ભારતના ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને લંડન હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે નીરવ મોદીને બેંક ઓફ ઈન્ડિયા (BOI)ને 8 મિલિયન ડોલર એટલે કે રૂ. 66 કરોડની ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. લંડન હાઈકોર્ટ દ્વારા આ કેસમાં સમરી જજમેન્ટ જારી કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, કોર્ટ દ્વારા એવા કેસોમાં સમરી જારી કરવામાં આવે છે જેમાં બેમાંથી એક પક્ષ હાજર ન હોય અને કોર્ટ ટ્રાયલ વગર જ કેસમાં પોતાનો નિર્ણય આપે છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં કોઈ યોગ્યતા નથી. આવી સ્થિતિમાં સંપૂર્ણ સુનાવણી વગર જ ચુકાદો આપવામાં આવ્યો હતો.
BOIએ લંડન હાઈકોર્ટમાં અરજી કરી હતી
બેંક ઓફ ઈન્ડિયાએ નીરવ મોદીની દુબઈ સ્થિત કંપની ફાયરસ્ટાર ડાયમંડ FZE પાસેથી 80 લાખ ડોલર વસૂલવા માટે લંડન હાઈકોર્ટમાં અરજી કરી હતી. કેસની સુનાવણી શરૂ થતાં જ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું કે દુનિયામાં જ્યાં પણ નીરવ મોદીની પ્રોપર્ટી છે, બેંક તેની હરાજી કરીને તેના પૈસા વસૂલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે હાલ નીરવ મોદી ઈંગ્લેન્ડની થેમસાઈડ જેલમાં બંધ છે. કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે નીરવ મોદીએ ચાર મિલિયન ડોલરની લોન લીધી હતી અને તેના પર ચાર મિલિયન ડોલરનું વ્યાજ હજુ પણ બાકી છે.
શું છે સમગ્ર મામલો…
નીરવ મોદીએ તેની દુબઈ સ્થિત ડાયમંડ કંપની ફાયરસ્ટાર ડાયમંડ FZE માટે બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લોન લીધી હતી. બેંકે 2018માં પૈસા પાછા માંગ્યા હતા. પરંતુ, નીરવ મોદી નિર્ધારિત રકમ પરત કરવામાં નિષ્ફળ ગયો. આ પછી તે લંડન ભાગી ગયો હતો. આ પછી બેંક ઓફ ઈન્ડિયાએ તેના પૈસા વસૂલવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. નીરવ મોદીની આ કંપની દુબઈમાં રજિસ્ટર્ડ છે. આવી સ્થિતિમાં યુકેનો સમરી જજમેન્ટ અહીં પણ લાગુ થઈ શકે છે. નીરવ પોતે આ કંપનીનો CEO અને મુખ્ય ગેરેંટર છે.