વડોદરાની માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો વિજય: સતીશ પટેલે 30,630 મતોથી કોંગ્રેસને હરાવી

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ભાજપના ઉમેદવાર સતેન્દ્રભાઈ પટેલ (સતીશ પટેલ) એ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,630 મતના જંગી અંતરથી પરાજય આપીને જીત નોંધાવી છે.

માંજલપુર બેઠક પર કુલ 20 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરી દરમિયાન શરૂઆતથી જ ભાજપે મજબૂત લીડ જાળવી રાખી હતી. પાંચમા રાઉન્ડના અંતે જ ભાજપના ઉમેદવાર સતીશ પટેલને 15,981 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 6,104 મત મળ્યા હતા, જેના કારણે ભાજપે શરૂઆતથી જ સ્પષ્ટ સરસાઈ મેળવી લીધી હતી.

માંજલપુર બેઠક ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી યોગેશ પટેલના અવસાન બાદ ખાલી પડી હતી. તેમના નિધનને કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.

આ પેટાચૂંટણી માટે 260 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું, જેમાં કુલ 37.5 ટકા મતદાન નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે માંજલપુર બેઠક ભાજપનો પરંપરાગત ગઢ રહી છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલે 2012, 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં સતત જીત મેળવી હતી. ખાસ કરીને 2022ની ચૂંટણીમાં ભાજપે એક લાખથી વધુ મતની લીડ સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો. હવે પેટાચૂંટણીમાં પણ ભાજપે પોતાની જીતની પરંપરા જાળવી રાખી છે અને સતીશ પટેલે મોટી સરસાઈ સાથે બેઠક પર ભગવો લહેરાવ્યો છે.