કેન્દ્ર સરકારે સોમવારે સાંસદો અને પૂર્વ સાંસદોના પગાર, પેન્શન અને ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા નોટિફિકેશન મુજબ વર્તમાન સાંસદોના પગારમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર સંસદના સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શન હેઠળ કરવામાં આવ્યો છે, જે આવકવેરા અધિનિયમ, 1961માં નિર્દિષ્ટ ખર્ચ ફુગાવાના સૂચકાંક પર આધારિત છે.
સાંસદોનો માસિક પગાર 1 લાખ રૂપિયાથી વધારીને 1 લાખ 24 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. વર્તમાન સાંસદોને મળતું દૈનિક ભથ્થું 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યું છે. આ સાથે જ પૂર્વ સાંસદોનું પેન્શન 25 હજાર રૂપિયાથી વધારીને 31 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. આ સિવાય પાંચ વર્ષની સેવા પછી મળતું વધારાનું પેન્શન 2,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 2,500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે.
કર્ણાટકમાં મુખ્યમંત્રી અને ધારાસભ્યોનો પગાર બમણો થયો
સાંસદોના પગારમાં વધારો એવા સમયે થયો છે જ્યારે કર્ણાટક સરકારે તાજેતરમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 100 ટકા સુધીના વધારાને મંજૂરી આપી છે. કર્ણાટકના પ્રધાનોના પગાર અને ભથ્થાં (સુધારા) બિલ, 2025 મુજબ, મુખ્ય પ્રધાનનો માસિક પગાર રૂ. 75 હજારથી વધારીને રૂ. 1.5 લાખ કરવામાં આવ્યો છે, જ્યારે પ્રધાનોનો પગાર રૂ. 60 હજારથી વધીને રૂ. 1.25 લાખ થયો છે.
આ બિલ વિધાનસભામાં કોઈપણ ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું હતું, કારણ કે તે સમયે વિપક્ષ ભાજપ સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને 4 ટકા અનામતનો વિરોધ કરી રહ્યો હતો. જેના કારણે ધારાસભ્યોના પગાર વધારા પર કોઈ વિગતવાર ચર્ચા થઈ શકી નથી.