બનાસકાંઠા: પત્રકાર રમેશભાઈ ચૌધરીએ FIRને ગણાવી રાજકીય પ્રેરિત, “ઘટનાસ્થળે ગયો જ નથી”: નિષ્પક્ષ તપાસની માંગ

બનાસકાંઠાનાં પત્રકાર રમેશભાઈ ચૌધરીએ તેમના વિરુદ્ધ નોંધાયેલી FIRને સંપૂર્ણપણે ખોટી, બનાવટી અને રાજકીય પ્રેરિત ગણાવી છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ આ સમગ્ર ઘટનામાં કોઈપણ રીતે સંકળાયેલા નથી અને તેમને ઇરાદાપૂર્વક ફસાવવામાં આવ્યા છે.

રમેશભાઈના જણાવ્યા મુજબ, તેઓ ઘટનાસ્થળ એટલે કે ઉણ ગામ ખાતે ક્યારેય ગયા જ નહોતા. ઘટનાના સમયે તેઓ રૂણી ગામ ખાતે યોજાયેલી મીટિંગમાંથી અન્ય કામસર ભાભર તરફ નીકળી ગયા હતા. છતાં પણ, તેમની હાજરી વિના જ તેમને આરોપી તરીકે FIRમાં સામેલ કરવામાં આવ્યા છે.

તેમણે આક્ષેપ કર્યો છે કે વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, તેમના નામનો સમાવેશ FIRમાં “મોટા સાહેબ”ના કહેવાથી કરવામાં આવ્યો છે. આ મામલે તેમણે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવી છે.

રમેશભાઈએ વધુમાં જણાવ્યું કે આ સમગ્ર વિવાદ બે સમાજના જૂથો વચ્ચેનો છે, પરંતુ રાજકીય દબાણ હેઠળ એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હકીકતોને તોડી-મરોડીને વધુમાં વધુ લોકોને આરોપી બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં પત્રકારો અને સોશિયલ મીડિયા કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું કે તેઓ લાંબા સમયથી પત્રકારત્વ અને સોશિયલ મીડિયા દ્વારા જનજાગૃતિ માટે કાર્યરત છે અને સત્યને સમાજ સમક્ષ મૂકે છે. આ કામગીરી કેટલાક રાજકીય તત્વોને ન ગમતાં, બદલો લેવા માટે તેમને આ રીતે ફસાવવામાં આવ્યા છે.

અંતમાં, તેમણે આ ઘટનાને કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવી અને જણાવ્યું કે ભારતના બંધારણની કલમ ૨૧ હેઠળ મળેલા વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ નિર્દોષ છે, કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને ન્યાય મેળવવા માટે કાયદેસર લડત લડશે.