એલ્યુમિનિયમનો નબળો આંતરપ્રવાહ ભાવને મંદી તરફ દોરી રહ્યો છે

(ઇબ્રાહિમ પટેલ દ્વારા), મુંબઈ, તા. ૪:ચીનમાં વધેલા ઉત્પાદન અને આયાતને પગલે જાગતિક બજારમાં જૂન મહિનામાં એલ્યુમિનિયમના ભાવ ટન દીઠ ૨૬૨૫ ડોલરથી ૧૩૮ ડોલર ઘટયા હતા. એલએમઇ ખાતે સ્ટોક ૧૧ લાખ ટન વધ્યો હતો. એનાલિસ્ટઓ કહે છે કે ૨૦૨૪થી ૨૦૩૩ સુધીમાં વૈશ્વિક એલ્યુમિનિયમ બજારનો સર્વાંગી વાર્ષિક વિકાસદર (સીએજીઆર) ૫.૯ ટકાના દરે વૃધ્ધિ પામશે. આમ ૨૦૩૩માં આ બજારનો વેપાર ૨૮૫.૪ અબજ ડોલરની ઊંચાઈએ પહોંચશે. આ વિકાસ વૃધ્ધિનો લાભ અનેક ક્ષેત્રોને મળશે.

એલ્યુમિનિયમના ભાવ સાંકડી વધઘટે અથડાતાં રહીને ૨૭૯૨ ડોલરની બે વર્ષની ઊંચાઈએથી ઘટીને મધ્ય જૂનમાં ૨૪૭૦ ડોલરની બોટમ બનાવી હતી. શુક્રવારે એલએમઇ ત્રિમાસિક વાયદો ૨૫૨૫ ડોલર ઇન્ટ્રાડેમાં મૂકયો હતો. ચીનમાં પુરવઠો ભરપૂર છે પણ સામે માંગ મક્કમ રહેતા શાંઘાઇ ફ્યુચર્સ એક્સચેન્જ પર બેંચમાર્ક વાયદો ટન દીઠ ૮ ડોલર વધીને ૨૦,૩૦૦ યુઆન રહ્યો હતો.

જૂન આરંભે જાગતિક એલ્યુમિનિયમ ઉધ્યોગો એલએમઇ અને શેફ એમ બંને એકસચેન્જ ભાવ બાબતે હકારાત્મક હતા. અલબત્ત, ભાવ થોડા વધ્યા પણ ખરા પણ પાછળથી ફરી ઘટવા લાગ્યા હતા. એ એલ સરકલ્સ ઇન્ડસ્ટ્રીઝનો “ગ્લોબલ એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીઝ આઉટલૂક ૨૦૨૪” અહેવાલ કહે છે કે વર્લ્ડ બેન્કનો મેટલ્સ અને મિનરલ્સ પ્રાઇસ ઇંડેક્સ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિકમાં નજીવો ૦.૧૩ ટકા વધ્યો હતો, જે દાખવે છે કે ૨૦૨૨ના આરંભથી સતત ઘટાડો દાખવતો હતો, તે ચાલુ રહ્યો છે.

ચોક્કસ બિનલોહ ધાતુમાં સુધરી રહેલી પુરવઠા સ્થિતિ, સાથેજ ગ્રીન એનર્જી માંગમાં નબળાઈ, વૈશ્વિક અર્થતંત્રોમાં ધીમી પડી રહેલી માંગ આ બધાનો સરવાળો એલ્યુમિનિયમના ભાવને ઘટાડા તરફ દોરી જાય છે. વર્ષાનું વર્ષ ૨૦૨૩માં એલ્યુમિનિયમના ભાવ ૧૦ ટકા ઘટયા પછી ૨૦૨૪માં પણ સરેરાશ પાંચ ટકા ઘટાડાની ધારણા બાંધવામાં આવી છે. શક્યતા એવી છે કે ૨૦૨૫માં ભાવ સ્થિરતા સ્થાપિત થશે.

ગુરુવારે એલએમઇ એલ્યુમિનિયમનો ઓપનિગ સ્ટોક આગલા દિવસ કરતાં ૫૧૦૦ ટન ઘટીને ૧૦.૧૦ લાખ ટન રહ્યો હતો. લાઈવ વોરન્ટ્સ (એલએમઇ દ્વારા નિર્ધારિત માન્યતાપ્રાપ્ત અને પ્રમાણિત ધાતુના સ્વીકૃત દસ્તાવેજ) અને કેન્સલડ વોરન્ટ્સ અનુક્રમે ૪,૬૬,૪૦૦ ટન અને ૫,૪૩,૪૨૫ હતા. લાઈવ વોરંટ પ્રમાણમાં સ્થિર હતા, પણ કેન્સલડ વૉરંટમાં ૫૧૦૦ ટનનો ઘટાડો થયો હતો. એલએમઇ ત્રિમાસિક એશિયન રેફરન્સ ભાવ ટન દીઠ ૭.૮૦ ડોલર વધી ૨૫૩૦.૫૦ ડોલર મુકાયા હતા.

મે મહિનામાં ચીનનું પ્રાયમરી એલ્યુમિનિયમ ઉત્પાદન ગત વર્ષના સમાનગાળા કરતાં પાંચ ટકા વધીને ૩૬.૫ લાખ ટન રહ્યું હતું. ચીનનું રાષ્ટ્રીય એલ્યુમિનિયમ વાર્ષિક ઉત્પાદન હાલમાં ૪૩૦ લાખ ટન આસપાસ રહ્યું છે, જે ગતવર્ષના સપ્ટેમ્બર ઓકટોબરના વિક્રમ ઉત્પાદનની નજીક પહોંચી ગયું છે. શાંઘાઇ મેટલ બજારમાં આજે સરેરાશ ટન દીઠ ભાવ ૨૦,૨૭૦ યુઆન અને ૨૦,૩૧૦ યુઆન વચ્ચે રહ્યા હતા. જ્યારે હાજર ભાવના સોદા ૪૦થી ૮૦ યુઆન ડિસ્કાઉન્ટે થતાં હતા. હાજર એલ્યુમિના (કાચી ધાતુ)ના ભાવ હાલમાં ૩૯૧૦ યુઆન (૫૩૭.૯૫ ડોલર) આસપાસ બોલાય છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૩-૬-૨૦૨૪