ટ્રમ્પ સામે 85 સાંસદો ખફાઃ ફાટી નીકળ્યો બળવો, મહાભિયોગ લાવવાની અપીલ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઈરાન સાથેનું યુદ્ધ વિરામ રાહતને બદલે નવી આફત લઈને આવ્યું છે. 28 ફેબ્રુઆરીએ જ્યારે ટ્રમ્પે ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યા, ત્યારે તેમને લાગતું હતું કે વેનેઝુએલાની જેમ અહીં પણ જીત સરળ હશે. જોકે, છ અઠવાડિયા સુધી ચાલેલા આ યુદ્ધમાં અમેરિકાની ઇકોનોમી અને ટ્રમ્પની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ હતી. આખરે બંને પક્ષો વાતચીત માટે તૈયાર તો થયા, પરંતુ હવે અમેરિકાની અંદર જ ટ્રમ્પ વિરુદ્ધ મોટો બળવો ફાટી નીકળ્યો છે.

એક્સિઓસના રિપોર્ટ મુજબ, 85થી વધુ ડેમોક્રેટ સાંસદોએ ટ્રમ્પને પદ પરથી હટાવવાની માંગ કરી છે. અમેરિકામાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ટ્રમ્પે ‘એપેસ્ટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે આ યુદ્ધ છેડ્યું હતું.

અમેરિકન કોંગ્રેસમાં બંધારણના ૨૫માં સુધારાની કલમ-4 લાગુ કરવાની માંગ તેજ થઈ છે. આ કલમ હેઠળ જો પ્રમુખ પોતાની ફરજો નિભાવવામાં અસમર્થ હોય, તો તેમને પદ પરથી દૂર કરી શકાય છે. જો ઉપપ્રમુખ અને કેબિનેટના બહુમતી સભ્યો લેખિતમાં જાહેર કરે કે પ્રમુખ માનસિક કે શારીરિક રીતે કામ કરવા સક્ષમ નથી, તો ઉપપ્રમુખ તરત જ કાર્યકારી પ્રમુખ બની શકે છે.

સાંસદોનો આરોપ છે કે ટ્રમ્પની સનક અને બદલાતા નિવેદનો દેશ માટે જોખમી છે. હવે જોવાનું એ રહેશે કે શું રિપબ્લિકન સાંસદો અને ઉપપ્રમુખ આ હિંમત બતાવીને ટ્રમ્પને સત્તા પરથી હટાવવાની પ્રક્રિયામાં સામેલ થાય છે કે નહીં. અમેરિકાના ઈતિહાસમાં આ એક અત્યંત ગંભીર રાજકીય સંકટ તરીકે ઉભરી રહૃાું છે.

 

યુએસ સેનેટર ક્રિસ મર્ફીએ ઈરાન સામેના યુદ્ધના આ અંતને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંપૂર્ણ શરણાગતિ ગણાવી છે. તેમણે અમેરિકન ટીવી ચેનલ સીએનએન પર જણાવ્યું હતું કે, આનાથી ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મળ્યું છે.

અન્ય એક સાંસદે કહ્યું કે, જો આપણે ઈરાનની માગણીઓનો એક ભાગ પણ સ્વીકારીએ, તો ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટનો નિયંત્રણ આપવા માટે સંમત થયા છે.

તેમણે કહ્યું ક્રિસ મર્ફીએ આને વિશ્વ માટે વિનાશક પરિસ્થિતિ ગણાવી. દરમિયાન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્ય ગ્વેન મુરે યુદ્ધવિરામ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીકા કરી. તેમણે કોંગ્રેસને ટ્રમ્પ પર મહાભિયોગ કરવાની માગ કરી અને તેમને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા.

ગ્વેન મુરે તો ત્યાં સુધી કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પને કોઈપણ રીતે પદ પરથી દૂર કરવા જોઈએ. ગ્વેન મરેે કહ્યું કે રિપબ્લિકન કાયદા ઘડનારાઓ માટે ડેમોક્રેટ્સ સાથે જોડાવાનો સમય આવી ગયો છે. જેથી આ પાગલ નીતિનો અંત આવે.

યુએસના ભૂતપૂર્વ આતંકવાદ વિરોધી વડા જો કેન્ટે કહ્યું કે, યુદ્ધવિરામ સફળ થવા માટે ઈઝરાયલે પણ સંયમ રાખવાની જરૂર છે. તેમણે કહ્યું, આપણે પહેલા ખાતરી કરવી જોઈએ કે આપણે ઈઝરાયલને નિયંત્રણમાં રાખીએ. જ્યારે ટ્રમ્ના રાજીનામાની માગણીઓ અમેરિકામાં જોર પકડી રહી છે, ત્યારે વ્હાઈટ હાઉસે તેને અમેરિકા માટે એક મોટી જીત ગણાવી છે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા કેરોલિન લીવિટે જણાવ્યું હતું કે, આ અમેરિક માટે વિજય છે. તે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને આપણી ઉત્કૃષ્ટ સૈન્ય દ્વારા શક્ય બન્યું છે. તેણીએ દાવો કર્યો હતો કે ઓપરેશન એપિક ફ્યુરીની શરૂઆતથી જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અનુમાન લગાવ્યું હતું કે આ ઓપરેશન ચારથી છ અઠવાડિયા સુધી ચાલશે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, અમેરિકન સૈનિકોની અસાધારણ ક્ષમતાઓને કારણે લશ્કરી ઉદ્દેશ્ય ફક્ત ૩૮ દિવસમાં પ્રાપ્ત થયો અને તેને પાર પણ કરી શકાયો.