ઝાંસીથી પ્રયાગરાજ મહાકુંભ જઈ રહેલી સ્પેશિયલ ટ્રેન પર પથ્થરમારો-તોડફોડ

ઝાંસીથી પ્રયાગરાજ મહાકુંભ જઈ રહેલી ટ્રેનમાં અસામાજિક તત્ત્વો દ્વારા હુમલો કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, સોમવારે (૨૭ જાન્યુઆરી) અસામાજિક તત્ત્વોએ મધ્ય પ્રદેશના હરપાલપુર સ્ટેશને ટ્રેન પર પથ્થરમારો અને તોડફોડ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહૃાો છે.

હુમલા દરમિયાન ટ્રેનમાં સવાર મુસાફરોમાં ડરનો માહોલ છવાયેલો હતો. અસામાજિક તત્ત્વોએ ટ્રેનમાં ઘુસવાના પ્રયાસ સાથે ટ્રેનના દરવાજા અને બારી તોડી દીધી હતી. મળતી માહિતી મુજબ, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન નંબર ૧૧૮૦૧ પર પથ્થરમારો થયો હતો. હરપાલપુર રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં મુસાફરો પ્રયાગરાજ જવા માટે એકઠા થયા હતાં. પરંતુ, ટ્રેનની અંદર પહેલાંથી હાજર મુસાફરો દ્વારા ટ્રેનનો દરવાજો ખોલવામાં નહતો આવતો. જેના કારણે સ્ટેશન પર હાજર ભીડે ઉગ્ર બની પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી દીધી હતી. પથ્થરમારા અને તોડફોડથી મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. મુસાફરોના જણાવ્યાં અનુસાર, અચાનક સ્ટેશનમાં હાજર ભીડે પથ્થરમારો અને હુમલો કરી દીધો હતો.

નોંધનીય છે કે, ટ્રેન પર પથ્થરમારો અને તોડફોડ કરી રહેલાં લોકોએ મોઢા પર કપડું બાંધેલું હતી. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, ૮ થી ૧૦ લોકો પથ્થરમારો કરી રહૃાા હતાં. હાલ, સીસીટીવી ફૂટેજના આધારે આ લોકોને ઓળખવાનું કામ થઈ રહૃાું છે.

અસામાજિક તત્ત્વો દ્વારા ટ્રેનમાં ઘુસવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, લોકો દ્વારા ટ્રેનનો દરવાજો બંધ કરી દેવાના કારણે લોકોને વધુ ઈજા નહતી થઈ. આ ઘટના સોમવારે (૨૭ જાન્યુઆરી) રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે ઘટી હોવાનું જાણવા મળી રહૃાું છે. સમગ્ર ઘટના વિશે તંત્રને જાણ થતાં તુરંત જ એક્શન લેવાયો અને ટ્રેનને જલદી રવાના કરી દેવામાં આવી. જે લોકો સ્ટેશન પર હતાં, તેઓએ જે વીડિયો બનાવ્યા હતાં તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.