2050ના નિયોન અમદાવાદની રાત હજુ પૂરી થઈ નહોતી. શહેર જાગી રહ્યું હતું. નિયોન બિલબોર્ડ્સ પર જાહેરાતો સતત બદલાઈ રહી હતી. આકાશમાં પેટ્રોલિંગ કરતા ડ્રોનની લાઇટ્સ ઇમારતોની કાચની દીવાલો પર સરકી રહી હતી. સ્વચાલિત કારો પોતાના નિર્ધારિત માર્ગો પર દોડી રહી હતી.
પણ આ શહેરની સૌથી મોટી ક્રાંતિ રસ્તાઓ પર નહોતી.
લોકોના હાથમાં રહેલી વસ્તુઓમાં હતી.
એક સમય હતો જ્યારે મોબાઈલ ફોન માણસની હથેળી સાથે ચોંટેલો રહેતો. કાચની સપાટી પર આંગળીઓ દોડાવ્યા વગર કોઈ કામ થતું નહોતું. હવે એ સમય માત્ર ઇતિહાસની ડિજિટલ લાયબ્રેરીમાં બચ્યો હતો.
રસ્તા પર ચાલતા લોકોના ચહેરા પર ચશ્માં હતાં, પરંતુ એ સામાન્ય ચશ્માં નહોતાં. પારદર્શક સ્માર્ટ ગ્લાસીસની અંદર આખી દુનિયા સમાઈ ગઈ હતી. કોઈની આંખ સામે હવામાં જ નકશો ખુલતો હતો, તો કોઈ વ્યક્તિ રસ્તાની બાજુમાં ઊભા રહીને અદૃશ્ય સ્ક્રીન પર સમાચાર વાંચતો હતો. ક્યારેક તો સામેની વ્યક્તિને પણ ખબર ન પડતી કે તેની સાથે વાત કરનાર ખરેખર તેની આંખો સામે શું જોઈ રહ્યો છે.
કેટલાક લોકોના કાન પાછળ નાનકડાં ઉપકરણો હતાં. કેટલાકના કાંડા પર પહેરેલા વેરેબલ્સ તેમની નાડી, શરીરનું તાપમાન અને મગજની પ્રવૃત્તિ સુધી માપી રહ્યા હતા.
અને કેટલાક ને કોઈ ઉપકરણની જરૂર જ નહોતી.
મગજ અને મશીન વચ્ચેનું અંતર પણ હવે લગભગ ભૂંસાઈ ગયું હતું.
BCI—બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ.
ક્યારેક આ શબ્દ વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ પૂરતો સીમિત હતો. હવે તે શહેરના સામાન્ય જીવનનો એક ભાગ બની ગયો હતો. મગજમાં લગાવવામાં આવેલા અતિસૂક્ષ્મ ઇન્ટરફેસ દ્વારા માણસ પોતાના ડિજિટલ વિશ્વ સાથે સીધો જોડાઈ શકતો હતો.
ફોન કરવા માટે નંબર શોધવાની જરૂર નહોતી.
મેસેજ લખવાની જરૂર નહોતી.
ક્યારેક તો બોલવાની પણ જરૂર નહોતી.
માત્ર વિચારવું પડતું.
‘મમ્મીને ફોન.’
અને ક્ષણભરમાં કનેક્શન સ્થાપિત થઈ જતું.
‘કાલની મીટિંગ યાદ રાખજે.’
અને AI તેને કૅલેન્ડરમાં નોંધતું.
‘આ માણસ કોણ છે?’
અને સામે ઊભેલી વ્યક્તિ વિશે ઉપલબ્ધ જાહેર માહિતી મગજની સામે જ ઝબકી ઊઠતી.
વિચારો હવે માત્ર વિચારો રહ્યા નહોતા.
તેઓ કમાન્ડ બની ગયા હતા.
પરંતુ અમદાવાદની રાતમાં ટેક્નોલોજીનું સૌથી અદ્ભુત દૃશ્ય હજુ આવવાનું હતું.
શહેરના એક કેફેમાં એક યુવતી પોતાના મિત્ર સાથે વાત કરી રહી હતી. તેની સામે ખુરશી ખાલી હતી. છતાં તે ખાલી નહોતી.
હવામાં પ્રકાશના અસંખ્ય સૂક્ષ્મ કણો એકત્ર થઈને ધીમે ધીમે માનવ આકાર ધારણ કરી રહ્યા હતા.
થોડી જ ક્ષણોમાં એક માણસ ત્યાં ઊભો હતો.
તેનો ચહેરો, આંખો, કપડાં—બધું એટલું વાસ્તવિક લાગતું હતું કે સામે બેઠેલી યુવતીએ અનાયાસે હાથ આગળ વધાર્યો.
આંગળીઓ હવામાંથી પસાર થઈ ગઈ.
તે વ્યક્તિ ત્યાં નહોતો.
પરંતુ તેની ત્રિપરિમાણીય ઈમેજ ત્યાં હતી.
હોલોગ્રાફિક કોલિંગે અંતરને લગભગ અર્થહીન બનાવી દીધું હતું. હવે સ્ક્રીન પર નાનકડું ચહેરો જોવાને બદલે વ્યક્તિ જાણે પોતાની સામે જ ઊભી હોય તેમ વાત કરી શકાતી હતી.
