સુરત: એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની ચૂંટણી: “માલેતુજારોના પ્રભાવ હેઠળ સંસ્થા?” ચૂંટણીએ ઉઠાવ્યા સવાલો

સુરત શહેરમાં શિક્ષણક્ષેત્રે મહત્વ ધરાવતી ધી ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)ની ચૂંટણી એક વર્ષના વિલંબ બાદ જાહેર થવી એ સ્વાભાવિક રીતે ચર્ચાનો વિષય બની છે. હવે 2 મેના રોજ મતદાન નક્કી થતાં, સંસ્થાના ભવિષ્ય વિશે રસ અને અપેક્ષા બંને વધ્યાં છે. પાછલા કેટલાક સમયથી પ્રચાર કરવામાં આવે છે કે સંસ્થામાં માલેતુજારો હશે તો સંસ્થા ચાલશે. સવાલ એ થાય છે કે માલેતુજારોએ સંસ્થાના વિકાસ માટે શું કર્યું…અને હવે પછીની તેમની જાહેરાતો કેટલી સબળ કે પોકળ પુરવાર થશે. ભૂતકાળમાં કરાયેલી જાહેરાતો પ્રમાણે સંસ્થામાં કામ કરવામાં આવ્યા ન હોવાની ચર્ચા પણ જોરમાં છે.

ચૂંટણી વિલંબ અને તેનું મહત્વ

ચૂંટણી સમયસર ન યોજાઈ અને એક વર્ષ પછી જાહેર થવાથી સંસ્થાના સંચાલન વિશે કેટલાક સવાલો ઉભા થયા છે. છતાં, હાલની જાહેરાતને ઘણા લોકો સંસ્થાની લોકશાહી પ્રક્રિયા તરફનું મહત્વનું પગલું માને છે.

ચૂંટણી જાહેર કરવાના ટાઈમ ચર્ચા

ચૂંટણીની જાહેરાત શનિવારે કરવામાં આવી હોવાને કારણે સમયસૂચિ પણ ચર્ચામાં આવી છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા ચેમ્બર ઓફ કોમર્સ જેવી મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાઓ પણ ચાલી રહી છે, જેના કારણે સભ્યોના સમય અને હાજરી પર અસર પડી શકે છે.

કેટલાક સભ્યોનો અભિપ્રાય એવો છે કે મતદાન રજાના દિવસે રાખવામાં આવે તો વધુ ભાગીદારી શક્ય બને ચૂંટણીને થોડા દિવસો માટે આગળ ધપાવીને આયોજન વધુ સુગમ બનાવી શકાય ખાસ કરીને જ્યારે પહેલાથી જ એક વર્ષનો વિલંબ થયો છે, ત્યારે પાંચ-સાત દિવસનો વધારાનો સમય લાઈફ મેમ્બરો માટે સહભાગી બની શકે. આ મુદ્દાઓ સૂચવે છે કે આયોજનમાં સહભાગિતાને પ્રાથમિકતા આપવી પણ મહત્વપૂર્ણ છે.

અખબારમાં આવેલી જાહેરાત

છેલ્લા ત્રણ વર્ષનું સંચાલન…એક નજર

ગત કાર્યકાળ દરમિયાન સંસ્થાનો વહીવટ મુખ્યત્વે શહેરના આર્થિક રીતે સશક્ત વર્ગ (માલેતુજાર વર્ગ)ના હાથમાં રહ્યો હતો. જે પ્રમાણે જાહેરાતો કરવામાં આવી હતી તે પ્રમાણે વહીવટ કરવામાં આવ્યો ન હોવાનો કેટલાક લાઈફ મેમ્બરોનો મત છે.   કેટલાક સભ્યો અને બુદ્ધિજીવીઓનો મત છે કે ગત મેનિફેસ્ટોમાં કરાયેલા કેટલાક વાયદાઓ પૂરતા પ્રમાણમાં સાકાર થયા નથી. કામગીરી કરતાં પ્રચારાત્મક પ્રવૃત્તિઓ (ફોટો સેશન વગેરે) વધુ નજરે પડી.

ગત ચૂંટણીમાં કરવામાં આવેલી જાહેરાતોમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો, નવી સુવિધાઓનો વિકાસ, વિદ્યાર્થીઓ માટે નવી યોજનાઓ, નવી બ્રાન્ચ, કોલેજ લેવલે લઈ જવાના પ્રયાસો સહિતની જાહેરાતો કરવામાં આવી હતી.

આવનારી ચૂંટણી: એજ્યુકેશનિસ્ટો-માલેતુજારો વચ્ચેનો મુકાબલો?

આ વખતની ચૂંટણીમાં બે જુદી જુદી દિશાઓ દેખાઈ રહી છે. એક તરફ વ્યવસાયિક અને સંસાધન સમૃદ્ધ વર્ગ તો બીજી તરફ  શિક્ષણપ્રેમી અને વિચારશીલ (બુદ્ધિજીવી) વર્ગ છે. આને સીધી ટક્કર તરીકે જોવાને બદલે, ઘણા લોકો તેને સંસ્થાના વિકાસ માટેના બે જુદા અભિગમો તરીકે પણ જોઈ રહ્યા છે.

આ ચૂંટણી માત્ર સંચાલન બદલવાની પ્રક્રિયા નથી, પરંતુ સંસ્થાના ભવિષ્યની દિશા નક્કી કરવાની તક પણ છે. આ પ્રતિષ્ઠિત સંસ્થા માટે આવનારી ચૂંટણી એક મહત્વપૂર્ણ પડાવ છે. વિલંબ, ગત કાર્યકાળની સમીક્ષા અને નવા વિચારો… આ બધાના વચ્ચે અંતિમ નિર્ણય મતદારોના હાથમાં રહેશે.