ગુજરાતની બાકીની 11 બેઠકો પર ભાજપમાંથી કોને મળી શકે છે ટિકિટ? જાણો કયા કયા નેતાઓના નામની છે ચર્ચા

ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે પછીની યાદીમાં બાકીની 11 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપે પ્રથમ યાદીમાં માત્ર પાંચ સાંસદોની ટીકીટ કાપી છે, પરંતુ આગામી યાદીમાં વધુ કાતરનો ઉપયોગ થવાની અટકળોએ ભાજપની અંદરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વડોદરા, મહેસાણા, સુરત અને અમદાવાદની બાકીની બેઠકોમાં સૌથી વધુ રસ છે. હવે જોવાનું એ રહે છે કે કેટલીક લોટરી લાગે છે અને કેટલીક ટિકિટ કપાય છે. ભાજપની આગામી યાદી માટે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની બાકી છે.

11 બેઠકો માટે કયા નામો ચર્ચામાં છે?

અમરેલી સીટ માટે બાવકુ ઉધાડ, ભરત કાનબારા, કૌશિક વેકરીયા (નાયબ દંડક ગુજરાત વિધાનસભા), મુકેશ સંઘાણી અને ભરત સુતરીયાના નામો ચર્ચામાં છે. વડોદરા માટે વિદેશ મંત્રી એસ.જયશંકર, પૂર્વ પોલીસ અધિકારી રાકેશ અસ્થાના, રામાયણમાં સીતાની ભૂમિકા કરનારા દીપિકા ચિખલિયા, રાજેન્દ્ર ત્રિવેદી અને ભાર્ગવ ભટ્ટ મુખ્ય દાવેદારો છે.

મહત્વના ઘટનાક્રમમાં તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમા આવેલા પિતા પુત્ર એટલે કે નારણ રાઠવા અથવા સંગ્રામસિંહ રાઠવાનું ચર્ચામાં છે. ભાજપમાં આ નામોને લઈ ભારે અટકળો ચાલી રહી છે.

જૂનાગઢ માટે કિરીટ પટેલ, ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ અને ગીતાબેન માલમના નામો ચર્ચામાં છે.

જ્યારે ભાવનગર બેઠક માટે એક માત્ર હીરા સોલંકીનું નામ ઉભરી રહ્યું છે. જોકે અહીંયા ભાજપ હાઈકમાન્ડ સરપ્રાઈઝ પણ આપી શકે છે.

સુરેન્દ્ર નગર માટે ડો.મહેન્દ્ર મુંજપરા (વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી), કુંવરજી બાવળિયા(ધારાસભ્ય), શંકર વેગડ અને પ્રકાશ વરમોરાના નામ ચર્ચામાં છે.

સુરત બેઠક માટે ડૉ. જગદીશ પટેલ, રણજીત ગિલિટવાલા, નીતિન ભજીવાલા, મુકેશ દલાલ, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું નામ ચર્ચામાં છે. જો વર્તમાન સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોષને રિપીટ નહીં કરવામાં આવે તો આ નામોમાંથી કોઈ એકના નામ પર પસંદગીનો કળશ ઢોળી શકાય છે.

વલસાડ પર નવા ચહેરાની પસંદગીની શક્યતા વધી ગઈ છે.હાલનાં સાંસદ કે.સી. પટેલનું રિપીટ થવું મુશ્કેલ લાગી રહ્યું છે. નવા ચહેરમાં હેમંત પટેલ, અરવિંદ પટેલ, ઉષાબેન, ડો.લોચન શાસ્ત્રી અને અન્ય નામો પણ છે.

અમદાવાદ પૂર્વની સીટ પર રાજ્યનાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, વલ્લભ કાકડિયા અને જગદીશ પટેલના નામો ચર્ચામાં છે.

સાબરકાંઠા સીટ પર દીપસિંહ રાઠોડ, પ્રફુલ્લભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બૈર્ય અને કૌશલ કુંભારબા પરમારના નામની અટકળો ચાલી રહી છે.

મહેસાણાની સીટ પર દાવેદારોનો રાફડો ફાટ્યો છે. ચર્ચાતા નામોમાં જુગલ ઠાકોર, પ્રકાશ પટેલ, આનંદ પટેલ, સીટીંગ સાંસદ શારદાબેનના પુત્ર ધનેશ પટેલ અને એ.કે.પટેલના પુત્રનું ચર્ચામાં છે.

વડોદરા બેઠક પર ઉત્કંઠા

ભાજપની પ્રથમ યાદી બાદ ગુજરાતની બાકીની તમામ 11 લોકસભા બેઠકો પર ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વડોદરા, સુરત અને મહેસાણાની બેઠકો ભાજપ માટે એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાથી પોતાની દાવેદારી પાછી ખેંચી લીધા બાદ હવે એવી ચર્ચા ચાલી રહી છે કે વડાપ્રધાનના ગૃહ મતવિસ્તારની બેઠક પરથી કોણ ચૂંટણી લડશે? રાજકોટમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટિકિટ ન અપાતા પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12 માર્ચે ગુજરાતની સૂચિત મુલાકાત પહેલા બાકીના 11 નામોની જાહેરાત થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ચર્ચા છે કે આ પ્રસંગે તેઓ ગુજરાતના તમામ 26 ઉમેદવારોને એકસાથે મળી શકે છે.