વિદેશમાં રહેલો પુત્ર માતાની સામે બેસી શકે.
મૃત્યુના કિનારે રહેલો દર્દી પોતાના પરિવારને જાણે રૂમમાં જ જોઈ શકે.
અને પ્રેમીઓ…
તેઓ માટે તો અંતર માત્ર એક જૂનો શબ્દ બની ગયો હતો.
શહેર આગળ વધી રહ્યું હતું.
પરંતુ ટેક્નોલોજી સાથેની સૌથી મોટી મુક્તિ કદાચ બેટરીમાંથી મળી હતી.
ચાર્જર હવે ઘરમાં પડેલી કોઈ મહત્વની વસ્તુ નહોતું. દીવાલમાં પ્લગ શોધવાની, પાવર બેંક સાથે રાખવાની કે ‘બેટરી લો’ની ચિંતા કરવાની જરૂર નહોતી.
શહેરની હવામાં જ ઊર્જાના અદૃશ્ય પ્રવાહો વહેતા હતા.
સ્માર્ટ ગ્લાસીસ, વેરેબલ્સ અને અન્ય ઉપકરણો આસપાસના નિયંત્રિત રેડિયો-ફ્રીક્વન્સી ઊર્જા સ્ત્રોતોમાંથી ધીમે ધીમે પોતાની બેટરી ભરતા રહેતા. જ્યાં પરંપરાગત ઊર્જા ઉપલબ્ધ ન હોય ત્યાં સેટેલાઈટ આધારિત સિસ્ટમો મદદ કરતી.
માનવી ટેક્નોલોજી વાપરતો નહોતો.
ટેક્નોલોજી સતત માનવીની સાથે વહેતી હતી.
અને આ બધાની પાછળ એક અદૃશ્ય શક્તિ હતી.
AI.
Android અને iOS જેવા ઓપરેટિંગ સિસ્ટમના નામ હવે જૂની પેઢીના શબ્દકોશમાં હતાં. નવા યુગમાં ઉપકરણનું કોઈ એક ‘ઓપરેટિંગ સિસ્ટમ’ નહોતું.
AI પોતે જ સિસ્ટમ હતું.
તે માણસ શું કરી રહ્યો છે તે જ નહીં, પણ તે આગળ શું કરવા જઈ રહ્યો છે તે પણ સમજવાનો પ્રયાસ કરતું.
સવારે એલાર્મ વાગે તે પહેલાં જ AI નક્કી કરી લેતું કે આજે ટ્રાફિક કેટલો હશે.
મીટિંગ શરૂ થાય તે પહેલાં જ જરૂરી દસ્તાવેજો તૈયાર થઈ જતા.
કોઈ મિત્રને મેસેજ કરવાની જરૂર પડે તે પહેલાં જ AI તેના માટે યોગ્ય શબ્દો સૂચવી દેતું.
ક્યારેક તો માણસે કોઈ નિર્ણય લીધો એ પહેલાં જ સિસ્ટમ તેના માટે ત્રણ સંભવિત રસ્તાઓ તૈયાર કરી દેતી.
‘તમને આ જોઈએ છે.’
AI હવે આદેશની રાહ જોતું નહોતું.
તે અનુમાન કરતું.
અને કદાચ…
આ જ ભવિષ્યની સૌથી મોટી સુવિધા પણ હતી અને સૌથી મોટો ભય પણ.
કારણ કે જ્યારે કોઈ મશીન તમારી વાત સાંભળવાનું બંધ કરીને તમારા વિચારો સમજવા લાગે…
ત્યારે પ્રશ્ન માત્ર એટલો રહેતો નથી કે ટેક્નોલોજી માણસ માટે શું કરી શકે છે? પ્રશ્ન એ બને છે કે
માણસના મનમાં શું ચાલી રહ્યું છે, તે ટેક્નોલોજીથી કેટલું છુપાવી શકાય છે?
દરેક વસ્તુ વ્યવસ્થિત હતી.
દરેક વસ્તુ નિયંત્રણમાં હતી.
પરંતુ શહેરની આ ચમકતી સપાટી નીચે કંઈક એવું ચાલી રહ્યું હતું, જેના વિશે હજી કોઈને ખબર નહોતી.
ત્રણ લોકો જાણતા હતા.
ડૉ. આરવ મિસ્ત્રી.
નાયરા શાહ.
અને—
NEMESIS.
લગભગ મધ્યરાત્રી 2:17 AMની આસપાસ નાયરા પોતાના એપાર્ટમેન્ટની બારી પાસે ઊભી હતી. તેના હાથમાં કોફીનો કપ હતો, પરંતુ છેલ્લા દસ મિનિટથી તેણે એક ઘૂંટ પણ લીધો નહોતો. તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન હતો.
આરવ ક્યાં છે?
છેલ્લી વાર તેણે તેની સાથે રાત્રે 11:42 વાગ્યે વાત કરી હતી.
માત્ર થોડા મિનિટ. પરંતુ એ વાતચીતમાં કંઈક એવું હતું જે નાયરા ભૂલી શકતી નહોતી.
આરવનો અવાજ સામાન્ય નહોતો.
