ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાઉમાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભયાનક ઘટનાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ હવે તેના અહેવાલમાં આયોજકો અને અધિકારીઓને દોષી ઠેરવ્યા છે, જેના આધારે રાજ્ય સરકારે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
યોગી આદિત્યનાથ સરકારે મંગળવારે સંબંધિત નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ (SDM) અને પોલીસ અધિકારી (CO) સહિત છ લોકોને સસ્પેન્ડ કર્યા છે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ નિવેદનમાં SITની તપાસના તથ્યોને સાર્વજનિક કરવામાં આવ્યા છે, જે મુજબ તપાસ સમિતિએ નાસભાગમાં ષડયંત્રની શક્યતાને નકારી નથી. આ ઉપરાંત ઈવેન્ટ ઓર્ગેનાઈઝર અને તહસીલ લેવલની પોલીસ અને પ્રશાસનને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે.
જો કે, એસઆઈટીની ભલામણ પર, એસડીએમ, સીઓ, તહસીલદાર, ઈન્સ્પેક્ટર, ચોકીના ઈન્ચાર્જને તેમની જવાબદારી નિભાવવામાં બેદરકારી બદલ જવાબદાર ઠેરવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે 2 જુલાઈના રોજ હાથરસ જિલ્લાના ફુલરાઈ ગામમાં નારાયણ સાકર વિશ્વ હરિના નામથી પ્રખ્યાત ‘ભોલે બાબા’ના સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા.