વાયનાડ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત, 70 ઘાયલ; 400થી વધુ કાટમાળ નીચે ફસાયા

કેરળના પ્રધાન વીણા જ્યોર્જે મંગળવારે પુષ્ટિ કરી હતી કે વાયનાડમાં મેપ્પડીના પહાડી વિસ્તારોમાં સવારે મોટા ભૂસ્ખલન બાદ 24 મૃતદેહ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે કેરળ સરકારે રાહત અને બચાવ કાર્ય માટે ભારતીય સેનાની મદદ પણ માંગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના સીએમ વિજયન સાથે વાત કરી અને તમામ શક્ય મદદની ખાતરી આપી અને એક્સ-ગ્રેશિયા રકમની પણ જાહેરાત કરી. 400 કરતાં પણ વધું લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.

વીણા જ્યોર્જે કહ્યું, “અમે અમારા લોકોને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમને અલગ-અલગ હોસ્પિટલમાં 24 મૃતદેહો મળ્યા છે. લગભગ 70 લોકો ઘાયલ પણ છે. અમે ઘાયલોને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરી છે.”

તેમણે કહ્યું કે NDRF અને સિવિલ ડિફેન્સની ટીમો વાયનાડમાં હાજર છે અને નેવીની ટીમ પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચશે. આ વિસ્તારમાં એક પુલ પણ ધોવાઈ ગયો છે.”

ભૂસ્ખલનથી મેપ્પડી, મુંડક્કલ ટાઉન અને ચુરમાલા વિસ્તારો પ્રભાવિત થયા છે અને રાજ્યના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે સરકારે બચાવ કર્મચારીઓ, તબીબી સાધનો અને આરોગ્ય કર્મચારીઓને વિથિરી, માનંતવડી, કાલપેટ્ટા અને મેપ્પાડી સરકારી હોસ્પિટલોમાં મોકલ્યા છે.

ફાયર અને રેસ્ક્યુ વિભાગ, સિવિલ ડિફેન્સ અને NDRFની 250 સભ્યોની ટીમ સક્રિય રીતે બચાવ કામગીરીમાં વ્યસ્ત છે અને NDRFની વધુ ટીમો આપત્તિ સ્થળ તરફ આગળ વધી રહી છે.

અધિકારીઓએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કુલ 225 આર્મી કર્મચારીઓને કેરળના વાયનાડમાં બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે ભૂસ્ખલનથી 11 લોકોના મોત થયા છે.”

કેરળના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે વાયનાડમાં ચૂરમાલા ભૂસ્ખલન બાદ તાત્કાલિક રાહત અને બચાવ સહાય પૂરી પાડવા માટે એક કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને વિનાશક ભૂસ્ખલન પછી વાયનાડમાં તાત્કાલિક બચાવ કામગીરીનું સંકલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે જાહેરાત કરી કે સમગ્ર સરકારી તંત્ર પ્રયત્નોમાં સક્રિયપણે સામેલ છે, મંત્રીઓ કામગીરીની દેખરેખ અને સંકલન કરે છે.

કેરળના સીએમઓ અનુસાર, મહેસૂલ પ્રધાન કે રાજન, જાહેર બાંધકામ પ્રધાન મુહમ્મદ રિયાઝ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિકાસ પ્રધાન ઓઆર કેલુ, વન પ્રધાન કે સસેન્દ્રન અને બંદર પ્રધાન કદન્નપલ્લી રામચંદ્રન- પાંચ પ્રધાનોનું એક પ્રતિનિધિમંડળ આપત્તિગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યું છે.

કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને જાન-માલના નુકસાન પર સાંત્વના આપતા કહ્યું, “તે તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના. મને કહેવામાં આવ્યું છે કે હજુ સુધી અમારી ટીમો ભારે વરસાદને કારણે ભૂસ્ખલન સ્થળ પર પહોંચી શકી નથી અને નદીના પાણીમાં વધારો થયો છે.