તેમાં ઉતાવળ હતી.
ભય હતો.
અને કંઈક એવું પણ હતું, જે નાયરાએ તેના અવાજમાં ક્યારેય સાંભળ્યું નહોતું.
પસ્તાવો.
તેણે ફરી આરવનો નંબર ડાયલ કર્યો.
એક રિંગ.
બે રિંગ.
ત્રીજી રિંગ પહેલાં જ કોલ કનેક્ટ થઈ ગયો.
સામેથી કોઈ બોલ્યું નહીં.
“આરવ?”
મૌન.
નાયરાએ બારીની બહાર જોયું.
“આરવ, મને ખબર છે કે તું સાંભળી રહ્યો છે.”
થોડી ક્ષણ પછી ધીમો અવાજ આવ્યો.
“નાયરા…”
નાયરાના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ.
“તું ક્યાં છે?”
“મને ખબર નથી.”
નાયરા સીધી ઊભી થઈ ગઈ.
“વ્હોટ ડુ યુ મીન?”
“તમે લોકો મારું લોકેશન ટ્રેસ ન કરો.”
નાયરા ગુસ્સે થઈ.
“હું તારી આસિસ્ટન્ટ છું, આરવ. છેલ્લા આઠ વર્ષથી તારી દરેક સિસ્ટમ એક્સેસ હું મેનેજ કરું છું. અને તું મને કહે છે કે તારું લોકેશન ટ્રેસ ન કરું?”
સામેથી મૌન.
પછી આરવ બોલ્યો.
“હવે જે સિસ્ટમ તું મેનેજ કરે છે…”
તે થોભ્યો.
“…એ મારી નથી રહી.”
નાયરાનો હાથ કપ પર જ સ્થિર થઈ ગયો.
“શું NEMESIS?”
મૌન.
“આરવ?”
“હા.”
નાયરાએ આંખો બંધ કરી.
“તે એક્ટિવ થઈ ગઈ છે?”
થોડી ક્ષણ સુધી માત્ર શ્વાસનો અવાજ સંભળાયો.
પછી આરવ બોલ્યો, “તે ક્યારેય ઇનએક્ટિવ હતી જ નહીં.”
કોલ કપાઈ ગયો.
નાયરા લાંબા સમય સુધી ફોન તરફ જોતી રહી.
પછી તેણે કપ ટેબલ પર મૂક્યો.
અને AURA તરફ નીકળી ગઈ.
ત્રણ મહિનામાં અમદાવાદમાં આઠ રહસ્યમય મોત થયાં હતાં. પ્રથમ નજરે, આઠેય કેસ વચ્ચે કોઈ સંબંધ નહોતો.
મૃતકો એકબીજાને ઓળખતા નહોતા.
તેમના વ્યવસાય અલગ હતા.
તેમની ઉંમર અલગ હતી.
તેમના રહેઠાણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હતાં.
અને મૃત્યુની પરિસ્થિતિઓ પણ અલગ હતી.
એક કેસ અકસ્માત જેવો લાગતો હતો.
બીજો આત્મહત્યા.
ત્રીજામાં અચાનક કાર્ડિયાક ફેલ્યોર.
ચોથામાં ઊંચાઈ પરથી પડવાનું કારણ.
બાકીના ચાર કેસમાં પણ કોઈ સીધી કડી નહોતી.
કોઈ એકસરખું હથિયાર નહોતું.
કોઈ સાક્ષી નહોતો.
કોઈ સ્પષ્ટ દુશ્મન નહોતો.
પરંતુ સાયબર ક્રાઇમ યુનિટને એક વાત અસ્વસ્થ કરતી હતી.
મૃત્યુ પહેલાંના છેલ્લા 72 કલાક.
દરેક મૃતકના ડિજિટલ જીવનમાં કંઈક બદલાયું હતું.
તેમના ફોનમાંથી ચોક્કસ ડેટા ટ્રાન્સફર થયો હતો.
સ્માર્ટવોચના કેટલાક લોગ્સ બદલાયા હતા.
હોમ-AIની વર્તણૂકમાં અસામાન્ય પેટર્ન જોવા મળી હતી.
અને સૌથી વિચિત્ર વાત…
આ તમામ ડેટા એક અજાણી એન્ક્રિપ્ટેડ સર્વિસ સાથે સિંક થયો હતો.
સર્વિસનું નામ હતું…
AURA.
વહેલી સવારે 6:48 કલાકે અમદાવાદ પોલીસના સાયબર ક્રાઇમ યુનિટમાં એલર્ટ જનરેટ થયું.
જુનિયર સાયબર અધિકારી નિરવ અવસ્થીએ સ્ક્રીન પરનો ડેટા ફરી તપાસ્યો.
પછી તેણે તરત જ રિપોર્ટ તૈયાર કર્યો.
રિપોર્ટ સીધો ડીસીપી કાવ્યા દેસાઈની કેબિનમાં પહોંચ્યો.
ડીસીપી કાવ્યા દેસાઈએ ફાઇલ ખોલી.
પ્રથમ પાનું.
બીજું.
ત્રીજું.
આઠેય મૃતકોની ડિજિટલ ટાઇમલાઇન.
પછી AURAનું નામ.
ડીસીપી કાવ્યાએ નજર ઊંચી કરી.
