કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને “ધમકી અપાઈ, ડરાવાયા”: એસ જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે કહ્યું હતું કે ભારત ગયા વર્ષે લંડનમાં તેના હાઈ કમિશન અને સાન ફ્રાન્સિસ્કોમાં વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલામાં સંડોવાયેલા ગુનેગારોની તેમજ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકાવવામાં સામેલ ગુનેગારોને પકડવાની આશા રાખે છે. તેમની સામે પગલાં લેવામાં આવશે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતે કેનેડાને વિઝા આપવાનું સ્થગિત કરવું પડ્યું કારણ કે તેના રાજદ્વારીઓને વારંવાર વિવિધ રીતે ડરાવવા અને ધમકાવવામાં આવ્યા હતા અને અમે જોયું કે તે સમયે કેનેડિયન પ્રણાલી તરફથી બહુ ઓછી કાર્યવાહી કરવામાં આવી હતી.

કેનેડા અંગે એસ જયશંકરે શું કહ્યું?

ભારતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનું કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધું હતું. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ‘સંભવિત’ સંડોવણીનો આક્ષેપ કર્યાના થોડા દિવસો બાદ દેશે આ પગલું લીધું હતું. જો કે, થોડા અઠવાડિયા પછી વિઝા સેવાઓ ફરી શરૂ થઈ. ભારતે ટ્રુડોના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.

‘હુમલાનાં ગુનેગારોને સજા થશે’

ભારત આગ્રહ કરી રહ્યું છે કે કેનેડા સાથેનો તેનો ‘મુખ્ય મુદ્દો’ તે દેશમાં અલગતાવાદીઓ, આતંકવાદીઓ અને ભારત વિરોધી તત્વોને આપવામાં આવેલી જગ્યા છે. એસ જયશંકરે નેશનલ ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત સમિટમાં કહ્યું, ‘અમને આશા છે કે સાન ફ્રાન્સિસ્કોમાં અમારા કોન્સ્યુલેટ પર હુમલાના ગુનેગારોને સજા થશે. અમે લંડનમાં અમારા હાઈ કમિશન પર હુમલો કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ અપેક્ષા રાખીએ છીએ. અમે અમારા રાજદ્વારીઓને (કેનેડામાં) ધમકાવનારાઓ સામે કાર્યવાહીની અપેક્ષા રાખીએ છીએ.