અમેરિકાનો 15-મુદ્દાનો પ્રસ્તાવ, ઇરાને અમેરિકાના યુદ્ધ વિરામના પ્રસ્તાવને નકાર્યો, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો ઇનકાર

મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇરાને અમેરિકાના યુદ્ધ વિરામના પ્રસ્તાવને નકાર્યો છે. તેમજ કહ્યું છે કે જ્યાં સુધી ઈઝરાયલ અને અમેરિકા હુમલા બંધ નહી કરે ત્યાં સુધી કોઈ વાતચીત કરવામાં નહી આવે. જોકે, એક તરફ અમેરિકા ઇરાન પર આક્રમક લશ્કરી કાર્યવાહી કરવાની ધમકી આપી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઇરાન પણ સતત હુમલા કરી રહ્યું છે.

અમેરિકાનો 15-મુદ્દાનો પ્રસ્તાવ અતિશયોક્તિપૂર્ણ

આ અંગે ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાનો 15-મુદ્દાનો પ્રસ્તાવ અતિશયોક્તિપૂર્ણ છે. અમે માંગણીઓનો એક સેટ તૈયાર કર્યો છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે ઓમાન સાથેની વાટાઘાટોનું ધ્યાન હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોના સુરક્ષિત માર્ગ માટે પ્રોટોકોલ સ્થાપિત કરવા પર છે.
જ્યારે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ જણાવ્યું હતું કે, જો જરૂરી હોય તો ઈરાન તેની સંપૂર્ણ શક્તિ સાથે તેના દેશનો બચાવ કરશે. તેમણે અમેરિકાની મધ્યસ્થીના કથિત 15-મુદ્દાના યુદ્ધવિરામ પ્રસ્તાવને અતાર્કિક ગણાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વાટાઘાટો દબાણ હેઠળ નહિ થાય. તેમજ કોઈપણ કરાર ફક્ત ત્યારે જ સ્વીકારવામાં આવશે જો તે ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષાના હિતોને પૂર્ણ કરશે.

ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો ઇનકાર કર્યો

આ ઉપરાંત ઈરાને કામચલાઉ યુદ્ધવિરામના બદલામાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો ઇનકાર કર્યો છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનનો પ્રસ્તાવ હાલમાં સમીક્ષા હેઠળ છે, પરંતુ દબાણ હેઠળ કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ઈરાન માને છે કે અમેરિકા કાયમી યુદ્ધવિરામ માટે તૈયાર નથી. તેથી, કામચલાઉ કરાર અર્થહીન રહેશે. અધિકારીએ પુષ્ટિ આપી હતી કે પાકિસ્તાન તરફથી તાત્કાલિક યુદ્ધવિરામનો પ્રસ્તાવ મળ્યો છે અને હાલમાં તેના પર વિચારણા ચાલી રહી છે.