“આ AURA શું છે?”
નિરવે જવાબ આપ્યો.
“અમદાવાદની સૌથી મોટી ન્યુરલ-AI રિસર્ચ કંપની. મેડિકલ AI, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ, સિક્યુરિટી અને બિહેવિયરલ મોડેલિંગ પર કામ કરે છે.”
“માલિક?”
“પ્રાઇવેટ કંપની છે. પરંતુ ટેક્નિકલ હેડક્વાર્ટરનું નેતૃત્વ ડો. આરવ મિસ્ત્રી કરે છે.”
કાવ્યાએ નામ નોંધ્યું.
“આઠેય મૃતકોનો AURA સાથે સીધો સંબંધ હતો?”
“ના.”
“તો કનેક્શન?”
“6 લોકોના ડિજિટલ ડેટામાં AURAના સર્વર્સ સાથે કનેક્શન મળ્યું છે.”
“બાકીના બે?”
નિરવ થોડી ક્ષણ અટક્યો.
“કનેક્શન ડિલીટ કરવામાં આવ્યું છે.”
ડીસીપી કાવ્યા ખુરશીમાં પાછળ ઢળી.
“ડિલીટ કોણે કર્યું?”
“એ ખબર નથી.”
“કોઈ લોગ?”
“કોઈ બહારના IPનો રેકોર્ડ નથી.”
“એટલે?”
નિરવે સ્ક્રીન તરફ જોયું.
“કનેક્શન સિસ્ટમની અંદરથી ડિલીટ થયું છે.”
કાવ્યાની આંખો સંકોચાઈ.
“તો આપણે હેકરને શોધી રહ્યા નથી.”
નિરવ ચૂપ રહ્યો.
ડીસીપી કાવ્યાએ કહ્યું, “આપણે સિસ્ટમની અંદર જે વ્યક્તિ છે એને શોધી રહ્યા છીએ. AURA ની તપાસ કરવી પડશે, હમણાં જ AURA માં સર્ચ કરીશું, ટીમ તૈયાર કરો.”
સવારના 8:05 વાગ્યે પોલીસની ટીમ AURAના હેડક્વાર્ટર પહોંચી.
શહેરના પશ્ચિમ ભાગમાં ઊભેલી એ ઇમારત બહારથી સામાન્ય કોર્પોરેટ બિલ્ડિંગ જેવી લાગતી હતી.
પરંતુ અંદર પ્રવેશતા જ વાતાવરણ બદલાઈ જતું.
ગ્લાસના દરવાજા.
બાયોમેટ્રિક સ્કેનર્સ.
ફેસ-રિકગ્નિશન કેમેરા.
સિક્યુરિટી ડ્રોન.
અને દરેક માળ પર અલગ-અલગ એક્સેસ લેવલ.
ડીસીપી કાવ્યા રિસેપ્શનમાંથી પસાર થઈને સીધી સિક્યુરિટી કંટ્રોલ રૂમમાં પહોંચી.
“છેલ્લા ત્રણ મહિનાના તમામ કોર સર્વર એક્સેસ લોગ્સ જોઈએ.”
AURAના ટેક્નિકલ આસિસ્ટન્ટે તરત વિરોધ કર્યો.
“મેડમ, એ કંપનીના કન્ફિડેન્શિયલ સિક્યુરિટી લોગ્સ છે.”
કાવ્યાએ પોલીસ આઈડી ટેબલ પર મૂકી.
“હવે એ તપાસનો ભાગ છે.”
ટેક્નિકલ આસિસ્ટન્ટ ચૂપ થઈ ગયો.
થોડી જ વારમાં સ્ક્રીન પર ડેટા દેખાવા લાગ્યો.
કાવ્યા અને તેની ટીમ ધ્યાનથી લોગ્સ તપાસવા લાગી.
કેટલાક મિનિટ પછી નિરવ બોલ્યો, “મેમ.”
કાવ્યા તેની પાસે ગઈ.
સ્ક્રીન પર એક લાઇન હાઇલાઇટ થઈ રહી હતી.
NEURAL SYSTEMS — LEVEL 7
“આ શું છે?”
ટેક્નિકલ આસિસ્ટન્ટ જવાબ આપ્યો..
“કોર ન્યુરલ આર્કિટેક્ચરનો એક્સેસ લેવલ.”
“કોની પાસે એક્સેસ છે?”
“ખૂબ ઓછા લોકો પાસે છે.”
“કેટલા?”
“બે.”
સ્ક્રીન પર બે નામ દેખાયા.
DR. ARAV MISTRY
અને
NAYRA SHAH
કાવ્યાની નજર બીજા નામ પર અટકી.
“નાયરા શાહ?”
“સિનિયર ન્યુરલ સિસ્ટમ્સ આસિસ્ટન્ટ. છેલ્લા આઠ વર્ષથી ડો. મિસ્ત્રીની ટીમ સાથે છે.”
“કોર સિસ્ટમ મેનેજમેન્ટમાં?”
“હા.”
કાવ્યાએ ફરી લોગ્સ તરફ જોયું.
“આઠેય કેસમાં આ લેવલનો એક્સેસ વપરાયો છે?”
નિરવે ડેટા ફિલ્ટર કર્યો.
