ભારતની સૌ પ્રથમ બુલેટ ટ્રેનની ક્યારથી થશે શરુઆત, જાણી લો મોટા ન્યૂઝ

ભારતની સૌ પ્રથમ બુલેટ ટ્રેન ટૂંક સમયમાં હાઈ સ્પીડ ટ્રેક પર દોડતી જોવા મળશે. મુંબઈથી અમદાવાદ વચ્ચેના કોરિડોરમાં દોડાવવાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ સૌથી પહેલા તબક્કામાં ગુજરાતમાં ટ્રેન દોડાવાશે એવી રેલવે પ્રધાને સૌથી મોટી જાહેરાત કરી હતી.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ ટ્રેનનો બિલીમોરાથી સુરત સુધીનો પહેલો તબક્કો ૨૦૨૬ સુધીમાં તૈયાર થઈ જશે ત્યારે બિલીમોરા-સુરત રૂટ પર ઈ-૫ શ્રેણીની સિકવન્સી ટ્રેનોની ટ્રાયલ હાથ ધરવામાં આવશે. વૈષ્ણવે વિક્રોલી શાફ્ટ ખાતે ટનલ બોરિંગ કામગીરીની શરૂઆત તરીકે ટનલ ખોદવાના કામ માટે પ્રથમ રિમોટ-કંટ્રોલ્ડ બ્લાસ્ટિંગ હાથ ધર્યું હતું.

ગુજરાતમાં ૨૫૦ કિલોમીટરથી વધુ ગર્ડરનું લોકાર્પણ થઈ ચૂક્યું છે. ઓપરેશનલ પ્લાનની રૂપરેખા મુજબ કોરિડોર પર હાઇ-સ્પીડ ટ્રેનો ૫૦૮ કિલોમીટરના રૂટમાં ૧૨ સ્ટેશનો પર ૩૨૦ પ્રતિ કલાકની ઝડપે દોડશે. રેલવે મંત્રાલય દરેક દિશામાં દરરોજ ૩૫ ટ્રેન દોડાવવાની યોજના ધરાવે છે, જે પીક અવર્સ દરમિયાન દર ૨૦ મિનિટે અને નોન-પીક અવર્સ દરમિયાન દર ૩૦મિનિટે ચાલશે.

દરમિયાન મુંબઈમાં રેલવેએ ૨૧ કિલોમીટર લાંબી ટનલ બનાવવા માટે ચાર સ્થળોએ ખોદકામનું કામ શરૂ કર્યું છે. ઘણસોલી નજીક, વિક્રોલી, થાણે, અને સાવલી ખાતે હાલમાં કામ ચાલી રહ્યું છે, જે તમામ ભૂગર્ભ રેલ ટનલના પ્રવેશદ્વાર છે. ૫૬ મીટર ભૂગર્ભમાં બનનારી ટનલનો સૌથી ઊંડો વિસ્તાર વિક્રોલીમાં હશે, જેના માટે ગોદરેજ એન્ડ બોયસ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૩ માં નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને જમીન સોંપવામાં આવી હતી.