મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. Strait of Hormuzમાં ફસાયેલા જહાજોની વચ્ચે ભારતીય એલપીજી ટેન્કર ‘ગ્રીન સાન્વી’ સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ જહાજમાં અંદાજે 58,811 મેટ્રિક ટન એલપીજી ભરેલું છે, જે ભારત માટે મહત્વપૂર્ણ સપ્લાય ગણાય છે.
સુરક્ષા કારણોસર ‘ગ્રીન સાન્વી’એ ખાસ તકેદારી રાખી છે. જહાજના ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમમાં ‘Indian Ship, Indian Crew’નો સંદેશ દર્શાવવામાં આવી રહ્યો છે, જેથી તેની ઓળખ સ્પષ્ટ રહે અને કોઈ ખતરો ટાળી શકાય.
જોકે ‘ગ્રીન સાન્વી’ આગળ વધી ગયું છે, પરંતુ ‘જગ વિક્રમ’ અને ‘ગ્રીન આશા’ જેવા અન્ય બે એલપીજી ટેન્કરો હજુ પણ હોર્મુઝ પાસે જ સ્થિર છે. સુરક્ષા અને ઓપરેશનલ કારણોસર તેમને આગળ વધવાની મંજૂરી મળી નથી. ઉપરાંત, અંદાજે 15 જેટલા ભારતીય જહાજો હજુ પણ હોર્મુઝના પશ્ચિમ વિસ્તારમાં અટવાયેલા છે.
અત્યાર સુધીમાં કુલ 8 ભારતીય એલપીજી જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે, જ્યારે લગભગ 15 જહાજો હજુ પસાર થવાની રાહ જોઈ રહ્યા છે. તણાવને કારણે તમામ જહાજોની ગતિ ધીમી રાખવામાં આવી છે.
ગેસ સપ્લાયની દ્રષ્ટિએ, એક જહાજ દ્વારા સરેરાશ 46 હજાર મેટ્રિક ટન જેટલો એલપીજી ભારત પહોંચાડવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી પસાર થયેલા તમામ જહાજો મળીને લાખો મેટ્રિક ટન ગેસ ભારત સુધી પહોંચ્યો છે, જે દેશની ઊર્જા જરૂરિયાત માટે મહત્વપૂર્ણ છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનું એક છે, જ્યાંથી દુનિયાના લગભગ 20 ટકા તેલ અને ગેસનું પરિવહન થાય છે. ભારત માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે, કારણ કે દેશ તેની ઊર્જાની મોટી જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે.
આ સ્થિતિમાં તણાવ હોવા છતાં સપ્લાય ચાલુ છે, પરંતુ પરિસ્થિતિ હજી સંવેદનશીલ છે અને સરકાર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
