ટોલ ટેક્સ કમાઉ દિકરો સાબિત, ગુજરાતના ટોલ પ્લાઝાએ ભરી દીધી તિજોરી, વસુલી આપ્યા આટલા કરોડ રુપિયા

સરકાર માટે ટોલ ટેક્ષ કમાઉ દીકરો પુરવાર થયો છે. ટોપ ટેન કમાઉ ટોલ પ્લાઝામાં બે ગુજરાતના, બે રાજસ્થાનના, બે યુપીના છે. જયારે હરિયાણા-પં.બંગાળ-તામિલનાડુ-બિહારના 1-1 છે. વડોદરા-ભરૂચ વચ્ચેનો ટોલ પ્લાઝાની સૌથી વધુ કમાણી રૂ.2043.81 કરોડ નોંધાઈ છે.

દેશના તમામ હાઇવે પર આવેલા બધા ટોલ પ્લાઝા પરથી સરકારે છેલ્લા 5 વર્ષમાં 1.93 લાખ કરોડ રૂપિયા વસુલ કર્યો છે. જે પૈકી ટોચના 10 ટોલ કલેક્શન પ્લાઝાનો છેલ્લા ૫ વર્ષનો કલેક્શનનો આંકડો લગભગ 14 હજાર કરોડ રૂપિયા છે. આ આંકડો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (મોર્થ)એ 20 માર્ચે લોકસભામાં આપ્યો છે.

પ્રાપ્ત થતી વધુ માહિતી અનુસાર, ભરથાણા એ ટોલ પ્લાઝા છે જે દેશમાં સૌથી વધુ ટોલ વસૂલ કરે છે. ગુજરાતમાં એનએચ-48ના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત આ ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં (2019-20 થી 2023-24) 2,043.81 કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે. ફક્ત 2023-24માં સૌથી વધુ રૂ. 472.65 કરોડનો ટોલ વસૂલ કર્યો. ટોલ કમાણીની યાદીમાં બીજા સ્થાને રાજસ્થાનના શાહજહાંપુર ટોલ પ્લાઝા છે. તે એનએચ-48 ના ગુડગાંવ-કોટપુતલી-જયપુર વિભાગ પર સ્થિત છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં શાહજહાંપુર ટોલ પ્લાઝા પર 1,884.46 કરોડ રૂપિયાનો ટોલ વસૂલવામાં આવ્યો છે. ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળનો જલધુલાગોરી ટોલ પ્લાઝા આવે છે. તેણે 2019-20 થી 2023-24 સુધીના પાંચ વર્ષમાં 1,538.91 કરોડ રૂપિયાનો ટોલ વસૂલ કર્યો. ઉત્તર પ્રદેશના બરાજોધા ટોલ પ્લાઝાએ પાંચ વર્ષમાં રૂ. 1,480.75 કરોડનો ટોલ વસૂલ્યો છે અને તે યાદીમાં ચોથા ક્રમે છે. ટોચના 10 કમાણી કરતા પ્લાઝાની યાદીમાં ભરથાણા (ગુજરાત) (એનએચ-48) – રૂ.2,043.81 કરોડ, શાહજહાંપુર (રાજસ્થાન) (એનએચ-48) – રૂ.1,884.46 કરોડ, જલાધુલાગોરી (પશ્ચિમ બંગાળ) (એનએચ-16) – રૂ.1,538.91 કરોડ, બરાજોદ (ઉત્તર પ્રદેશ) (એનએચ-19) – રૂ.1,480.75 કરોડ, ઘરૌંડા (હરિયાણા) (એનએચ-44) – રૂ.1,314.37 કરોડ, ચોર્યાસી (ગુજરાત) (એનએચ-48) – રૂ.1,272.57 કરોડ, ઠિકરિયા/જયપુર પ્લાઝા (રાજસ્થાન) (એનએચ-48) – રૂ.1,161.19 કરોડ, એલ એન્ડ ટી કળષ્ણગિરી થોપ્પુર (તમિલનાડુ) (એનએચ-44) – રૂ.1,124.18 કરોડ, નવાબગંજ (ઉત્તર પ્રદેશ) (એનએચ-25) – રૂ.1,096.91 કરોડ, સાસારામ (બિહાર) (એનએચ-2) – રૂ.1,071.36 કરોડનો સમાવેશ થાય છે.

ટોચના 10 કમાણી કરતા ટોલ પ્લાઝાની યાદીમાં, બે પ્લાઝા ગુજરાતના, બે રાજસ્થાનના અને બે ઉત્તર પ્રદેશના છે. જ્યારે એક-એક હરિયાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને બિહારના છે.

આ 10 સૌથી વધુ કમાણી કરતા ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ વર્ષમાં કુલ 13,988.51 કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ 10 પ્લાઝાએ મળીને દેશના કુલ ટોલ કલેક્શનના 7% થી વધુ ટોલ કલેક્શન એકત્રિત કર્યું છે. સરકારી આંકડા મુજબ, હાલમાં દેશભરમાં કુલ 1,063 ટોલ પ્લાઝા છે. જેમાંથી 457 ટોલ પ્લાઝા છેલ્લા પાંચ વર્ષમાં બન્યા છે.