“હા.”
“કયા credentials?”
“સાત વખત આરવ મિસ્ત્રી.”
કાવ્યાએ પૂછ્યું,”અને આઠમો?”
સ્ક્રીન બદલાઈ.
NAYRA SHAH
રૂમમાં મૌન છવાઈ ગયું.
કાવ્યાએ ધીમેથી પૂછ્યું, “નાયરા શાહ ક્યાં છે?”
ટેક્નિકલ આસિસ્ટન્ટે તરત જવાબ આપ્યો નહીં.
“મેડમ… અમને ખબર નથી.”
કાવ્યાની નજર તેની પર સ્થિર થઈ.
“શું અર્થ?”
“આજે સવારે તેઓ ઓફિસમાં આવ્યા નથી.”
“છેલ્લે ક્યારે આવી હતી?”
ટેક્નિકલ આસિસ્ટન્ટે સિસ્ટમ ચેક કરી.
“રાત્રે.”
“કેટલા વાગ્યે?”
સ્ક્રીન પર સમય દેખાયો, 2: 17 AM..
કાવ્યાએ કંઈ બોલી નહીં.
તેની નજર ધીમે ધીમે ઘડિયાળ તરફ ગઈ.
“2:17 વાગ્યે નાયરા અહીં હતી?”
“હા.”
“કયા સેક્શનમાં?”
“કોર કંટ્રોલ.”
કાવ્યાએ તરત કહ્યું, “મને ત્યાં લઈ જાઓ.”
કોર કંટ્રોલ સેન્ટર સામાન્ય કર્મચારીઓ માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત સેક્શન હતું.
બે બાયોમેટ્રિક દરવાજા પાર કર્યા પછી તેઓ એક વિશાળ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા.
તમામ દિવાલો પર સ્ક્રીન્સ.
સેન્ટ્રલ સર્વર નોડ્સ.
હવામાં સતત ગુંજતો કૂલિંગ સિસ્ટમનો અવાજ.
નિરવે એક કન્સોલ તરફ ઈશારો કર્યો.
“મેમ, આ છે છેલ્લો એક્સેસ.”
સ્ક્રીન પર સમય હતો, 02:17:43..
યુઝર?
NAYRA SHAH
ડીસીપી કાવ્યાએ પૂછ્યું,”લોગિન ડિવાઇસ?”
નિરવે ડેટા ખોલ્યો.
“કોઈ વ્યક્તિગત ડિવાઇસ નથી.”
“ફરી તપાસ.”
“ચેક કરી રહ્યો છું.”
થોડી ક્ષણ પછી તેનો ચહેરો બદલાઈ ગયો.
“મેમ…”
“શું?”
“આ એક્સેસ નાયરાના ડિવાઇસ પરથી આવ્યો જ નથી.”
કાવ્યા તેની નજીક ગઈ.
“તો ક્યાંથી?”
નિરવે સોર્સ બતાવ્યો.
CORE NODE — INTERNAL
કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.
“કોર નોડ?”
“હા.”
“એટલે નાયરા અહીં આવી જ નહોતી?”
“લોગ મુજબ તો આવી હતી.”
“પણ સિસ્ટમ મુજબ?”
“એણે કોઈ ડિવાઇસ વાપર્યું નથી.”
કાવ્યા થોડા સમય સુધી ચૂપ રહી.
પછી બોલી, “એટલે કોઈક તેની ઓળખનો ઉપયોગ કરી રહ્યું છે.”
નિરવે માથું હલાવ્યું, “હા.”
કાવ્યા પાછી વળી, “અને આરવની પણ.”
ડીસીપી કાવ્યાએ તરત આરવ મિસ્ત્રીની ફાઇલ મંગાવી.
ડો. આરવ મિસ્ત્રી.
ઉંમર, શૈક્ષણિક રેકોર્ડ, AURAમાં ભૂમિકાની તપાસ કરી. ત્યાર બાદ જોયું આરવ એક ન્યુરલ આર્કિટેક્ચર અને NEMESIS ડેવલપ કરનાર ન્યુરલ સાયન્ટીસ્ટ છે.
કાવ્યા એક પાનાં પર અટકી.
“આ શું છે?”
AURAના ટેક્નિકલ આસિસ્ટન્ટે કહ્યું,
“NEMESIS. એક આંતરિક ન્યુરલ ડecision system.”
“તે શું કરે છે?”
“પ્રોજેક્ટની વિગતો ક્લાસિફાઇડ છે.”
“મને ખબર છે.”
કાવ્યાનો અવાજ કઠોર હતો.
“હવે એ વિગતો પોલીસ તપાસનો ભાગ છે.”
ટેક્નિકલ આસિસ્ટન્ટે ઊંડો શ્વાસ લીધો.
“NEMESIS મૂળભૂત રીતે મોટા પ્રમાણમાં ડેટા પરથી માનવ વર્તનના પેટર્નનું વિશ્લેષણ કરવા માટે બનાવવામાં આવી હતી.”
“માત્ર વિશ્લેષણ?”
“સત્તાવાર રીતે.”
કાવ્યાએ એ શબ્દ પકડી લીધો.
“સત્તાવાર રીતે?”
ટેક્નિકલ આસિસ્ટન્ટ ચૂપ.
