પાકિસ્તાનના પંજાબમાં પતંગ ઉડાડનારને પાંચ વર્ષની જેલ અને 20 લાખનો દંડ

પાકિસ્તાનના પંજાબમાં પતંગ ઉડાડવા પ વર્ષની જેલ અને ૨૦ લાખ દંડ થશે. પતંગ અને માંઝા બનાવનારાઓ માટે સજા અને દંડ વધુ કડક બનશે. આ કારણે પાકિસ્તાનને લઈને અવનવી કોમેન્ટો થઈ રહી છે. અને ટકે શેર ભાજી- ટકે શેર ખાજાની કહેવત યાદ કરાઈ રહી છે.

હવે પાકિસ્તાન સરકાર પતંગ ઉડાવવા અંગે કડક બની ગઈ છે. પતંગ ઉડાવવા ઉપરાંત, સરકાર હવે માંઝા બનાવવા અને ખોટા સમાચાર ફેલાવવા સામે પણ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. પાકિસ્તાનની પંજાબ સરકારે પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકતા કાયદામાં સુધારો કર્યો છે, ત્યારબાદ તેને બિન-જામીનપાત્ર શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.

પતંગ ઉડાવવા બદલ ત્રણથી સાત વર્ષની જેલ અને ૨૦ લાખ પાકિસ્તાની રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે. પતંગ અને માંઝા બનાવનારાઓ માટે સજા અને દંડ વધુ કડક બનશે. તેને સાત વર્ષની જેલ અને ૫૦ લાખ પાકિસ્તાની રૂપિયા સુધીના દંડની સજા ફટકારવામાં આવી છે. દંડ ન ભરવા પર બે વર્ષની વધારાની જેલની સજા થઈ શકે છે. આ પ્રતિબંધ પતંગ, ધાતુના વાયર, નાયલોનની દોરી અને તીક્ષ્ણ દોરીવાળા અન્ય દોરા પરિવહન પર પણ લાગુ પડે છે. પંજાબમાં પતંગ ઉડાવવાથી થતા અકસ્માતો અને જાનમાલના નુકસાનને રોકવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં પંજાબ સરકારે પતંગ બનાવવા, ઉડાડવા અને વેચવાને બિનજામીનપાત્ર ગુનો જાહેર કર્યો હતો. પાકિસ્તાન સરકારે બુધવારે સાયબર નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકયો છે. ખોટા સમાચાર ફેલાવનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલ અને ૨૦ લાખ પાકિસ્તાની રૂપિયાના દંડની સજા થશે. નેશનલ એસેમ્બલીમાં પ્રિવેન્શન ઓફ એમેન્ડમેન્ટ ઇલેક્ટ્રોનિક ક્રાઇમ્સ એક્ટ (પીએઆઈ) ૨૦૨૫ રજૂ કરવામાં આવ્યો હતો.

સ્પીકરે આ બિલને ચર્ચા માટે સ્થાયી સમિતિમાં મોકલ્યું છે. ભારતમાં નિયમોને લઈને કટાક્ષો થઈ રહ્યા છે, અને આતંકીઓની આળપંપાળ કરતા પાકિસ્તાના શાસકો પતંગબાજો પર કેમ ખફા થયા, તે અંગે અટકળો થઈ રહી છે. તે ઉપરાંત અવનવી કોમેન્ટો થઈ રહી છે, જેમાં અંધેરી નગરીને ગંડુરાજાવાળી કહેવત યાદ કરાવાઈ રહી છે.