સુપ્રીમ કોર્ટે કલમ-370 અંગે વ્હોટ્સએપમાં સ્ટેટસ મુકનાર પ્રોફેસર સામે નોંધાયેલી FIR રદ્ કરી

લમ-૩૭૦ રદ્ થઈ, તેનો કાળો દિવસ ગણાવતા વ્હોટ્સએપ સ્ટેટસને લઈને થયેલી એફઆઈઆરને સુપ્રિમ કોર્ટે રદ્ કરી દીધી છે.

સુપ્રિમ કોર્ટે કલમ ૩૭૦ ને રદ્ કરવાની ટીકા કરનાર વ્હોટ્સએપ સ્ટેટ્સના આધારે એક પ્રોફેસર સામે નોંધાયેલી એફઆઈઆરને રદ્ કરતા કહ્યું કે દરેક નાગરિકને સરકારના કોઈપણ નિર્ણયની ટીકા કરવાનો અધિકાર છે. સુપ્રિમ કોર્ટે આ સાથે બોમ્બે હાઈકોર્ટના આદેશને પલટી દીધો હતો.

પ્રોફેસર જાવેદ અહેમદ હજામ સામે કોલ્હાપુરના હટકનંગલે પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૧પ૩ એ (સાંપ્રદાયિક વિસંગતતાને પ્રોત્સાહન આપવું) હેઠળ કેસ નોંધ્યો હતો. વ્હોટ્સએપ પર હજામે લખ્યું હતું કે, પાંચ ઓગસ્ટ-કાળો દિવસ જમ્મુ-કાશ્મીર, ૧૭ ઓગસ્ટ-હેપ્પી ઈન્ડિપેન્ડન્સ ડે પાકિસ્તાન.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે, પાંચ ઓગસ્ટે જે દિવસે જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ ને હટાવવામાં આવી હતી તેને કાળો દિવસ તરીકે દર્શાવવો વિરોધ અને પીડાની અભિવ્યક્તિ છે. સુપ્રિમ કોર્ટે એ પણ કહ્યું કે પાકિસ્તાનના લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપવી એક સદ્ભાવના સંકેત છે અને તેને વિભિન્ન ધાર્મિક જુથો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા ખરાબ ઈચ્છાની લાગણીઓ પેદા કરવા માટે કરી શકાય નહીં. દરેક નાગરિકને અન્ય દેશોના નાગરિકોને તેમના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવાનો અધિકાર છે.

જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે કહ્યું, ભારતનું બંધારણ કલમ ૧૯(૧)(એ) હેઠળ વાણી અને અભિવ્યક્તિની ટીકા કરવાનો અધિકાર છે. તેમને એ કહેવાનો અધિકાર છે કે તે સરકારના કોઈપણ નિર્ણયથી નાખૂશ છે.