ભાજપમાં પક્ષપલટુઓ માટે રેડ કાર્પેટ, પાયાના કાર્યકરોની સ્થિતિ બની રહી છે કફોડી

ભાજપમાં કોંગ્રેસીઓનો ભરતી મેળો શરુ થઈ ગયો છે. કોંગ્રેસની એક પછી એક વિકેટ પડી રહી છે. ભાજપ દ્વારા તમામનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભાજપ આને માઈક્રોલેવલનું મેનેજમેન્ટ કહે છે અને આના કારણે ભાજપ લોકસભામાં ગુજરાતમાંથી વિપક્ષ નામનાં પક્ષનો સંપૂર્ણપણે છેદ ઉડાડવા માંગે છે. આમ તો ગુજરાતમાં પાછલા 20 વર્ષમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ છે અને નથી, એમાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી.કોંગ્રેસની સ્થિતિ આટલી બધી વિષમ બની તે માટે કોંગ્રેસ જ જવાબદાર છે, કોંગ્રેસના નેતાઓ જવાબદાર છે, કાર્યકરો જવાબદાર છે.

કોંગ્રેસના ભરતી મેળાની ભીતરે ભાજપનો અદના કાર્યકર વિમાસણમાં છે. આદેશના નામ પર ગમે તેને જીતાડ઼વા માટે આકાશ પાતાળ એક કરી નાંખે છે. આને શિસ્તબદ્વત્તાની ઓળખ આપવામાં આવે છે. પરંતુ ભાજપનો કાર્યકર ભીતરેથી મોટાપાયા પર ધૂંધવાયેલો છે, અકળાયેલો છે. હાલ તેની પાસે શું કરવું તે સૂઝી રહ્યું નથી, પણ કોંગ્રેસીઓનાં હારતોરાને મૂગા મોઢે જોઈ રહ્યો છે. કશું બોલી રહ્યો નથી. કારણ કે તેને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું કહેવાયું છે, તેને ઢગલાબંધ પ્રોમીસ આપવામાં આવ્યા છે. તેને કહેવાયું છે કે અમે છીએ તો તમારી સલામતી છે.

આ ભાજપનો કાર્યકર બધું જ વેઠી રહ્યો છે, સહન કરી રહ્યો છે. આપણે જોયુ છે બહુ મોટી સ્ટાર કાસ્ટ સાથેની ફિલ્મ ચાલતી હોય અને એમાં મહેમાન કલાકાર આવીને લીડ હિરોનું બેન્ડ વગાડી જાય, ભાજપમાં કદાચ હાલ એવું જ બની રહ્યું છે.લાગલગાટ વિકાસ કાર્યો, સૌનો સાથ વિકાસનો નારો આપવામાં આવ્યો છે. પણ કોંગ્રેસ કે અન્ય પક્ષોના નેતાઓ અને કાર્યકરોથી ભાજપને ભરી દેવની હોડ ચાલી રહી છે. શું વિકાસ કાર્યો કરતાં પણ આ કોંગ્રેસીઓ વધારે અસરકારક અને પ્રભાવક બન્યા છે ભાજપ માટે? સહેજેય આ પ્રશ્ન થાય છે. શું ભાજપને પોતાના કાર્યો પરનો કોન્ફીડન્સ ઓછો થઈ ગયો છે? વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો અને તેમાં આવા તણખલાઓનો સહારો લેવાનો વારો કેમ આવી રહ્યો છે? ભાજપના કાર્યકરોના મનમાં આ સવાલ થાય એ સ્વભાવિક છે.

કાર્યકર બિચારો થઈ ગયો છે. ભાજપના સન્નિષ્ઠ કાર્યકરો બસ ટીવી પર બ્રેકિંગ સ્ક્રોલ જોઈ રહ્યા છે. હિન્દુત્વનો મુદ્દો ફૂલ્લી રિચાર્જ છે અને કાર્યકરો મનને મારીને પાર્ટીના કામમાં જોતરાઈ રહ્યા છે. કાર્યકરોની દશા મા મને કોઠીમાંથી કાઢ જેવી બની ગઈ છે. કાર્યકરો પાસે પાર્ટીની વફાદારી કરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. તેઓની હાલત જાયે તો જાયે કહાં જેવી છે.