પત્નીના પ્રથમ હરોળના વારસ પતિ તેમજ સંતાન ગણાયઃ ગુજરાત હાઈકોર્ટ

જામનગરના જાંબુડા ગામના એક આસામીએ પોતાના અવસાન પામનાર પત્નીની મિલકત અંગે વારસાઈ સર્ટિફિકેટ મેળવવા કરેલી કાર્યવાહી અંતર્ગત તેમના સાસુએ હાઈકોર્ટ સુધી કાનૂની લડત આપી હતી. જેમાં કોર્ટે પતિ તરફી હુકમ કર્યાે છે.

જામનગર તાલુકાના જાંબુડા ગામના નિલેશભાઈ રામજીભાઈ ભેંસદડીયાએ તેમના પત્ની શર્મીલાબેનનું અવસાન થતાં પત્નીની મિલકત અંગે વારસાઈ સર્ટિફિકેટ મેળવવા પુત્ર સાથે રહી કોર્ટમાં અરજી કરી હતી.

તે અરજીમાં તેમના સાસુ લીલાબેને વાંધો લઈ જણાવ્યું હતું કે, તેમની પુત્રીની મિલકતના નોમીની તેઓ હોવાથી તેમની મિલકત માતાને મળી શકે. તેની સામે નિલેશભાઈના વકીલે દલીલ કરી હતી કે, નોમીની માત્ર ટ્રસ્ટી છે, તેઓએ કાયદેસરના વારસોને અવસાન પામનારની મિલકત સુપ્રત કરવાની રહે છે. હિન્દુ વારસાધારા મુજબ મૃતક મહિલાના પતિ તથા પુત્ર પ્રથમ હરોળના વારસદાર ગણાય.

અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી પતિ તથા પુત્રની તરફેણમાં વારસા સર્ટિફિકેટ કાઢી આપવા હુકમ કર્યાે હતો તેની સામે લીલાબેને અપીલ કરી હતી. તે રદ્દ થતાં હાઈકોર્ટમાં બીજી અપીલ કરાઈ હતી. તે અપીલ પણ રદ્દ કરવામાં આવી છે. પતિ તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા હતા.