લિબિયાના દરિયામાં બોટ પલટી જતા 65 પાકિસ્તાની ડૂબ્યા, પાકિસ્તાને મોકલી ટીમ

લિબિયાના દરિયાકાંઠે નાવ પલટી જતાં 65 લોકો ડૂબ્યા હોવાના અહેવાલો છે. મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હોવાનું જાણવા મળે છે. મુસાફરોની ઓળખ કરવા અધિકારીઓ ખડેપગે છે.

લિબિયાના સમુદ્રતટ પર 65 મુસાફરોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દુર્ઘટનાની માહિતી આપી છે. વિદેશ કાર્યાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ”ત્રિપોલીમાં અમારા દૂતાવાસે જાણ કરી છે કે લિબિયાના ઝાવિયા શહેરની ઉત્તર પશ્ચીમિમાં માર્સા ડેલા બંદર નજીક લગભગ 65 મુસાફરોને લઈ જતી એક નાવ પલટી ગઈ છે.”

મોટાભાગના નાગરિકો પાકિસ્તાની હોવાના અહેવાલ બાદ ત્રિપોલીમાં પાકિસ્તાન દૂતાવાસે તાત્કાલિક એક ટીમને ઝાવિયા હોસ્પિટલમાં મોકલી હતી જેથી સ્થાનિક અધિકારીઓને મળતકોની ઓળખ કરવામાં મદદ મળી શકે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ”દૂતાવાસ પાકિસ્તાની પીડિતો વિશે વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહૃાું છે.”

હાલ આ દુર્ઘટનામાં સૌથી વધુ નાગરિકો પાકિસ્તાનના હોવાના અહેવાલો મળી રહૃાા છે. જો કે વિદેશ કાર્યાલયે 65 મુસાફરોમાંથી કેટલા પાકિસ્તાની નાગરિકો હતા તેની કુલ સંખ્યાની પુષ્ટિ કરી નથી. વિદેશ કાર્યાલયે કહૃાું કે તે મુસાફરોની ઓળખ નક્કી કરવા માટે લિબિયાના અધિકારીઓ સાથે કામ કરી રહૃાું છે. વધુમાં જણાવ્યું હતું કે, ”પરિસ્થિતિ પર નજર રાખવા માટે વિદેશ મંત્રાલયના કટોકટી વ્યવસ્થાપન એકમને સક્રિય કરી દેવામાં આવ્યું છે.

આ વર્ષે જાન્યુઆરીમાં, મોરોક્કો નજીક એક નાવ પલટી ગઈ હતી. જેમાં 86 મુસાફરો સવાર હતા, તે પૈકી 66 પાકિસ્તાની નાગરિકો હતા. જો કે સ્થાનિક પ્રશાસન દ્વારા માત્ર 36 લોકોનો બચાવ થઈ શકયો હતો. તે દુર્ઘટનામાં 50 મુસાફરોના મોત થયા હતા. પાકિસ્તાન સરકારે તાજેતરમાં જ પોતાના નાગરિકોને ગેરકાયદેસર રીતે અન્ય દેશોમાં મુસાફરી ન કરવા સૂચના આપી છે.