‘જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે, કુણાલ કામરાએ કંઈ ખોટું નથી કહ્યું’, ઉદ્ધવ ઠાકરે કોમેડિયનના બચાવમાં આવ્યા

શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કહ્યું કે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા, જેમને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના દ્વારા નાયબ મુખ્ય પ્રધાનને દેશદ્રોહી કહેવા બદલ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તેણે કંઈ ખોટું કર્યું નથી.

ઉદ્વવ ઠાકરેએ દક્ષિણ મુંબઈમાં વિધાન ભવનમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “કામરાએ માત્ર તેમના મંતવ્યો વ્યક્ત કર્યા. તેમણે હકીકતો જણાવી અને જાહેર અભિપ્રાય વ્યક્ત કર્યો.”

મુંબઈ પોલીસે રવિવારે રાત્રે શિવસેનાના કાર્યકર્તા રાહુલ કનાલ અને અન્ય 11 લોકોની મુંબઈની એક હોટલમાં તોડફોડ કરવા બદલ ધરપકડ કરી છે જ્યાં કામરાએ શિંદે વિરુદ્ધ વિવાદાસ્પદ ‘ગદ્દાર’ ટિપ્પણી કરી હતી.

ઉદ્વવ ઠાકરેએ કહ્યું, “કામરાએ કંઈ ખોટું કહ્યું નથી.આ ગદ્દારોને સોલાપુરકર અને કોરાટકર દેખાતા નથી જેમણે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું હતું.”

તેઓ નાગપુર સ્થિત પત્રકાર પ્રશાંત કોરાટકર અને અભિનેતા રાહુલ સોલાપુરકરની છત્રપતિ સંભાજી મહારાજ અને છત્રપતિ શિવાજી મહારાજ વિરુદ્ધ તેમની કથિત વાંધાજનક ટિપ્પણીઓ બદલ ધરપકડની માંગ સાથે રાજ્યમાં થયેલા વિરોધનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

ઉદ્વવ ઠાકરેએ એવી પણ માંગ કરી હતી કે કામરાના શો સ્થળ પર શિંદેની આગેવાની હેઠળના પક્ષના કાર્યકરો દ્વારા તોડફોડ બાદ થયેલા નુકસાન માટે સરકાર વળતર આપે.