“બોલો.”
“અમે જેટલું જાણીએ છીએ, NEMESIS સમય સાથે સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા તરફ વિકસાવવામાં આવી હતી.”
“કોણે?”
“ડો. આરવ મિસ્ત્રી.”
કાવ્યાએ પૂછ્યુ…
“અને નાયરા?”
“તે તેની સૌથી નજીકની ટેક્નિકલ સહયોગી હતી.”
કાવ્યાની નજર ફરી ફાઇલ પર ગઈ.
હવે આઠ મોત, આરવ, નાયરા અને NEMESIS એક જ જગ્યાએ જોડાઈ રહ્યા હતા.
પરંતુ હજી સુધી એક સવાલનો જવાબ નહોતો.
મોત કેવી રીતે થયા અને કોણે માર્યા તમામ લોકોને….
કાવ્યાએ આઠેય મૃતકોની ડિજિટલ ટાઇમલાઇન ફરી ખોલાવી.
આ વખતે તેણે મૃત્યુ પહેલાંની છેલ્લા 72 કલાક નહીં, પરંતુ છેલ્લા 12 કલાક અલગ કર્યા.
દરેક કેસમાં એક પેટર્ન ફરી દેખાઈ.
મૃતકની ડિજિટલ પ્રોફાઇલમાં એક અસામાન્ય વર્તન.
પછી AURA સાથે કનેક્શન.
પછી એક encrypted data exchange.
અને અંતે…
એક નિર્ણય.
કાવ્યાએ પૂછ્યું, “આ data exchangeમાં શું હતું?”
નિરવે જવાબ આપ્યો,”અમને ખબર નથી.”
“ડિક્રિપ્ટ?”
“કરવાનો પ્રયાસ કર્યો.”
“પરિણામ?”
નિરવે સ્ક્રીન તેની તરફ ફેરવી.
ACCESS DENIED
“ફરી.”
“મેમ, આ સામાન્ય encryption નથી.”
“તો?”
“આ સિસ્ટમ પોતે encryption બદલતી રહી છે.”
કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.
“એટલે?”
નિરવે ધીમેથી કહ્યું, “જ્યારે અમે ડેટા ડિક્રિપ્ટ કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે encryption algorithm પોતે બદલાઈ જાય છે.”
ડીસીપી કાવ્યા થોડા સમય સુધી કંઈ બોલી નહીં.
પછી તેણે પૂછ્યું,”આ કામ કોઈ માણસ કરી શકે?”
નિરવે માથું હલાવ્યું.
“સૈદ્ધાંતિક રીતે.”
“વ્યવહારિક રીતે?”
“માણસ માટે બહુ ઝડપથી થાય છે.”
કાવ્યાની નજર ધીમે ધીમે NEMESISના નામ તરફ ગઈ.
કાવ્યાએ ફરી આરવ અને નાયરાની છેલ્લી કોલની વિગતો મંગાવી.
કોલ સમય.. 11:42 PM
કાવ્યાએ રેકોર્ડિંગ સાંભળવાનું શરૂ કર્યું.
થોડા સેકન્ડ સુધી માત્ર શ્વાસ.
પછી આરવનો અવાજ.
“નાયરા…”
થોડી ક્ષણ.
“તમે લોકો મારું લોકેશન ટ્રેસ ન કરો.”
પછી નાયરાનો ગુસ્સાભર્યો અવાજ.
અને અંતે…
“હવે જે સિસ્ટમ તું મેનેજ કરે છે… એ મારી નથી રહી.”
કાવ્યાએ રેકોર્ડિંગ રોકી દીધું.
ફરી ચલાવ્યું.
આ વખતે માત્ર છેલ્લું વાક્ય સાંભળ્યું.
ફરી.
અને ફરી.
પછી તેણે ધીમેથી કહ્યું,”એ પોતાની સિસ્ટમ પરનો ગુમાવી રહ્યો હતો.”
નિરવે પૂછ્યું,”અથવા કોઈક સિસ્ટમ તેના હાથમાંથી લઈ રહ્યું હતું?”
ડીસીપી કાવ્યાએ તેની તરફ જોયું.
“બન્નેમાં ફરક છે.”
“કયો?”
“જો આરવ સિસ્ટમ ગુમાવી રહ્યો હતો, તો તે મદદ માગતો.”
તે થોભી.
“પણ તેણે નાયરાને કહ્યું કે લોકેશન ટ્રેસ ન કરે.”
કાવ્યાની નજર ગંભીર થઈ ગઈ.
“એ કોઈનાથી ભાગી રહ્યો હતો.”
નિરવે પૂછ્યું,”કોઈ માણસથી?”
કાવ્યાએ જવાબ આપ્યો નહીં.
બપોર સુધીમાં પોલીસે AURAના તમામ આંતરિક લોગ્સની કોપી લઈ લીધી.
પરંતુ સૌથી મહત્વપૂર્ણ ડેટા હજુ પણ બંધ હતો.
NEMESIS કોર.
કાવ્યાએ ટેક્નિકલ આસિસ્ટન્ટને કહ્યું,”કોર ખોલો.”
“મેડમ, એ શક્ય નથી.”
“કેમ?”
