બજેટમાં ટેક્સ પેયર્સને મળી શકે છે મોટી ભેટ; થઇ શકે છે આ ફેરફારો…

1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ગત વર્ષે લોકસભા ચૂંટણી જીત બાદ નવી NDA સરકારના મંત્રીમંડળનું આ બીજું પૂર્ણ બજેટ હશે. સરકારની રચના પછી, જુલાઈ 2024 માં સીતારમણે રજુ કરેલા બજેટમાં ટેક્સમાં રાહત આપવામાં આવી હતી. હવે લોકોને આ વખતે ટેક્સ સહીત અન્ય ક્ષેત્રોમાં વધુ રહાત મળે તેવી અપેક્ષા છે. અહેવાલ મુજબ મોદી સરકાર બજેટમાં ટેક્સ પેયર્સને મોટી ભેટ આપી શકે છે.

ટેક્સ પેયર્સની અપેક્ષાઓ
હાલમાં ટેક્સ પેયર્સની માટે બે પ્રકારની વ્યવસ્થા છે, શરૂઆતથી જ ચાલી આવતી જૂની ટેક્સ રીજીમ અને સરકારે વર્ષ 2020માં શરુ કરેલી નવી ટેક્સ રીજીમ. નવી ટેક્સ રીજીમને આગળ વધારવા માટે સરકાર ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. કન્ઝપ્શનને વધારવા માટે નવી ટેક્સ રીજીમના ટેક્સ સ્લેબમાં ફેરફાર થઇ શકે છે.

ટેક્સ ફ્રી ઇન્કમમાં વધારો
કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગને રાહત આપવા માટે ટેક્સ ફ્રી ઇન્કમની લિમીટ વધારી શકે છે. હાલમાં, સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે 7 લાખ 75 હજાર રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી. સરકાર આ મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરી શકે છે.

સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 75 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા પણ કરી શકે છે. કારણ કે ગયા બજેટમાં 50 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી હતી.

ટેક્સ સ્લેબમાં ફેરફાર
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ટેક્સ રીજીમના ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી શકે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય . કન્ઝપ્શન વધારવાનો છે. આ માટે સરકાર એવી યોજના બનાવી રહી છે કે મધ્યમ વર્ગના હાથમાં વધુ પૈસા રહે. જ્યારે તેમના હાથમાં પૈસા હશે, ત્યારે તેઓ વધુ ખર્ચ કરી શકશે અને જેમ જેમ ખર્ચ વધશે તેમ તેમ દેશનું અર્થતંત્ર પણ વધશે. આ માટે આગામી બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે.

નિષ્ણાંતોના મત મુજબ 20 ટકા ટેક્સ ચૂકવનારાઓ માટે ટેક્સ આવક મર્યાદા વધારવામાં આવી શકે છે. જે હાલમાં 12 થી 15 લાખ રૂપિયાની વચ્ચે છે. જેને વધારીને 20 લાખ રૂપિયા કરી કરવામાં આવી શકે છે.