રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું ગુજરાતમાં આદિવાસી ક્ષેત્ર પર ફોકસઃ સૌરાષ્ટ્રમાં નહીં આવે

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાંથી પસાર થવાના સંકેતો વચ્ચે પ્રદેશ નેતાઓએ જોરશોરથી તૈયારી કરી છે. રાજયમાં ઉતર, દક્ષિણ અને મધ્યભાગોના જીલ્લાઓમાંથી યાત્રા પસાર થશે. સૌરાષ્ટ્રના જીલ્લાઓ રૂટમાં સામેલ નથી પરંતુ સૌરાષ્ટ્રના આગેવાનો માટે જુદા-જુદા પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે જયાં તેઓ સ્વાગત કરશે.

લોકસભા ચુંટણી પુર્વે બીજા તબકકાની ભારત જોડો ન્યાયયાત્રાએ નિકળેલા રાહુલ ગાંધીની યાત્રા હાલ ઉતરપ્રદેશમાં છે. ૨૦ માર્ચે મુંબઈમાં સમાપન પુર્વે હજુ ગુજરાત સહિતના રાજયોમાં ફરવાની છે. ગુજરાત કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે ગુજરાત માટે પાંચ દિવસ ફાળવવામાં આવ્યા છે અને તે અંતર્ગત રૂટ તૈયાર થયો છે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં આ યાત્રા ગુજરાતમાં પ્રવેશશે. રાજસ્થાનથી ગુજરાતમાં યાત્રાનુ આગમન થશે અને અહીથી મહારાષ્ટ્ર પહોંચશે.

ગુજરાતમાં પાંચ દિવસ ફરનારી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના ત્રણેય ઝોનને આવરી લેવામાં આવ્યા છે. મુખ્યત્વે આદિવાસી વિસ્તારો પર ફોકસ કરવામાં આવ્યુ છે. આદિવાસી કોંગ્રેસની પરંપરાગત વોટબેંક છે. તેમાં પણ હરિફ ભાજપ દ્વારા ગાબડા પાડવાના ભરચકક પ્રયાસો થયા જ છે ત્યારે આ વોટબેંક જાળવવા માટે આદિવાસી પ્રભુત્વ ધરાવતા ભાગોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. પાંચ દિવસમાં રાજયના આઠ જીલ્લાઓને કવર કરવામાં આવશે અને ત્યાંથી યાત્રા પસાર થશે. આ જીલ્લાઓમાં દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી તથા ડાંગ જીલ્લાઓનો સમાવેશ થાય છે.

પ્રદેશ કોંગ્રેસના સીનીયર નેતાઓએ કહ્યું કે ભારત જોડો ન્યાયયાત્રાનું ફાઈનલ શિડયુલ હજુ આવ્યુ નથી છતાં માર્ચના પ્રથમ સપ્તાહમાં પ્રવેશ થવાનું અને તેના આધારે તૈયારી કરતા કહેવામાં આવ્યું છે. સિનિયર નેતાઓએ સમગ્ર રૂટનુ નિરીક્ષણ કર્યુ હતું અને રાહુલ ગાંધીની જાહેરસભા-રેલી, રોડશો વગેરે માટેના સંભવિત સ્થળોનો પણ રિપોર્ટ તૈયાર કર્યો છે. યાત્રાનો રૂટ નકકી થઈ ગયો હોવાથી તેમાં સામેલ થવા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાંથી યાત્રા પસાર થવાની નથી છતાં સૌરાષ્ટ્રના નેતાઓ પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરી શકે તે માટે કેટલાંક સ્વાગત પોઈન્ટ માટે સૌરાષ્ટ્રના નેતાઓને જવાબદારી સોંપવાનું નકકી કરવામાં આવ્યું છે. આઠ જીલ્લામાંથી પસાર થનાર યાત્રાના રૂટ પર કયા જાહેરસભા કરવી, કયા રોડ શો કરવો સહિતના આયોજન ગોઠવાય રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૫મી જાન્યુઆરીથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા મણીપુરથી શરૂ થઈ હતી અને જુદા-જુદા રાજયોમાં ફરીને ૨૦મી માર્ચે મુંબઈમાં ખત્મ થવાની છે. ગુજરાતમાંથી પણ તે પસાર થવાની છે. માંડ એકાદ પખવાડીયુ બાકી રહ્યું છે ત્યારે પ્રદેશ નેતાઓ દ્વારા તૈયારીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. સીનીયર નેતાઓએ જવાબદારી ઉપાડીને રૂટનુ નિરીક્ષણ પૂર્ણ કર્યુ હતું.