પાછલા લાંબા સમયથી વક્ફ બોર્ડની રચનાને લઈ ખાસ્સો ઉહાપોહ મચ્યો હતો. હાઈકોર્ટનાં આદેશ બાદ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડમાં સભ્યોની નિમણૂંક કરવામાં આવ્યા બાદ ચેરમેન તરીકે ડો.મોહસીન લોખંડવાલાની વરણી કરવામાં આવી. હવે વક્ફ બોર્ડ ધમધમતું થઈ ગયું છે. સંપૂર્ણ રીતે વક્ફ બોર્ડની રચના થતાં બોર્ડની મીટીંગ યોજવામાં આવી હતી.
વક્ફ બોર્ડનાં ચેરમેન ડો.મોહસીન લોખંડવાલાના અધ્યક્ષપદે મળેલી મીટીંગમાં પાછલા લાંબા સમયથી પેન્ડીંગ ફેરફાર રિપોર્ટનું કામ હાથ પર લેવામાં આવ્યું હતું. બિન-તકરારી 980 ફેરફાર રિપોર્ટને સર્વાનુમતે મંજુરી આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડનો 2024-25નો અંદાજપત્ર પણ મંજુર કરવામાં આવ્યો હતો.
મહત્વના નિર્ણયમાં વક્ફ બોર્ડ દ્વારા જે ટ્રસ્ટોમાં ગેરવહીવટ અંગે વક્ફ કાયદાની કલમ-38 હેઠળ વહીવટદારો અને વક્ફ કાયદાની કલમ-25 હેઠળ કેરટેકરની નિમણૂંક કરી હતી તે તમામ વહીવટદારો અને કેરટેકરની મુદ્દત પૂર્ણ થતાં હવે તેમણે કોઈ કામગીરી કરવાની રહેતી નથી.
વક્ફ મિલ્કતોમાં ત્રણ સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક હેતુ માટે 15-20 વર્ષનાં લાંબાગાળા માટે ભાડાપટ્ટેથી શૈક્ષણિક વિકાસની મંજુરી આપવામાં આવી હતી.
બોર્ડની મીટીંગમાં ચેરમેન ડો.મોહસીન લોખંડવાલા, બોર્ડના સભ્યો એડવોકેટ રણજિતસિંહ રાઠોડ, સોફિયા જમાલ, એડવોકેટ તૌફીક વોરા, આસીફ સલોટ, જિશાન નકવી અને જોઈન્ટ સેક્રેટરી મન્સુરી અને્ કારોબારી અધિકારી એમએચ ખુમાર હાજર રહ્યા હતા.