છિ-છિ નસીમિયત…થૂ-થૂ મુલ્લાઈયત….સમાજના બે દ્રષ્ટિકોણ, નસીમિયત અને મુલ્લાઈયત શું છે?

છેલ્લા કેટલાક સમયમાં સમાજની અંદર ઉદ્ભવેલા કેટલાક વર્તણૂકીયા પ્રચાર અને માનસિકતાઓને લોકો પોતાના શબ્દોમાં ઓળખ આપતા થયા છે. “નસીમિયત” અને “મુલ્લાઈયત” એવા જ બે શબ્દો છે, જે કોઈ ઔપચારિક સામાજિક વિજ્ઞાનના ટર્મ નથી, પરંતુ  લોકો દ્વારા બનાવાયેલા પ્રતીકાત્મક શબ્દો છે. આ બંને શબ્દોનો ઉપયોગ હાલ સામાન્ય રીતે ટીકા, વ્યંગ્ય અને અસંતોષ વ્યક્ત કરવા માટે થાય છે.

શું છે નસીમિયત?

સૌપ્રથમ “નસીમિયત” વિશે વાત કરીએ. નસીમિયત મૂળભૂત રીતે એક એવી માનસિકતા દર્શાવે છે જેમાં વ્યક્તિ પોતાના સ્વાર્થને સર્વોચ્ચ સ્થાન આપે છે. આવા લોકો સંબંધો અને સામાજિક જોડાણોને એક સાધન તરીકે જુએ છે, અંતિમ લક્ષ્ય તરીકે નહીં. જ્યાં સુધી કોઈ વ્યક્તિ કે જૂથથી ફાયદો મળે છે, ત્યાં સુધી તે સાથે નજીક રહેવું, સહકાર આપવો અને મૈત્રીપૂર્ણ વર્તન રાખવું, પરંતુ એકવાર કામ પૂરૂં થઈ જાય પછી એ જ લોકોને અવગણવા કે દૂર કરી દેવા એટલે કે યૂઝ એન્ડ થ્રો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આને નસીમિયતનો મુખ્ય લક્ષણ માનવામાં આવે છે.

આ વર્તણૂક સમાજમાં વિશ્વાસનો અભાવ ઊભો કરે છે. લોકો એકબીજા પ્રત્યે શંકાશીલ બની જાય છે, કારણ કે તેઓને લાગે છે કે કોઈપણ સંબંધ પાછળ કોઈ છુપાયેલો સ્વાર્થ હોઈ શકે છે. લાંબા ગાળે આ પ્રકારની માનસિકતા સમાજમાં એકતા અને સહકારને નુકસાન પહોંચાડે છે. નસીમિયત ધરાવતા લોકો ઘણી વખત તાત્કાલિક ફાયદા મેળવી લે છે, પરંતુ તેઓ વિશ્વસનીયતા ગુમાવે છે, જે કોઈપણ સમાજ માટે મહત્વપૂર્ણ મૂલ્ય છે.

મુલ્લાઈયત શું છે?

હવે “મુલ્લાઈયત” તરફ નજર કરીએ. મુલ્લાઈયતનો અર્થ સામાન્ય રીતે એવા ગોઠવાયેલા જૂથો સાથે જોડાય છે, જ્યાં થોડા પૈસાદાર અથવા પ્રભાવશાળી લોકો પોતાના હિત માટે એક મંડળી બનાવે છે. આ મંડળીમાં નિર્ણય પ્રક્રિયા પારદર્શક નથી હોતી અને તેમાં કાવતરું, ગોઠવણ, અને ગેરલાભ મેળવવાના પ્રયાસો જોવા મળે છે.

મુલ્લાઈયતનો પ્રભાવ ત્યારે વધુ સ્પષ્ટ થાય છે જ્યારે સમાજના સામાન્ય લોકોના હિતને અવગણીને થોડા લોકો પોતાના ફાયદા માટે નિર્ણયો લે છે. આથી અસમાનતા વધી શકે છે અને સામાન્ય લોકોમાં અસંતોષ જન્મે છે. મુલ્લાઈયતનું બીજું એક લક્ષણ છે “ગ્રુપિઝમ”… જ્યાં માત્ર પોતાની ટોળકીના લોકો જ મહત્વ પામે છે અને અન્ય લોકોની અવગણના થાય છે.

આ બંને માનસિકતાઓ વચ્ચે એક સામાન્ય જોડાણ છે. સ્વાર્થ અને સીમિત દ્રષ્ટિકોણ. નસીમિયત વ્યક્તિગત સ્તરે દેખાય છે, જ્યારે મુલ્લાઈયત જૂથ સ્તરે પ્રગટ થાય છે. એક વ્યક્તિ પોતાનાં ફાયદા માટે સંબંધોનો ઉપયોગ કરે છે, જ્યારે બીજું જૂથ પોતાના હિત માટે સમગ્ર પ્રણાલીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે.

સામાજિક રીતે જોવામાં આવે તો આ બંને વલણો કોઈ એક સમાજ કે સમુદાય પૂરતા મર્યાદિત નથી. આવા સ્વભાવ કોઈપણ શહેર, સમાજ કે વર્ગમાં જોવા મળી શકે છે. તેથી આ શબ્દોને કોઈ ખાસ સમુદાય સાથે જોડી દેવાની જગ્યાએ, તેને સામાન્ય માનવીય વર્તણૂકના નકારાત્મક પાસાં તરીકે સમજવું વધુ યોગ્ય છે.

અંતમાં એટલું ચોક્કસ કહેવાય કે સમાજને મજબૂત બનાવવા માટે વિશ્વાસ, પારદર્શિતા અને સહકાર જરૂરી છે. નસીમિયત અને મુલ્લાઈયત જેવી માનસિકતાઓ તાત્કાલિક લાભ આપતી હોય શકે, પરંતુ લાંબા ગાળે તે સમાજની એકતા અને વિકાસને નુકસાન પહોંચાડે છે. તેથી વ્યક્તિગત અને સામૂહિક સ્તરે આ પ્રકારના વલણોને ઓળખીને તેમાં સુધારો લાવવો એ સમયની માંગ છે.

(ડિસ્કલેઈમર: નસીમિયત, મુલ્લાઈયત, કાલ્પનિક નામો છે અને વાસ્તવિક બાબતો સાથે આ આર્ટીકલને કશું લાગતું વળગતું નથી. કોઈ નામ કે ઘટના કે વિશ્લેષણ કોઈ વ્યક્તિ કે નામ સાથે સંબંધિત કે સંકળાય છે તો એ એક યોગાનુયોગ હશે. “સમકાલીન”નો આ બે વ્યક્તિત્વ દ્વારા સમાજના બે દ્રષ્ટિકોણ અંગે વિશ્લેષણ કરવા સિવાય બીજો કોઈ આશય નથી.)