સુરતના ઉદ્યોગ અને વેપાર જગતમાં મહત્વ ધરાવતી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણી હવે શનિવાર, તા. 2 મે 2026ના રોજ યોજાશે. અગાઉ આ ચૂંટણી તા. 25 એપ્રિલે યોજાનાર હતી, પરંતુ તે જ દિવસે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોવાથી ચેમ્બરે ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
ચેમ્બર દ્વારા જાહેર કરવામાં આવેલા સુધારેલા કાર્યક્રમ અનુસાર, ચૂંટણી સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી યોજાશે. મતદાન પ્રક્રિયા માટે સ્થળ તરીકે Surat International Exhibition and Convention Centre ના પ્લેટિનમ હોલ, સરસાણા નક્કી કરવામાં આવ્યું છે. આ સ્થળે સભ્યોને સરળતા રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે.
ચેમ્બર સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને મહત્વપૂર્ણ ચૂંટણીઓ એક જ દિવસે આવતાં સભ્યોને મતદાનમાં અસુવિધા ન થાય અને વધુમાં વધુ સભ્યો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તારીખ બદલવાનો નિર્ણય લેવાયો છે. ચેમ્બર માટે મેનેજિંગ કમિટીની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આવનારા કાર્યકાળ માટેના નીતિનિર્ધારણ, ઉદ્યોગ-વેપાર સંબંધિત પ્રશ્નો અને વિકાસલક્ષી યોજનાઓ માટે આ કમિટીની ભૂમિકા અગત્યની રહે છે.
આ ચૂંટણીમાં ચેમ્બરના અનેક સભ્યો ભાગ લેવાની સંભાવના છે અને વેપારજગતમાં પણ ચૂંટણીને લઈ રસ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચેમ્બર દ્વારા તમામ જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે.
ચેમ્બર દ્વારા તમામ સભ્યોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત તારીખે સમયસર હાજર રહી મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરે.
