PM મોદીની અપીલનો સુરતમાં પડઘો : મહાનગરપાલિકા કરશે કાર શેરિંગ, 600 ઈલેક્ટ્રિક બસો દોડાવવાની તૈયારી

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા પેટ્રોલ-ડીઝલની બચત અને પર્યાવરણ સંરક્ષણ અંગે કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં રાખીને સુરત મનપાએ હવે વિવિધ વિભાગોમાં કાર શેરિંગની અમલવારી શરૂ કરવાની તૈયારી હાથ ધરી છે.

મનપા કમિશનર એમ.નાગરાજનના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ હવે અલગ-અલગ વાહનોમાં મુસાફરી કરવાની જગ્યાએ એક જ કારમાં ચાર અધિકારીઓ સાથે મુસાફરી કરશે. આ પગલાંથી ઇંધણનો ખર્ચ ઘટાડવામાં મદદ મળશે તેમજ ટ્રાફિક અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

આ ઉપરાંત શહેરના જાહેર પરિવહનને સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત બનાવવા માટે આગામી સમયમાં આશરે 600 નવી ઈલેક્ટ્રિક બસો શરૂ કરવાની યોજના બનાવાઈ રહી છે. શહેરના તમામ BRTS રૂટ પર ઈલેક્ટ્રિક વાહનો આધારિત પરિવહન વ્યવસ્થાને વધુ વેગ આપવા માટે પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

મનપા દ્વારા ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતી ગાડીઓમાં પણ હવે ઈલેક્ટ્રિક વાહનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ નિર્ણયોથી મનપાના ઇંધણ પાછળ થતા કરોડો રૂપિયાના ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણની જાળવણીમાં પણ મોટી મદદ મળશે.

મનપા કમિશનર એમ. નાગરાજને જણાવ્યું કે,“પ્રધાનમંત્રીની ઇંધણ બચત અને ગ્રીન એનર્જી અંગેની અપીલને અનુસરી સુરત મનપા દ્વારા વિવિધ સ્તરે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનો અને કાર શેરિંગ દ્વારા ખર્ચમાં ઘટાડા સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ શક્ય બનશે.”

સુરત મનપાની આ પહેલને શહેરને “ગ્રીન સુરત” અને “સ્વચ્છ સુરત” બનાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.