આ ત્રણ ઉમેદવારોની ટિકિટ કોંગ્રેસે કન્ફર્મ કરી દીધી છે? બનાસકાંઠા, વલસાડ અને અમદાવાદ સીટના આ ઉમેવાદર છે?

ગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ફરી રહી છે ત્યારે આધારપાત્ર સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસે ત્રણ ઉમેદવારોને લોકસભા ચૂંટણીની તૈયારી કરવાનું કહી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.

લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં ત્રણ લોકોને ફોન કરીને જાણ કરી હોવાની માહિતી સામે આવી છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને જાણ કરી દેવાઇ છે,તો વલસાડ બેઠક પરથી ધારાસભ્ય અનંત પટેલને પણ જાણ કરી દેવાઈ છે. આ સાથે અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ છે. કોંગ્રેસ દ્વારા પહેલી યાદીમાં ગુજરાતની સીટોની જાહેરાત સંભાવના લગભગ નહિંવત જેવી છે. ત્યારે કોંગ્રેસ સૂત્રો આ ત્રણ બેઠકો પર ઉમેદવારોને લઈ ચર્ચા કરી રહ્યા છે.

બનાસકાંઠામાં તો ગેનીબેન ઠાકોરે પ્રચારના શ્રીગણેશ પણ કરી દીધા છે. જો કે ઔપચારિક જાહેરાત હજુ બાકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બનાસકાંઠા અને પાટણ બેઠક પરથી કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ઉતારી શકે છે. 2022ની વિધાનસભામાં કોંગ્રેસે સાબરકાંઠા અને પાટણમાં ઠાકોર ઉમેદવાર ઉતાર્યા હતા. આ વખતે પાટણ બેઠક પર ચંદનજી ઠાકોરની પસંદગીની શક્યતા છે. તો બારડોલી માટે કોંગ્રેસ તુષાર ચૌધરીને પણ મેદાનમાં ઉતારી શકે છે. પરંતુ અહીંય પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીનું નામ ખાસ્સું એવું ચર્ચામાં છે.

બનાસકાંઠા લોકસભા સીટપરથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ નક્કી મનાય છે. આ સીટ પર ભાજપે અગાઉથી જ ડો. રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે. જો ગેનીબેન પણ આ ચૂંટણી જંગમાં ઝંપલાવે છે તો ભાજપ અને કોગ્રેસની મહિલા નેતાઓ વચ્ચે જંગ જામશે.

વાવના ધારાસભ્ય ઠાકોર સમાજ અને અન્ય પછાત જાતિઓમાં સારી લોકપ્રિયતા ધરાવે છે. કોંગ્રેસ તરફથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સતત બે ટર્મથી વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોરે શિવ મંદિરમાં દર્શન બાદ ચૂંટણી લડવા મુદ્દે નિવેદન આપ્યું છે. ગેનીબેને કહ્યું કે જો કોંગ્રેસ હાઈકમાન્ડ ટિકિટ આપશે તો બનાસકાંઠા બેઠક પર લોકસભા લડવા અને જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 195 નામોની પ્રથમ યાદી જાહેર કરી છે. હવે કોંગ્રેસ પણ લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવા જઈ રહી છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે (7 માર્ચ 2024) મોડી રાત સુધી ચાલી હતી, જેમાં ઘણા નામોને મંજૂરી આપવામાં આવી છે અને આજે (8 માર્ચ 2024) કોંગ્રેસની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી શકે છે