સુરતની એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ બની રાજકીય અખાડો, ભાજપની છાપ ધરાવતા લોકોનું વર્ચસ્વ

સુરતમાં આવેલી એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શાળાની મેનેજમેન્ટ સમિતિની ચૂંટણી એક વર્ષના વિલંબ બાદ યોજાઈ રહી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ખાસ બદલાવ નોંધાયો નથી. ગયા વખતની ચૂંટણીમાં કરવામાં આવેલા વાયદાઓ ક્યાંક અભરાઈએ મૂકી દેવામાં આવ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

માહિતી મુજબ, ચૂંટણી યોજાયા બાદ પણ ભાજપની છાપ ધરાવતા જૂથનું વર્ચસ્વ યથાવત રહ્યું છે. આ કારણે લાઈફ મેમ્બરોમાં અસંતોષ ફેલાયો છે અને સમગ્ર મામલો હવે શાળા સ્તરથી આગળ વધી સ્થાનિક રાજકારણ સુધી પહોંચ્યો છે. માલેતુજારોનાં હાથમાં સુકાન સોંપવામાં આવ્યા બાદ શાળાને શું ફાયદો થયો છે તે કળી શકાતું નથી. ભાજપની છાપ ધરાવતા લોકોને જાકારો આપવાની વાત પણ વહેતી મૂકવામાં આવી રહી છે. મુસ્લિમ શાળાના મેનેજમેન્ટમાં ભાજપની છાપ ધરાવતા લોકોને લઈ લાઈફ મેમ્બરો હવે શું કરે છે તે જોવાનું રહે છે.

કેટલાક સભ્યોનું કહેવું છે કે ચૂંટણી માત્ર એક ઔપચારિક પ્રક્રિયા બની ગઈ છે. તેમનો આક્ષેપ છે કે જૂની જ ટીમ ફરી સત્તામાં આવી જતા શાળાના વિકાસ અને પારદર્શકતા પર પ્રશ્નો ઊભા થયા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે નવા ચહેરાઓને યોગ્ય તક આપવામાં આવી નથી. નવા ચહેરાઓને સ્થાન આપવાની સાથો સાથ અનુભવી લોકોને પણ સામેલ કરવાના બદલે ગાડરિયા પ્રવાહની જેમ હાંક્યે રાખવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, સંચાલન સમિતિના સભ્યો પોતાના કાર્યને યોગ્ય ઠેરવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે શાળાના હિતમાં લેવામાં આવેલા નિર્ણયો યોગ્ય છે.

આ મુદ્દે વાલીઓ અને શિક્ષકોમાં પણ ચર્ચા ચાલી રહી છે. કેટલાક વાલીઓએ શાળામાં શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગણી કરી છે, જ્યારે અન્ય લોકો રાજકીય દખલંદાજી ઘટાડવાની જરૂરિયાત વ્યક્ત કરી રહ્યા છે.

હાલમાં આ સમગ્ર મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા છે, કારણ કે ટેકલાક મેમ્બરો આગામી દિવસોમાં વધુ આક્રમક વલણ અપનાવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે શાળા સંચાલન આ વિવાદને કેવી રીતે હલ આવે છે કે નહીં અને શું ભવિષ્યમાં કોઈ વાસ્તવિક પરિવર્તન જોવા મળશે કે નહીં.