થાઇલેન્ડના વડા પ્રધાન શ્રીથા થવિસિનને બરતરફ કરાયા, નૈતિક ઉલ્લંઘન માટે દોષી ઠેરવાયા

થાઈલેન્ડની કોર્ટે દેશના વડાપ્રધાન શ્રીથા થવિસિનને બરતરફ કર્યા છે. કોર્ટે વડાપ્રધાનને નૈતિક ઉલ્લંઘન માટે દોષિત ઠેરવ્યા છે. થાઈલેન્ડની બંધારણીય અદાલતે વડા પ્રધાન શ્રીથા થવિસિનને નૈતિક ઉલ્લંઘન માટે દોષી ઠેરવ્યા બાદ તેમને પદ પરથી બરતરફ કર્યા છે. તેનાથી થાઈલેન્ડમાં રાજકીય ઉથલપાથલનો સમયગાળો શરૂ થઈ શકે છે.

નવ સભ્યોની અદાલતે બુધવારે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે શ્રીથાએ એપ્રિલમાં કેબિનેટ મંત્રી તરીકે દોષિત વકીલની પસંદગી કરીને નૈતિક ધોરણોનો ‘ગંભીર ભંગ’ કર્યો હતો, જે બંધારણ હેઠળ ગેરલાયક ઠેરવવાનું કારણ છે. ન્યાયાધીશોએ શ્રીથા અને તેમની કેબિનેટને બરતરફ કરવા માટે 5 થી 4 મત આપ્યા હતા.

રોઇટર્સના અહેવાલ મુજબ, શ્રીથાએ શિનાવાત્રાના ભૂતપૂર્વ વકીલ પિચિત ચુએનબનની કેબિનેટ નિમણૂક જાળવી રાખી હતી, જેઓ કોર્ટના કર્મચારીઓને લાંચ આપવાના કેસમાં 2008માં કોર્ટની અવમાનના બદલ જેલમાં બંધ હતા. જોકે તેમની સામે લાંચનો આરોપ સાબિત થયો ન હતો. આમ છતાં, પિચિત ચુએનબનને કેબિનેટ પદ પર નિયુક્ત કરીને શ્રેથાએ બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. બંધારણીય અદાલતે આ આરોપને સાચા તરીકે સ્વીકાર્યો હતો.