સુરત શહેરમાં આવેલી એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની ચૂંટણીને લઈને લાંબા સમયથી ચાલતી અસ્પષ્ટતા અંતે સમાપ્ત થઈ છે. એક વર્ષના વિલંબ બાદ હવે સંસ્થાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને આવતી 2 મેના રોજ મતદાન યોજાનાર હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. “સમકાલીન” દ્વારા લાગલગાટ બે અહેવાલ પ્રસિદ્વ કરવામાં આવ્યા હતા અને હોદ્દેદારો જવાબ આપી શકવાની સ્થિતિમાં ન હતા. વર્તમાન પ્રમુખ નસીમ કાદરી અને સેક્રેટરી અબ્દુલ હય મુલ્લા પાસે એક વર્ષ ચૂંટણીનાં વિલંબ અંગે કોઈ યોગ્ય ખુલાસો રહ્યો ન હતો અને “સમકાલીન”નાં અહેવાલનો પડઘો પડ્યો છે. પ્રમુખ નસીમ કાદરી અને સેક્રેટરી અબ્દુલ હય મુલ્લા સહિતની મેનેજિંગ કમિટીએ ચૂંટણી જાહેર કરવાની ફરજ પડી છે. લાઈફ મેમ્બરોમાં ભારે ઉહાપોહ સર્જાયો હતો.
માહિતી મુજબ, આ ચૂંટણી સમયસર યોજાવાની હતી, પરંતુ વિવિધ કારણોસર તેને વારંવાર મુલતવી રાખવામાં આવી હતી. આ વિલંબને લઈને સંસ્થા સાથે સંકળાયેલા આજીવન સભ્યોમાં અસંતોષ ફેલાયો હતો. ખાસ કરીને, હાલના હોદ્દેદારોની કામગીરી અને પારદર્શિતાને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
“સમકાલીન”માં આ મુદ્દે સતત અહેવાલો પ્રકાશિત થયા બાદ આખરે ચૂંટણી જાહેર કરવાની પ્રક્રિયા તેજ બની હોવાનું માનવામાં આવે છે. “સમકાલીન”ના અહેવાલોને કારણે સંસ્થાની અંદરની સ્થિતિ બહાર આવી અને જવાબદારો પર દબાણ વધ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ દરમિયાન, ઘણા સભ્યોનું માનવું છે કે હોદ્દેદારોએ ચૂંટણીને ઈરાદાપૂર્વક વિલંબિત કરી છે. કેટલાક સભ્યોએ આક્ષેપ કર્યો છે કે સંસ્થામાં નિર્ણય પ્રક્રિયામાં પારદર્શિતા ન હોવાને કારણે વિશ્વાસનો અભાવ ઊભો થયો છે.
હવે ચૂંટણીની તારીખ જાહેર થતા સભ્યોમાં નવેસરથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસ્થાના ભવિષ્ય માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે નવી કમિટી સંસ્થાની દિશા નક્કી કરશે.
આગામી દિવસોમાં ઉમેદવારી નોંધણી અને પ્રચાર શરૂ થશે, અને તમામની નજર હવે 2 મેના રોજ યોજાનાર મતદાન પર ટકી છે.
