સુરત: સચિનના પાલી ગામમાં પાંચ માળનું બિલ્ડિંગ ધરાશાયી, 8થી 10 લોકો દબાયાની આશંકા

સુરતના સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલી ડીએમ નગરમાં પાંચ માળની બિલ્ડિંગ ઉભી હતી. આ બિલ્ડિંગ માત્ર 8 વર્ષ જ જૂની હતી. તે આજે અચાનક જ પત્તાના મહેલની જેમ તુટી પડી હતી. બિલ્ડિંગ પડી ત્યારે તેની અંદર લોકો હતાં. આ દુર્ઘટનામાં અંદાજે 15 જેટલાં લોકોને નાની મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં સચિન પોલીસ અને આસપાસના ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ અને ફાયરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જમીનદોસ્ત થયેલી બિલ્ડિંગના કાટમાળની નીચે કેટલાંક લોકો દબાયા હોવાની આશંકા સાથે સાવચેતીપુર્વક ફાયરના લાશ્કરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.

કાટમાળને ખૂબ જ સાચવીને ખસેડવામાં આવી રહ્યો છે, જેથી કોઈ નીચે દબાયું હોય તો તેને બચાવી શકાય. બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યાં છે. ત્યારે આ બિલ્ડીંગ ક્યા કારણોસર ધરાશાયી થઈ તે અંગે કોઈ સ્પષ્ટતા તંત્ર તરફથી મળી નથી.

દરમિયાન રાધા એપેરેલ પાર્કમાં નોકરી કરતી મહિલા કામદાર રાધા મહંતો પરિવાર સાથે આ બિલ્ડિંગમાં રહેતી હતી. રાધાના પતિ ડ્યુટી કરી ઘરે આરામ કરી રહ્યાં હતાં ત્યારે આ બિલ્ડિંગ તૂટી પડી છે. રાધાના પતિ બિલ્ડિંગના કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં રાધા એપેરલ પાર્કથી દોડી આવી છે. હજુ સુધી તેને તેના પતિની કોઈ ભાળ મળી નથી.

સુરત મનપાના વોર્ડ નં. 30માં પાલી ગામ ખાતે ડીએમ નગરમાં 5 માળનું બિલ્ડિંગ મેઈન્ટેનન્સના અભાવે ધરાશાયી થયું છે. આ બિલ્ડિંગના કાટમાળમાં 8થી 10 લોકો દબાયા હોવાની આશંકા છે. દુર્ઘટનામાં એક મહિલાને ઈજા થતા તેને સિવિલમાં સારવાર માટે ખસેડાઈ છે.