અર્જુન મોઢવાડિયાએ ધારણ કર્યો કેસરી ખેસ, અંબરીશ ડેર ભાજપમાં જોડાયા

લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. સોમવારે કોંગ્રેસ છોડીને આવેલા અર્જુન મોઢવાડિયા આજે ભાજપમાં જોડાયા છે. અર્જુન મોઢવાડિયાની સાથે કોંગ્રેસના ગુજરાત યુનિટના કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેરે પણ ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. અંબરીશ ડેરે પણ ગઈ કાલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જોકે, કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ગુજરાતના સૌથી વરિષ્ઠ અને પ્રભાવશાળી વિપક્ષી નેતાઓમાંના એક મોઢવાડિયાએ 2022ની ચૂંટણીમાં પોરબંદર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના દિગ્ગજ નેતા બાબુ બોખીરિયાને હરાવ્યા હતા.

મોઢવાડિયાએ ગઈકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે, તે પહેલા મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે.

થોડા દિવસો પહેલા પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા તેમના પુત્ર અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે સત્તાધારી ભાજપમાં જોડાયા હતા.

મોઢવાડિયા (67) લગભગ 40 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. મોઢવાડિયાના રાજીનામાથી 182 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 14 થઈ ગઈ છે.

ગઈ કાલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં ઉત્સવનો બહિષ્કાર કરીને ભગવાન રામનું જે રીતે અપમાન કર્યું છે તેનાથી તેમના જેવા ઘણા લોકોને દુઃખ થયું છે. હવે તેઓ રાહત અનુભવી રહ્યા છે.

ચિરાગ પટેલ અને સીજે ચાવડા પછી છેલ્લા ચાર મહિનામાં રાજીનામું આપનારા મોઢવાડિયા ત્રીજા કોંગ્રેસના ધારાસભ્ય છે. પટેલે ડિસેમ્બરમાં અને ચાવડાએ જાન્યુઆરીમાં રાજીનામું આપ્યું હતું.