ભૂખમરો અને કુપોષણનો સામનો કરવા માટે સામૂહિક રસોડા બનાવવાની યોજનાની માગ કરતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દેશભરમાં સામૂહિક રસોડા શરૂ કરવાની માગ કરતી અરજી પર કોઈપણ નિર્દેશ અથવા માર્ગદર્શિકા પસાર કરવાનો ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ‘સરકારી નીતિઓ અને યોજનાઓની ન્યાયિક સમીક્ષાનો વિસ્તાર ખૂબ જ મર્યાદિત હોય છે અને અદાલતો સરકારને કોઈ નીતિઓ કે યોજના લાગુ કરવા માટે નિર્દેશ આપી શકે નહીં. વહીવટી તંત્રને નીતિઓ લાગુ કરવાનો અધિકાર છે.’
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપવાનો ઈનકરા કર્યો હતો
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં દરરોજ ભૂખમરો અને કુપોષણના કારણે પાંચ વર્ષથી ઓછી ઉંમરના ઘણાં બાળકો મૃત્યુ પામે છે અને આ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. ઉપરાંત આ ભોજનના અધિકારનું પણ ઉલ્લંઘન છે. અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિત્તલની બેંચે આવો કોઈ નિર્દેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.
સુપીમ કોર્ટની બેંચે કહ્યું કે, ‘કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભૂખમરો અને કુપોષણને પહોંચી વળવા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો અને અન્ય કલ્યાણકારી યોજનાઓ પહેલાથી જ લાગુ કરી દીધી છે. એ વાત જાણીતી છે કે નીતિ વિષયક બાબતોની ન્યાયિક સમીક્ષાનો વિસ્તાર ખૂબ જ મર્યાદિત છે. કોર્ટ કોઈપણ નીતિઓ અથવા યોજનાની યોગ્યતાની તપાસ કરતી નથી અને કરી શકતી નથી. નીતિ વિષયક બાબતોમાં કોર્ટ વહીવટી તંત્રના સલાહકાર પણ નથી.’