ઉત્તર પ્રદેશના રસ્તાઓ પર હાલ એક એવું દૃશ્ય જોવા મળી રહ્યું છે, જેણે સ્થાનિકોથી લઈને સોશિયલ મીડિયા સુધી સૌનું ધ્યાન ખેંચ્યું છે. બેલ્જિયમમાં તૈયાર થયેલું આશરે 200 ટન વજનનું વિશાળ ઔદ્યોગિક વેસલ 308 પૈડાં ધરાવતા હાઇડ્રોલિક મોડ્યુલર ટ્રેલર પર લાદીને ઉત્તર પ્રદેશમાં પહોંચ્યું છે. વિશાળ કદ અને વજનને કારણે તેને લોકોમાં ‘બાહુબલી ટ્રક’ તરીકે ઓળખ મળી રહી છે.
આ મહાકાય કાફલો ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના કુંભી ખાતે આવેલા બલરામપુર ચીની મિલ્સના બાયોપોલિમર પ્લાન્ટ પ્રોજેક્ટ તરફ આગળ વધી રહ્યો છે. આ મશીનરીને અગાઉ સમુદ્ર માર્ગે બેલ્જિયમથી ઓડિશાના પારાદીપ બંદર સુધી લાવવામાં આવી હતી. ત્યારબાદ ઓડિશા, ઝારખંડ અને બિહારમાંથી પસાર થઈને કાફલો ચંદૌલી મારફતે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ્યો છે.
200 ટનનો ભાર, 308 પૈડાંનો સહારો
આટલા ભારે કાર્ગોને સામાન્ય ટ્રેલરથી પરિવહન કરવું શક્ય નથી. તેથી વજનને મોટા વિસ્તારમાં સમાન રીતે વહેંચવા માટે 308 પૈડાં ધરાવતા મલ્ટી-એક્સલ હાઇડ્રોલિક મોડ્યુલર ટ્રેલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાફલો અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે અને પરિસ્થિતિ અનુસાર તેની ઝડપ આશરે કલાકે 5 કિલોમીટર સુધી રહે છે.
આ વિશાળ કાફલાને ખેંચવા માટે શક્તિશાળી હેવી-ડ્યુટી ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર પરિવહનની જવાબદારી હેવી-લિફ્ટ લોજિસ્ટિક્સ ક્ષેત્રની જે એમ બક્ષી હેવી સંભાળી રહી છે.
એક મશીન માટે બદલવો પડે છે રસ્તાનો નકશો
આ પરિવહન માત્ર ટ્રક ચલાવવાનું કામ નથી. રસ્તામાં આવતી દરેક સંભવિત અડચણનું અગાઉથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઊંચાઈને કારણે વીજળીના ઓવરહેડ વાયર, સાઇનબોર્ડ, ઝાડની ડાળીઓ અને અન્ય માળખાં દૂર કરવાની કામગીરી કરવી પડી રહી છે.
કેટલાક સ્થળોએ માર્ગને વધુ પહોળો કરવાની જરૂર પડી છે, જ્યારે કેમુર જેવા વિસ્તારોમાં ફૂટ ઓવરબ્રિજ સહિતના માળખાં પણ કામચલાઉ રીતે દૂર કરવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરીમાં એન્જિનિયરો, પોલીસ અને NHAIની ટીમો સહિત 60થી વધુ લોકો સંકલન કરી રહ્યા હોવાનું જણાવાયું છે.
રસ્તા પર ‘બાહુબલી’ જોવા ઉમટી રહી છે ભીડ
વિશાળ ટ્રેલર, અસંખ્ય પૈડાં અને તેના પર લદાયેલું 200 ટનનું મશીન….આ સમગ્ર દૃશ્ય લોકો માટે કૌતુકનું કેન્દ્ર બન્યું છે. કાફલો જ્યાંથી પસાર થાય છે ત્યાં મોટી સંખ્યામાં લોકો તેને જોવા અને મોબાઇલમાં વીડિયો-ફોટા લેવા માટે એકત્રિત થઈ રહ્યા છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
શુગર મિલમાં શું કામ આવશે આ મહાકાય વેસલ?
આ ઔદ્યોગિક વેસલનો ઉપયોગ બલરામપુર ચીની મિલ્સના નવા બાયોપોલિમર/બાયોપ્લાસ્ટિક પ્રોજેક્ટ સાથે સંબંધિત ઔદ્યોગિક પ્રક્રિયામાં થવાનો છે. આવા રિએક્ટર વેસલ નિયંત્રિત તાપમાન અને દબાણ હેઠળ રાસાયણિક અથવા જૈવિક પ્રક્રિયાઓ માટે ઉપયોગમાં લેવાતા વિશાળ સીલબંધ ચેમ્બર હોય છે.
શેરડી આધારિત ઉદ્યોગોમાં ખાંડ ઉપરાંત મોલાસીસમાંથી ઇથેનોલ જેવા બાય-પ્રોડક્ટ્સનું ઉત્પાદન પણ થાય છે. આ પ્રકારની અદ્યતન ઔદ્યોગિક મશીનરી આવા પ્રોસેસિંગ પ્લાન્ટના મહત્વપૂર્ણ ઘટક તરીકે કામ કરે છે.
હાલ ‘બાહુબલી’ની યાત્રા ધીમી ગતિએ આગળ વધી રહી છે. જોકે, તેના અંતિમ ગંતવ્ય સુધી પહોંચવા માટેનો આ વિશાળ લોજિસ્ટિક્સ અભિયાન પોતે જ લોકો માટે એક અનોખું દૃશ્ય બની ગયું છે.