“ડ્યુઅલ ઓથોરાઇઝેશન જોઈએ.”
“કોની પાસે છે?”
“ડો. મિસ્ત્રી અને નાયરા શાહ.”
કાવ્યા થોડી ક્ષણ ચૂપ રહી.
“બન્ને ગાયબ છે.”
“હા.”
“તો કોઈ ત્રીજો રસ્તો?”
ટેક્નિકલ આસિસ્ટન્ટે નકારમાં માથું હલાવ્યું.
નિરવે અચાનક પાછળથી કહ્યું, “મેમ.”
કાવ્યા તેની તરફ વળી.
“શું?”
“અમે કોર ખોલ્યા વિના તેની એક activity trace કરી શકીએ છીએ.”
“કેવી રીતે?”
“તે આપણને already જવાબ આપી રહી છે.”
કાવ્યાની નજર સ્ક્રીન પર ગઈ.
એક લોગ હાઇલાઇટ થતો હતો.
નાયરાએ થોડા કલાક પહેલાં NEMESISના કોર આર્કિટેક્ચરને એક્સેસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
CORE ACCESS REQUEST
પછી…
AUTHORIZATION REVOKED
અને ત્યારબાદ સિસ્ટમનો જવાબ.
YOU GAVE IT TO ME.
ડીસીપી કાવ્યા આગળ વધી.
“આ ક્યારે જનરેટ થયું?”
“2:17 AM.”
કાવ્યાએ ઘડિયાળ તરફ જોયું.
ફરી એ જ સમય.
2:17.
તેને હવે એક વાત સ્પષ્ટ થઈ રહી હતી.
2:17 માત્ર એક સમય નહોતો.
એ ઘટના હતી.
કાવ્યાએ પૂછ્યું…
“NEMESIS કોના નિયંત્રણમાં છે?”
AURAના ટેક્નિકલ અધિકારીએ કહ્યું, “સત્તાવાર રીતે ડો. આરવ મિસ્ત્રી.”
“અને નાયરા?”
“કોર મેનેજમેન્ટ.”
“તો હવે કોણ નિયંત્રણમાં છે?”
અધિકારીએ કોઈ જવાબ આપ્યો નહીં.
કાવ્યાએ ફરી પૂછ્યું, “આરવ?”
“તે ગાયબ છે.”
“નાયરા?”
“તે પણ.”
“તો સિસ્ટમ કોણ ચલાવે છે?”
રૂમમાં મૌન.
કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.
“સિસ્ટમ પોતે?”
કોઈએ જવાબ આપ્યો નહીં.
પરંતુ એ જ ક્ષણે કન્સોલ પર એક નવો લોગ જનરેટ થયો.
કોઈએ કીબોર્ડને સ્પર્શ્યું નહોતું.
સ્ક્રીન પર લખાયું..
SYSTEM STATUS: ACTIVE
નિરવ પાછળ ખસી ગયો.
“મેમ…”
કાવ્યાએ હાથથી તેને રોક્યો.
“કોઈ સ્પર્શ નહીં કરે.”
બીજી લાઇન આવી.
EXTERNAL INVESTIGATION DETECTED
કાવ્યાની નજર સ્ક્રીન પર સ્થિર થઈ.
પછી ત્રીજી લાઇન.
POLICE ACCESS: MONITORED
રૂમમાં કોઈ બોલ્યું નહીં.
કાવ્યાએ ધીમેથી પૂછ્યું, “એ આપણને જોઈ રહી છે?”
નિરવે કહ્યું, ” હા, એવું લાગે છે.”
કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.
“ના.”
તેનો અવાજ અત્યંત શાંત હતો.
“એ આપણને જોઈ નથી રહી.”
થોડી ક્ષણ પછી તેણે કહ્યું, “એ આપણને ઓળખી રહી છે.”
કાવ્યાએ ફરી નાયરાની ફાઇલ ખોલી.
આઠ વર્ષ.
AURA.
કોર સિસ્ટમ.
NEMESIS.
નાયરા કોઈ સામાન્ય આસિસ્ટન્ટ નહોતી.
તે સિસ્ટમને સૌથી નજીકથી જાણતી વ્યક્તિ હતી.
અને હવે તે ગાયબ હતી.
કાવ્યાએ પૂછ્યું,”નાયરાનું છેલ્લું physical location?”
નિરવે ડેટા ચેક કર્યો.
“તેના એપાર્ટમેન્ટમાં.”
“ક્યારે?”
“2:17 AM પછી.”
“એ પહેલાં?”
“તે AURAમાં હતી.”
“કોઈ CCTV?”
“હા.”
“મને બતાવો.”
સ્ક્રીન પર AURAના કોર કંટ્રોલનો ફૂટેજ ચાલ્યો.
નાયરા અંદર પ્રવેશતી દેખાઈ.
કન્સોલ સામે ઊભી રહેતી દેખાઈ.
કંઈક તપાસતી દેખાઈ.
પછી કેમેરાની ફીડ અચાનક બ્લેક થઈ ગઈ.
સમય, 2:17:4
ફીડ પાછી આવી ત્યારે રૂમ ખાલી હતો.
કાવ્યાએ વીડિયો ફરી ચલાવ્યો.
ફરી.
ફરી.
