ અને ૩૦૦૦ કરોડના ડ્રગ્સના જથ્થાને કોસ્ટ ગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે મુંબઈ બંદરે લાવવામાં આવ્યા છે. હવે ત્યાં ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા આ પાકિસ્તાની નાગરિકોની કડક પૂછપરછ કરવામાં આવશે. આ ડ્રગ્સ કોણે મોકલ્યું હતું અને ભારતમાં કે અન્ય કોઈ દેશમાં કોને પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.