અમરીશ ડેરનું રાજીનામું,કમલમ બહાર લાઈન લાગી, કોંગ્રેસના મોટા નેતા ભાજપમાં જોડાશે?

અમરીશ ડેર ક્યારે કેસરિયા પહેરશે તે તો હજુ નક્કી નથી, પરંતુ જો ભારતીય જનતા પક્ષમાં જોડાવાનો સંકલ્પ કરી લીધો હોય તો બેશક ભાજપ મજબૂત સ્થિતિમાં આવશે, પરંતુ એક વાત એ પણ છે કે સિંહનું કલેજુ ધરાવતા અમરીશ ડેર સ્પષ્ટ વક્તા છે. ભારતીય જનતા પક્ષને આ બેબાક નેતા પોસાશે કે નહીં તે મોટો પ્રશ્ન છે, કારણ કે આ નેતા કોઈની અંદરમાં રહેવા ટેવાયેલા નથી અને ખોટું થતું હશે તો ચમરબંધીને પણ કહેવા ટેવાયેલા છે. આવા સંજોગોમાં ભારતીય જનતા પક્ષે આ નેતાને પોતાની ઘરેડમાં ઢાળવા માટે બહુ બધી મહેનત કરવી પડશે.

ભારતીય જનતા પક્ષના એક જૂના કાર્યકર્તાના મોંઢે સાંભળેલી વાત છે કે 156 લઈ આવી દીધી પછી હવે બધાને પક્ષમાં જોડીને શું કામ છે? આમાં તો એક વખત એવો આવશે કે મૂળ ભાજપ લઘુમતીમાં હશે અને બહારથી આવેલા બહુમતીથી ધાર્યા કામ પાડશે.

એક વાત તો નક્કી જ છે કે અમરીશ ડેર ને લઈ આવી અને એમને ખાલી બેસાડી રખાશે નહીં. મોટો હોદ્દો કે ધારાસભ્ય પદ અને ધારાસભ્ય પદ પછી મંત્રી પદ સુધી કંઈક આપવું પડશે.તો મૂળ ભાજપના કાર્યકર્તાઓએ હજુ કેટલા વર્ષ રાહ જોવાની છે? અને બહારથી આવેલા ને ખભે બેસાડી અને નગર યાત્રા કરવાની છે? આ યક્ષ પ્રશ્નને મોવડી મંડળે ઉકેલવો પડશે.

ભારત જોડો ન્યાય યાત્રા અંગે પક્ષે યોજેલી પત્રકાર પરિષદમાં પક્ષના મોટા નેતા અને હાલમાં જેમની નારાજગીની ચર્ચાઓ ચાલી રહી છે તે પોરબંદરના વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadiya) હાજર ન હોવાથી ફરી અટકળો ચાલી રહી છે. મોઢવાડિયા આજકાલમાં જ ભાજપમાં જોડાઈ તેવી સંભાવના છે. માત્ર મોઢવાડિયા જ નહીં સૌરાષ્ટ્રના બે મોટા ચહેરા અમરિશ ડેર અને પૂંજા વંશ પણ ભાજપમાં જોડાઈ તેવી અટકળો તેજ થઈ છે.

અમરિશ ડેરને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયાનું પક્ષના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. જોકે બે દિવસથી અમરિશ ડેરનું નામ સમાચારોમાં ચમકતું હતું. આહિર જ્ઞાતિમાંથી આવતા અમરિશ ડેરને ભાવનગરમાં આમ આદમી પક્ષ (આપ)ના ઉમેદવાર ઉમેશ મકવાણા વિરુદ્ધ ઊભા કરવામાં આવે તેમ માનવામાં આવે છે.

જૂનાગઢથી કોળી સમાજનો ચહેરો ઊભો રાખવા ભાજપે પૂંજા વંશનો સંપર્ક સાધ્યો હોવાનું કહેવાય છે. ભાજપના જૂનાગઢના વર્તમાન સાંસદ રાજેશ ચૂડાસમા નામ વેરાવળના સેવાભાવી ડોક્ટર અતુલ ચંગની આત્મહત્યામાં કથિત રીતે સંડોવાયેલા હોવાના અહેવાલો બાદ તેમને રિપીટ કરવાનું શક્ય નથી. ભાજપે તો કોળી ચહેરો જ જોતો હોય તો તેમણે પૂંજા વંશ પર પસંદગી ઉતારવી પડે તેમ છે. આથી વંશ પણ ભાજપમા જોડાઈ તેવી અટકળોએ જોર પકડ્યું છે. જોકે આ વાતનો તેમણે ઈનકાર કર્યો હતો.

મોઢવાડિયા, ડેર અને વંશ એ ત્રણેય નેતાઓ સૌરાષ્ટ્રના છે અને અહીં કૉંગ્રેસને મજબૂત કરવા તેમનું યોગદાન નોંધપાત્ર છે. હવે તેઓ ભાજપમાં જોડાશે તો કૉંગ્રેસ માટે આ બહુ મોટો ઝટકો હશે આ સાથે શક્તિસિંહના નેતૃત્વ સામે પણ સવાલો ઊભા થશે.