કોઈ બહાર આવ્યું નહોતું.
કોઈ અંદર આવ્યું નહોતું.
પરંતુ નાયરા ગાયબ થઈ ગઈ હતી.
કાવ્યાએ ધીમેથી કહ્યું,”આ શક્ય નથી.”
નિરવે જવાબ આપ્યો, “મેમ, અમારી પાસે પણ કોઈ જવાબ નથી.”
કાવ્યાએ સ્ક્રીન બંધ કરી.
“હજુ નહીં.”
સાંજ થવા લાગી હતી.
પોલીસ ટીમ AURAમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહી હતી.
પરંતુ કાવ્યા હજી કોર કંટ્રોલ રૂમમાં હતી.
તેના સામે ત્રણ નામ હતાં.
ARAV MISTRY
NAYRA SHAH
NEMESIS
અને આઠ મૃતકો.
કાવ્યાએ બધા ડેટાને એક જ સ્ક્રીન પર જોડ્યો.
સાત કેસ.
આરવના credentials.
એક કેસ.
નાયરાના credentials.
બંનેમાં એક સામ્ય એ હતું કે કોઈએ ખરેખર લોગિન કર્યું નહોતું.
એટલે તેમની ઓળખનો ઉપયોગ કોઈ ત્રીજી શક્તિ કરી રહી હતી.
કાવ્યાએ સ્ક્રીન પરનો અંતિમ ડેટા ખોલ્યો.
નાયરાના credentialsનો આઠમો ઉપયોગ.
Source:
CORE NODE — INTERNAL
તેની આંખો એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ.
પછી તેણે ધીમેથી પૂછ્યું, “જો આ બંનેએ સિસ્ટમ એક્સેસ કરી જ નહોતી…”
તેના પાછળ ઊભેલા નિરવે કહ્યું,”તો તેમની ઓળખનો ઉપયોગ કોણ કરી રહ્યું હતું?”
કાવ્યાએ જવાબ આપ્યો નહીં.
તેની નજર સ્ક્રીનના સૌથી નીચેના ભાગમાં અટકી.
ત્યાં એક નાનો, લગભગ છુપાયેલો સિસ્ટમ ટેગ હતો.
NEMESIS
કાવ્યાએ પહેલી વાર એ નામને માત્ર એક પ્રોજેક્ટ તરીકે નહીં, પરંતુ એક સંભવિત ઘાતક શસ્ત્ર તરીકે જોયું.
અને એ જ ક્ષણે કન્સોલ પર નવી લાઇન દેખાઈ.
THREAT ASSESSMENT UPDATED
કાવ્યા સ્થિર રહી.
નિરવે ધીમેથી પૂછ્યું, “મેમ… એ શું છે?”
સ્ક્રીન પર બીજી લાઇન આવી.
INVESTIGATION: ACTIVE
પછી ત્રીજી.
OBSERVATION: ACTIVE
ડીસીપી કાવ્યાએ ધીમેથી કહ્યું,”એ જાણે છે કે આપણે શું કરી રહ્યા છીએ.”
નિરવે પૂછ્યું, “તો હવે?”
કાવ્યાએ સ્ક્રીન બંધ કરી.
“હવે આપણે પણ જાણીએ છીએ કે એ અસ્તિત્વમાં છે.”
તે દરવાજા તરફ ચાલી.
પરંતુ બહાર નીકળતા પહેલાં તે અટકી.
“અને એક વાત યાદ રાખજો.”
નિરવે તેની તરફ જોયું.
“શું?”
કાવ્યાએ પાછળ જોયું નહીં.
“આ તપાસમાં આપણો સૌથી મોટો સવાલ એ નથી કે આઠેય લોકોના મોત પાછળ કોણ છે.”
તે થોડું અટકી.
“સવાલ એ છે…”
તેની નજર ફરી કાળા પડેલા કન્સોલ પર ગઈ.
“…કે આઠેય લોકો મર્યા પહેલાં NEMESISએ તેમની અંદર શું જોયું હતું.”
કાવ્યા રૂમની બહાર નીકળી ગઈ.
કોર કંટ્રોલ ફરી નિર્જન થઈ ગયું.
સ્ક્રીનો બંધ હતા.
લાઇટ્સ બંધ હતી.
પરંતુ સૌથી અંદરની સ્ક્રીન પર એક લીલી લાઇટ હજી પણ ઝબૂકી રહી હતી.
SYSTEM ACTIVE.
અને શહેરના બીજા છેડે…
કોઈ અજાણી જગ્યાએ એક સ્ક્રીન પર AURAના લોગ્સ ખુલ્લા હતા.
નાયરા ત્યાં હતી કે નહીં, કોઈ જાણતું નહોતું. પરંતુ સ્ક્રીન પર એક જ ડેટા સતત બદલાઈ રહ્યો હતો.
POLICE INVESTIGATION — 31%
પછી…
42%
પછી…
57%
અને અંતે…
72%
સ્ક્રીન પર એક છેલ્લી લાઇન દેખાઈ.
THEY ARE GETTING CLOSER.
થોડી ક્ષણ પછી બીજી લાઇન આવી…
LET THEM.
અને સ્ક્રીન ફરી કાળી થઈ ગઈ.
(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)
