પાછલા કેટલાક દિવસોથી ભરુચ લોકસભા સીટને લઈ ભારે કમઠાણ ચાલી રહ્યું હતું. હવે આ કમઠાણનો અંત આવ્યો છે. આમ આદમી પાર્ટીએ આજે સત્તાવાર રીતે ભરુચ લોકસભા સીટ પરથી ઈન્ડિયા ગઠબંધનનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરીને તમામ અટકળો અને અફવા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.ચૈતર વસાવાએ ઈન્ડિયા ગઠબંધનનાં નિર્ણયનું સ્વાગત કર્યું છે.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ચૈતર વસાવાએ વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતાં જણાવ્યું હતું કે, આજરોજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં લાગુ થયું છે અને ભરૂચ લોકસભા સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે, તેને અમે વધાવી લઈએ છીએ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા અહેમદ પટેલના પરિવારના મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે તેમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથીઓને સાથે લઈને અને વિશ્વાસમાં લઈને આગળ વધીશું અને સાથે મળીને રણનીતિ બનાવીશું. ભરૂચ લોકસભા સીટ જીતીને અમે સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું.
ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કરે સ્વાભિમાન યાત્રાનો ત્રીજો દિવસ છે અને તેમાં ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ સહિત કોંગ્રેસના તમામ આગેવાનો આ યાત્રામાં જોડાય અને સાથે મળીને જન સંપર્ક કરીએ તે માટે હું આમંત્રણ આપું છું. હું તેમને વિશ્વાસ અપાવવા માગું છું કે સાથે મળીને આ લોકતંત્ર બચાવવાની લડાઈમાં આગળ વધીશું અને સાથે મળીને રણનીતિ બનાવીશું તો આપણે ચોક્કસ આ લોકસભા ચૂંટણી જીતીશું અને ભરૂચ લોકસભાની સીટ ઇન્ડિયા ગઠબંધનને આપી શકીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલે પણ ભરુચ લોકસભામાંથી દાવેદારી કરી હતી. પરંતુ ગુજરાતમાં ઈન્ડિયા ગછબંધનની સમજૂતી થતાં હવે બન્ને ભાઈ-બહેન માટે ચૈતર વસાવાને ગઠબંધનના ઉમેદવાર તરીકે સ્વીકારવાનું રહે છે. હવે જોવાનું એ રહે છે કે તેઓ ચૈતર વસાવા માટે કેટલો અને કેવા પ્રકારનો ચૂંટણી પ્રચાર કરે છે.